• ત્રાસવાદના ઓનલાઈન પ્રસારથી જેલ

Monday 25th September 2017 06:57 EDT
 

ઓલ્ડ બેઈલીની કોર્ટે કટ્ટરવાદી ઉપદેશક અંજેમ ચૌધરીના શિષ્ય તેમજ લંડન બ્રિજ ત્રાસવાદીઓના સહયોગી તાહા હુસૈનને ત્રાસવાદના ઓનલાઈન પ્રસાર બદલ સાડા ચાર વર્ષની જેલની સજા ફરમાવી છે. પોતાને ‘શાતિપૂર્ણ વિરોધકાર’ ગણાવતા હુસૈને ઘૃણાના ઉશ્કેરણીજનક સંદેશા અને ત્રાસવાદીઓની પ્રશંસા ફેલાવવા માટે સોશિયલ મીડિયા અને યુટ્યૂબ વેબસાઈટનો ઉપયોગ કર્યો હતો. તેણે ચેનલ ફોરની ડોક્યુમેન્ટરી ‘ધ જેહાદીસ નેક્સ્ટ ડોર’માં લંડન બ્રિજ હુમલાના ત્રાસવાદી ખુર્રમ બટ સાથે દેખા દીધી હતી.

• સર હીથ વિરુદ્ધ ઈન્ક્વાયરીને વધુ ભંડોળ 

સર એડવર્ડ હીથ બાળ યૌનશોષણ સાથે સંકળાયો હોવાના મુદ્દે પોલીસ ઈન્ક્વાયરીને હોમ ઓફિસ દ્વારા ૧.૧ મિલિયન પાઉન્ડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. આ ઈન્ક્વાયરીને પ્રજાના નાણાના દુર્વ્યય તરીકે ગણાવી વિલ્ટશાયર પોલીસને ઈમર્જન્સી ભંડોળ આપવાના હોમ સેક્રેટરી અંબર રડના નિર્ણયની ભારે ટીકા કરાઈ છે. બે વર્ષની તપાસને પ્રાથમિક રિપોર્ટ પાંચ ઓક્ટોબરે જાહેર કરાવાની શક્યતા છે.

કારમાંથી કચરો ફનેલ બિન્સમાં ફેંકવા પ્રોત્સાહન

હાઈવે ઈંગ્લેન્ડ દ્વારા વાહનચાલકોને કારની બારીમાં કચરો માર્ગ પર ગોઠવાયેલાં વિશાળ ફનેલ બિન્સમાં નાખવા પ્રોત્સાહન અપાશે. જોકે, કચરાવિરોધીઓ આ યોજનાને લોકોને આળસુ બનાવવાની આદતને ઉત્તેજન તરીકે ગણાવે છે. નોર્થવેસ્ટ ઈંગ્લેન્ડમાં સર્વિસ એરિયાઓમાં આવા વિશાળ બિન્સ ગોઠવાઈ રહ્યાં છે, જેની શરૂઆત ચેશાયરમાં M6 રોડ પર થઈ છે. જો આ યોજનાથી માર્ગો પર ફેંકાતા કચરામાં ઘટાડો થશે તો સમગ્ર ઈંગ્લેન્ડમાં તેનો અમલ કરાશે.

• ગ્રેનફેલ ટાવર મૃત્યુઆંક ઘટી શકે 

ગ્રેનફેલ ટાવરની આગમાં ૮૦ વ્યક્તિનો અંદાજિત મૃત્યુઆંક થોડો ઘટી શકે છે તેમ મેટ્રોપોલીટન પોલીસનું માનવું છે. કેટલાક લોકોએ આગના સમયે ટાવરમાં પોતાના સ્નેહીજનો હોવાનાં ખોટા દાવાઓ પણ કરેલા હોવાના લીધે આમ તઈ શકે છે. પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર આ વર્ષના અંત સુધીમાં સાચો મૃત્યુઆંક જાણવા મળી શકે છે.

૧૪ વર્ષની ૨૫ ટકા છોકરીઓમાં હતાશા

મિલેનિયમ કોહોર્ટ સ્ટડી અનુસાર ૧૪ વર્ષની ચારમાંથી એક એટલે કે ૨૫ ટકા છોકરીઓ ડિપ્રેશન અથવા હતાશાથી પીડાય છે. આ પ્રકારના સૌથી મોટા અભ્યાસમાં સંશોધકોએ ૨૦૦૦-૨૦૦૧માં જન્મેલાં ૧૦,૦૦૦ તરુણોના ડેટાનો ઉપયોગ કર્યો હતો. ૧૦ વર્ષ અગાઉની સરખામણીએ વર્તમાન યુગના તરુણો સંવેદનાત્મક સમસ્યાઓ વધુ પ્રમાણમાં અનુભવે છે અને પેરન્ટ્સને બાળકોની યાતનાનો કોઈ ખ્યાલ આવતો નથી. ૧૦ વનર્ષ અગાઉ જન્મેલાં બાળકો પર આવા જ અભ્યાસમાં ૧૨ ટકા એટલે કે ૧૪ વર્ષની ૧૬૬,૦૦૦ છોકરીઓ અને પાંચ ટકા એટલે કે ૬૭,૦૦૦ છોકરાંઓમાં સંભવિત ડિપ્રેશનના લક્ષણો હોવાનું જણાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter