• ત્રીજા ભાગના બ્રિટિશ ભારતીય પરિવારોની અઠવાડિક આવક £૧,૦૦૦થી વધુ

Friday 13th October 2017 11:44 EDT
 

રેસ ઓડિટના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ શ્વેત લોકો કરતા વંશીય લઘુમતી ઘણાં ક્ષેત્રમાં આગળ છે. શ્વેત બ્રિટિશ પરિવારોની સરખામણીએ ૩૩ ટકા જેટલા બ્રિટિશ ભારતીય પરિવારોની અઠવાડિક આવક ૧,૦૦૦ પાઉન્ડથી વધુ હોય છે. શ્વેત લોકોની સરખામણીમાં અશ્વેતોની ધરપકડ ત્રણ ગણી વધારે થાય છે. અન્ય સમુદાયો કરતા શ્વેત ટીનેજરો ખૂબ ઓછી સંખ્યામાં કસ્ટડીમાં હોય છે. સિવિલ સર્વિસીસમાં ટોચના હોદ્દા પર શ્વેત લોકોનું પ્રમાણ વધુ છે.

• કતાર પર ફીફા વર્લ્ડ કપની યજમાની છોડવા દબાણ

કતાર ૨૦૨૨ના ફીફા વર્લ્ડ કપની યજમાની છોડી દેશે તો તેના પડોશી દેશોએ તેના પર મૂકેલા પ્રતિબંધો હટી જશે. કતાર દ્વારા યુર્નામેન્ટના આયોજન અને ચાર આરબ દેશ દ્વારા તેના બહિષ્કાર વચ્ચે સંબંધ હોવાની વાત પ્રથમ વખત દુબઈના હેડ ઓફ સિક્યુરિટી લેફ્ટનન્ટ જનરલ ધાહી ખલ્ફાને કરી હતી. ખલ્ફાને ટ્વીટર પર લખ્યું હતું કે વર્લ્ડ કપનું આયોજન કતાર બહાર થશે તો કતારની કટોકટીનો અંત આવી જશે.

• Co-opનું £૧૪૩ મિલિયનનું ડીલ સ્વીકારવા Nisaનો અનુરોધ

Nisa(નીસા) એ તેના સભ્યોને Co-op (કો-ઓપ) ગ્રૂપનું ૧૪૩ મિલિયન પાઉન્ડનું ટેકઓવર ડીલ સ્વીકારી લેવા અનુરોધ કર્યો હતો. આ ડીલ થશે તો કો-ઓપ ના ૩,૮૦૦ માં નીસાના ૩,૨૦૦ સ્ટોર ઉમેરાશે અને તે નીસાનું ૧૦૫ મિલિયન પાઉન્ડનું દેવું પણ પોતાના શિરે લેશે. નીસા દ્વારા યોજાયેલા રોડ શો બાદ નવેમ્બરમાં ૧,૧૯૦ શોપકિપર સભ્યો ડીલ સ્વીકારવા અંગે નિર્ણય લેશે. તેઓ સંમત થશે તો બ્રાન્ડ અને મેમ્બરશીપ મોડેલ જાળવી શકશે અને બિઝનેસ માટે નવા સભ્યોને આકર્ષી શકશે.

ગેરકાયદે એક મિલિયન માઈગ્રન્ટ્સના દેશનિકાલની શક્યતા ઓછી

ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટના પૂર્વ વડા ડેવિડ વુડે જણાવ્યું હતું કે બ્રિટનમાં એક મિલિયન કરતાં વધુ માઈગ્રન્ટ્સ ગેરકાયદે વસે છે અને તેમાંથી મોટાભાગનાને દેશનિકાલ કરવાની શક્યતા ખૂબ ઓછી છે. તેમને દેશનિકાલ કરવાની સમસ્યાઓ પૈકી એક સમસ્યા અપૂરતા નાણાસ્રોતની છે. હોમ ઓફિસને નાણાં અને પૂરતા સ્ટાફ વિના ત્રણ મિલિયન કરતા વધુ ઈયુ નાગરિકોની નોંધણી સહિત બ્રેક્ઝિટના પડકારને પહોંચી વળવા ભારે સંઘર્ષ કરવો પડશે. એક અંદાજ પ્રમાણે ૨૦૦૧માં દેશમાં ૪,૩૦,૦૦૦ ગેરકાયદે માઈગ્રન્ટ હતા.

મહિલા સર્જને કરેલા ઓપરેશનમાં દર્દીના મૃત્યુની ઓછી શક્યતા

પુરુષ સર્જન કરતા મહિલા સર્જને દર્દીનું ઓપરેશન કર્યું હોય તો એક મહિનામાં તેના મૃત્યુની શક્યતા ઓછી હોવાનું એક અભ્યાસમાં જણાયું હતું. યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું હતું કે મહિલા સર્જનો વધુ કુશળ અને દર્દી સાથે વાતચીત કરવામાં વધુ સારા અને ગાઈડલાઈન્સનું વધુ સારી રીતે પાલન કરતા હોય છે. પુરુષ સર્જન કરતા મહિલાએ કરેલા ઓપરેશન બાદ એક મહિનામાં મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા ૧૨ ટકા ઓછી હોય છે.

--------


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter