વોશિંગ્ટનમાં યુએસ પ્રમુખ ટ્રમ્પ સાથે મુલાકાત પછી બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે અંકારાની એક દિવસની મુલાકાત લઈ તુર્કીના પ્રમુખ રેસેપ તૈય્યપ એર્ડોગનને મળ્યાં હતાં. એર્ડોગન સરકારની માનવ અધિકાર રેકોર્ડ માટે આકરી ટીકા થયેલી છે. આ પછી તેમને મળનારાં થેરેસા પ્રથમ પશ્ચિમી નેતા છે. બન્ને નેતાએ ૧૦૦ મિલિયન પાઉન્ડથી વધુ મૂલ્યના સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર પણ કર્યાં હતાં. મેએ તુર્કી પ્રમુખને જણાવ્યું હતું કે બ્રિટન એર્ડોગન અને તુર્કી લોકશાહીની રક્ષાના પ્રયાસમાં સાથે જ રહે છે. જોકે, માનવ અધિકારોનું જતન આવશ્યક હોવાની ચેતવણી પણ તેમણે આપી હતી.
• સધર્ન રેલવે ટેકઓવર કરવાની વિચારણા
હજારો પ્રવાસીઓને મુશ્કેલીમાં મૂકતા વિલંબ અને કેન્સેલેશન્સને ધ્યાનમાં લઈ સધર્ન રેલને કામચલાઉ ટેકઓવર કરવાની યોજના મિનિસ્ટર્સ વિચારી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ વિભાગ સધર્ન રેલનું સંચાલન કરતી કંપની ગોવિઆ થેમ્સલિન્કનો સીધો અંકુશ મેળવવાનો વિકલ્પ પણ વિચારે છે. સધર્ન રેલનું અત્યંત નબળુ પરફોર્મન્સ સરકાર સાથેના કોન્ટ્રાક્ટનો ભંગ કરે છે કે કેમ તે મુદ્દાની સત્તાવાર તપાસ પણ પૂર્ણ થવા આવી છે. જો કોન્ટ્રાક્ટ શરતોનો ભંગ જણાશે તો અન્ય ફ્રેન્ચાઈઝી ન મળે ત્યાં સુધી સત્તાવાળા ફ્રેન્ચાઈઝનો હંગામી કન્ટ્રોલ સ્વહસ્તક લઈ શકે છે.
• પર્યટકો પાસેથી ટેક્સ વસૂલી ભંડોળ ઉભું કરાશે
બ્રિટનની કાઉન્સિલો સ્થાનિક સેવાઓ માટે આવશ્યક ભંડોળ ઉભું કરવા પ્રયાસ કરી રહી છે ત્યારે બ્રિટની મુલાકાત લેતા પ્રવાસીઓ પાસેથી ટેક્સ વસૂલવાનો વિચાર કરાઈ રહ્યો છે. લંડનના મેયર સાદિક ખાન રાજધાનીની મુલાકાતે આવતા પ્રવાસીઓ પાસેથી હોટેલ લેવી નામે ટેક્સ વસૂલવાની યોજનાને ટેકો આપી રહ્યા છે. આ યોજનાથી લંડનને લાખો પાઉન્ડનું ફંડ મળી શકે છે. જોકે, હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી આ યોજનાનો વિરોધ કરી રહી છે. વર્ષ ૨૦૧૫માં ૩૦ મિલિયનથી વધુ લોકોએ લંડનની મુલાકાત લીધી હતી. જો પ્રવાસી બે રાત્રિ હોટેલમાં ગાળે તો પ્રતિ રાત્રિ એક પાઉન્ડના હોટેલ બેડ ટેક્સ થકી વર્ષે ૬૦ મિલિયન પાઉન્ડની આવક મેળવવાની ધારણા રખાય છે.
• મોર્ગેજ લોન્સ સૌથી વધુ લેવાઈ
બ્રિટિશરોએ ૨૦૧૬માં મોર્ગેજમાં સૌથી વધુ કરજ લીધું છે, જે ૨૦૦૮ પછી સૌથી વધુ છે. કરવેરામાં ફેરફાર તેમજ ઈયુ રેફરન્ડમના કારણે ગયા વર્ષમાં ભારે ઉથલપાથલ જોવા મળી હોવાં છતાં ઘર ખરીદનારા બ્રિટિશરોએ ૨૪૫.૭ બિલિયન પાઉન્ડનું કરજ લીધું હોવાનું કાઉન્સિલ ઓફ મોર્ગેજ લેન્ડર્સ દ્વારા જણાવાયું છે. ૨૦૧૫ની સરખામણીએ આ ૧૨ ટકાનો વધારો છે. અગાઉ, છેક ૨૦૦૮માં બેન્કો અને બિલ્ડિંગ સોસાયટીઓ દ્વારા ૨૪૭.૮ બિલિયન પાઉન્ડની હોમ લોન્સ અપાઈ હતી.
• સુપરમાર્કેટ્સના પ્રાઈસ યુદ્ધથી પરિવારોને લાભ
ચાન્સેલર ફિલિપ હેમન્ડે દાવો કર્યો છે કે સુપરમાર્કેટ્સના પ્રાઈસ યુદ્ધના કારણે આ વર્ષે પરિવારોના બજેટ પરનું ભારણ ઘટી શકે છે. ગત વર્ષોમાં બજારમાં હિસ્સો વધારવાની હોડમાં સુપરમાર્કેટ્સમાં કિંમતો ઘટાડવાનું યુદ્દ છેડાયું છે, જેનાથી કિંમતો વધવા પર અંકુશ અને ગ્રાહકોના આત્મવિશ્વાસ વધારવામાં મદદ મળશે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના ડેટા અનુસાર ૨૦૧૬ના આખરી ત્રણ મહિનામાં યુકેનું અર્થતંત્ર ૦.૬ ટકાના હિસાબે વધ્યું હતું.
• ઘરવિહોણા સાથે વિધવાના લગ્ન
જોઆન નેનિન્જરે ૪૦ વર્ષ અગાઉ જે ઘરવિહોણા કેન સેલ્વે પર દયા દાખવી તેના ભોજનનો પ્રબંધ કર્યો હતો તેની સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. આજે જોઆન ૮૮ વર્ષનાં અને કેન ૮૯ વર્ષના છે. ગ્લુસ્ટરમાં કેન ૧૯૭૫માં જોઆનની બુકશોપ નજીક કચરાના ડબામાંથી ખોરાક શોધી રહ્યા હતા ત્યારે જોઆન તેમના માટે કાગળમાં વિંટાળી સેન્ડવિચ નાખવાં લાગી હતી. આ પછી, તેમના વચ્ચે મિત્રતા થઈ હતી. ગયા વર્ષે જોઆનના પતિ નોર્મનનું હાર્ટએટેકથી મૃત્યુ થયા પછી તેમણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે ૧૮ ફેબ્રુઆરીએ જોઆનના જન્મદિને તેઓ લગ્ન કરશે.
• વર્કિંગ ક્લાસ પ્રોફેશનલ્સને ઓછી કમાણી
બ્રિટનના વર્કિંગ ક્લાસમાંથી આવતા પ્રોફેશનલ્સને ઉચ્ચ દરજ્જાના પ્રોફેશનલ્સની સરખામણીએ ૧૭ ટકા ઓછી કમાણી થાય છે. સરકારના સોશિયલ મોબિલિટી કમિશન દ્વારા પ્રસિદ્ધ સંશોધનમાં જણાયું હતું કે વર્કિંગ ક્લાસના લોકોને પ્રોફેશનલ જોબ્સમાં અને તે પછી ઉચ્ચ વર્તુળમાં પ્રવેશ કરવામાં ભારે અવરોધો નડે છે. યુનિવર્સિટી કોલેજ લંડન અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના સંશોધકોએ જણાવ્યું હતું કે જેમના પેરન્ટ્સ પ્રોફેશનલ જોબ્સ ધરાવતા હોય તેની સરખામણીએ વર્કિંગ ક્લાસની પશ્ચાદભૂ ધરાવતા લોકોને ૧૭ ટકા અથવા વાર્ષિક ૬,૮૦૦ પાઉન્ડની ઓછી કમાણી થાય છે.

