વડા પ્રધાન થેરેસા મેએ ફરી એક વખત બ્રેક્ઝિટ પછી બ્રિટનના ઈયુ સિંગલ માર્કેટમાં રહેવા વિશે ઉત્તર ટાળ્યો હતો. તેણે કહ્યું હતું કે તેઓ વાટાઘાટો અંગે રનિંગ કોમેન્ટ્રી આપવાનાં નથી. તેમણે SNPના નેતા એન્ગસ રોબર્ટસનને જણાવ્યું હતું કે તેઓ યુરોપિયન યુનિયન સાથે નવા સંબંધોમાં માલસામાનના વેપાર અને સર્વિસીસ મુદ્દે યોગ્ય સોદાનો આગ્રહ રાખશે. નવા સંબંધોમાં ઈયુમાંથી લોકોની યુકેમાં અવરજવર પર નિયંત્રણનો પણ સમાવેશ થાય છે. આ નોર્વે, સ્વીડન કે અન્ય દેશના મોડલની નહિ પરંતુ આગવું બ્રિટિશ મોડેલ વિકસાવવાની વાત છે.
• જુલાઈમાં ઘર ખરીદવા મોર્ગેજમાં ૧૪ ટકાનો ઘટાડો
ઈયુ રેફરન્ડમ પછી જુલાઈ મહિનામાં પ્રથમ વખત ઘર ખરીદનારાઓ દ્વારા મોર્ગેજ લોન્સ ૧૪ ટકા ઓછી લેવાઈ છે. પ્રથમ વખત ઘર ખરીદનાર અને સ્થળાંતર કરનારાઓ દ્વારા આ મહિનામાં ૧૦.૬ બિલિયન પાઉન્ડના કુલ મૂલ્યની ૫૮,૧૦૦ લોન લેવાઈ હતી. જૂનમાં નવા મોર્ગેજની સંખ્યામાં ૨૬ ટકાનો વધારો થયો હતો. જુલાઈમાં પ્રથમ વખત ઘર ખરીદનાર દ્વારા ૨૮,૨૦૦ અને સ્થળાંતર કરનારા દ્વારા ૨૯,૯૦૦ મોર્ગેજ લોન લેવાઈ હતી, જે જૂનની સરખામણીએ અનુક્રમે ૧૯ ટકા અને ૯ ટકા ઓછી હતી. જુલાઈમાં ત્રણ બિલિયન પાઉન્ડની બાય-ટુ-લેટ લોન્સ લેવાઈ હતી.
• બેરોનેસ વારસી ઈંગ્લિશ શૈલીના ઈસ્લામ માટે પ્રયત્નશીલ
કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ ચેરમેન બેરોનેસ સઈદા વારસીએ ઈંગ્લિશ શૈલીના ઈસ્લામ માટે બીડું ઝડપ્યું છે. બ્રિટનની મસ્જિદોને ચર્ચના ગાયકવૃંદમાંથી પ્રેરણા મેળવવા જણાવાયું છે. ઈંગ્લિશ વાદ્યસંગીતના ધોરણે મુસ્લિમ પ્રાર્થનાઓ અને સંગીતને અપનાવવાની દરખાસ્ત બેરોનેસ વારસી દ્વારા આયોજિત વોકિંગ પીસ ગાર્ડન, સરેની ટી પાર્ટીમાં ચર્ચાઈ હતી. બેરોનેસે મિનારા વિનાની મસ્જિદોના નિર્માણ માટે પણ સૂચન કર્યું હતું, જેતી મસ્જિદો આસપાસના વાતાવરણ સાથે એકાકાર થઈ શકે.
• હત્યામાં મુક્ત, મેનસ્લોટરમાં સજા
હત્યા માટે દોષિત ઠરાવી આજીવન સજા કરાયેલા અમીન જોગીને સુપ્રીમ કોર્ટમાં અપીલ પછી મુક્ત કરાયો હતો. હત્યારા મોહમ્મદ હિરસીને સાથ આપવા બદલ અમીન જોગીને ‘જોઈન્ટ એન્ટપ્રાઈઝ’ જોગવાઈ અન્વયે આજીવન કેદની સજા થઈ હતી. જોકે, સુપ્રીમ કોર્ટે ૩૦ વર્ષથી આ ધારણા ખોટી રીતે ચાલી આવતી હોવાનું જણાવી નજોગીની રીટ્રાયલનો આદેશ કર્યો હતો. જોકે, નોટિંગહામ ક્રાઉન કોર્ટમાં તેની સામે મેનસ્લોટરનો કેસ ચલાવાયા પછી તેને ૧૨ વર્ષની સજા ફરમાવાઈ છે.

