• થેરેસાએ એક્ઝિક્યુટિવ્ઝના ઊંચા વેતનો ઘટાડવા જણાવ્યું

Saturday 21st January 2017 05:57 EST
 

વડા પ્રધાન થેરેસા મેએ દાવોસમાં વૈશ્વિક બિઝનેસ અગ્રણીઓ સમક્ષ જણાવ્યું હતું કે તેમણે એક્ઝિક્યુટિવ્ઝના ઊંચા વેતનો ઘટાડવા જોઈએ અને ટેક્સ વધુ ચુકવવો જોઈએ. જો આમ નહિ કરાય તો લોકરંજનના ઉછાળાનો ભોગ બનવું પડશે તેવી ચેતવણી પણ આપી હતી. વર્લ્ડ ઈકોનોમિક ફોરમને સંબોધતાં થેરેસાએ કહ્યું હતું કે કામકાજ કરતા સામાન્ય લોકોની સરખામણીએ તેમના માટે અલગ નિયમો હોઈ શકે નહિ. મોટા બિઝનેસીસે ટેક્સમાં વધુ હિસ્સો આપવો, કર્મચારીઓ પ્રતિ જવાબદારી અને ફરજો ઓળખવી અને નાની કંપનીઓ સાથે યોગ્ય રીતે વેપાર કરવો જોઈએ.

• ‘રો મિલ્ક’ પીવાનો શોખ ભારે પડ્યો

પેશચ્યુરાઈઝ થયા વિનાનું કાચુ દૂધ પીવાના શોખના કારણે કમ્બરિયાના કેન્ડાલના લો સિઝર્ઘ બાર્ન ફાર્મ ખાતે ૬૫ લોકોને ખોરાકી ઝેરની અસર થયાનું મનાય છે. સાઉથ લેકલેન્ડ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે કહ્યું છે કે ગયા મહિને ૧૨ લોકો કેમ્પીલોબેક્ટર બેક્ટેરિયાના લીધે બીમાર પડ્યા હતા, જ્યારે અન્ય ૫૩ શંકાસ્પદ કેસ પણ નોંધાયા હતા. ફાર્મની શોપમાં આંચળમાંથી આવતું તાજું દૂધ ખાસ ડિસ્પેન્સરમાંથી વેચાય છે. યુએસ ડેરી ટ્રેન્ડ્સ અને પ્રક્રિયા નહિ કરાયેલા કાચા ‘રેડી ટુ ડ્રિન્ક’ દૂધ વેચવાને અનુસરવા બદલ આ ફાર્મને અગાઉ ટુરિઝમ અને નેશનલ ટ્રસ્ટ એવોર્ડ્ઝ પણ અપાયા છે. હવે ફાર્મના વેન્ડિંગ મશીનો પરથી આ દૂધના વેચાણ પર પ્રતિબંધ લગાવાયો છે.

• ખાંડના વધુ વપરાશથી સડેલા દાંત કઢાવવા પડ્યા

ગયા વર્ષે દાંત સડી જવાના કારણે ઈંગ્લેન્ડના ૧૮ વર્ષથી ઓછી વયના ૪૦,૮૦૦ બાળકો અને યુવાનોએ સર્જરી દ્વારા ઓછામાં ઓછો એક દાંત કઢાવી નાખવાની ફરજ પડી હતી. હોસ્પિટલોમાં દાંત કાઢવાની પ્રક્રિયા પાછળ કુલ ૩૫.૬ મિલિયન પાઉન્ડનો ખર્ચ આવ્યો હતો. ડોક્ટરોએ દાંતમાં સડા માટે ખાંડના વધુપડતા વપરાશને જવાબદાર ગણાવ્યો છે. બાળકોના દાંતમાં સડો એટલી હદે આગળ વધેલો હતો કે ડેન્ટિસ્ટ દ્વારા તેની સારવાર શક્ય ન હતી અને હોસ્પિટલમાં જવું પડ્યું હતું. NHSના સર્જનોએ દરેક કામકાજના દિવસે ૧૬૧ ઓપરેશન્સ કર્યાં હતાં.

• NHS હોસ્પિટલો સામે £૩૨૨ મિલિયન ટેક્સનો નવો બોજો

ઈંગ્લેન્ડમાં નાણાની અછત અનુભવતી NHS હોસ્પિટલો સામે એપ્રિલ મહિનાથી ૩૨૨ મિલિયન પાઉન્ડ ટેક્સનો નવો બોજો આવી રહ્યો છે, જેના કારણે ભારે બોજ હેઠળ દબાયેલી હોસ્પિટલો વધુ મુશ્કેલીમાં આવશે. બિઝનેસ રેટ સિસ્ટ્મમાં ફેરફારો થવાથી ૧,૨૪૯ NHS હોસ્પિટલને પ્રોપર્ટી ટેક્સની જવાબદારીમાં આગામી પાંચ વર્ષમાં ૨૧ ટકાનો વધારો થશે. હોસ્પિટલોનું આ વર્ષનું ૩૧૩ મિલિયન પાઉન્ડનું બિલ વધીને આગામી પાંચ વર્ષ માટે સરેરાશ વાર્ષિક ૩૭૭  મિલિયન પાઉન્ડનું થઈ જશે. વાર્ષિક ૬૪ મિલિયન પાઉન્ડનો વધારો આશરે વધુ ૨,૫૦૦ જુનિયર ડોક્ટરોને પગાર આપવા માટે પૂરતું છે.

• બ્રિટિશ રેપરને ૨૩ વર્ષની જેલની સજા

સાઉથ લંડનના બ્રિક્સટનના DVS  તરીકે ઓળખાતા બ્રિટિશ રેપર કર્ટની હચિન્સનને એક મહિલાના અપહરણ, તેને બંધનાવસ્થામાં રાખવા, બળાત્કાર અને અત્યાચાર ગુજારવાના અપરાધ બદલ ૨૩ વર્ષના કારાવાસની સજા ફરમાવાઈ છે. સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટે બ્રિટિશ રેપરને આજીવન સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં નોંધવાનો પણ હુકમ કર્યો હતો. ‘હોમટાઉન’ સહિતના ગીતો તેમજ ૨૦૧૬ની ફિલ્મમાં બ્રાઉની તરીકે ભૂમિકા ભજવનારા હચિન્સને જુલાઈ ૨૦૧૬ની ઘટનામાં તેની સંડોવણીને નકારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter