લગ્ન વખતે નાખુશ હોવા છતાં પોતાની પત્ની કે પતિ સાથે જ રહેતી વ્યક્તિને લાંબા ગાળે ફાયદો થતો હોવાનું મેરેજ ફાઉન્ડેશનના નવા સંશોધનમાં જણાયું છે. તેમના મત મુજબ લગ્નમાં નારાજગી માત્ર ટૂંકા ગાળાની હોય છે અને તે નિરાકરણ લાવી શકાય તેવી સમસ્યા છે. દર દસ દંપતીમાંથી સાત દંપતી પહેલા બાળકના જન્મ પછી પણ નાખુશ હોવા છતાં સાથે રહેતાં હોય છે અને તેમાંના ૬૮ ટકા દંપતી દસ વર્ષ બાદ ખુશ હોય છે. ૨૭ ટકા લોકોએ પોતાના સંબંધોને સાતમાંથી સાત પોઈન્ટ આપીને અતિશય ખુશ હોવાનું જણાવ્યું હતું. યુનિવર્સિટી ઓફ લંડન ખાતે આર્થિક સંશોધન સંસ્થા સેન્ટર ફોર લોન્ગિટ્યુડનલ સ્ટડીઝ દ્વારા આ ડેટા એકત્ર કરાયો હતો.
• સ્નીફર ડોગ્સને ગેરમાર્ગે દોરવા લસણનો ઉપયોગ
યુરોપિયન લોકો અને હેરાફેરી કરતી ગેંગ લોકોને યુકેમાં ઘુસાડવાના પ્રયાસમાં સ્નીફર ડોગ્સને ગેરમાર્ગે દોરવા માટે લસણનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે. ચાર બલ્ગેરિયન લોકો પર પાંચ અફઘાનીઓને યુકેમાં ઘુસાડવાના આરોપની અદાલતી કાર્યવાહી દરમિયાન આ બાબત પ્રકાશમાં આવી હતી. ડોવરમાં બોર્ડર ઓફિસરોએ એક વાનના ગુપ્ત કમ્પાર્ટમેન્ટમાંથી નવ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ઝડપી લીધા હતા. વાનમાંથી બાળકના રડવાનો અવાજ આવતા તે વાનમાં મોટા જથ્થામાં લસણ ભરેલું જણાયું હતું. જેનો ઉપયોગ સ્નીફર ડોગ્સને ગેરમાર્ગે દારવામાં થયો હોવાનું મનાય છે. ટ્રાયલ હજુ ચાલી રહી છે.
• ચોખા રાંધવાની પદ્ધતિ મહત્ત્વની
ચોખા તમારા સ્વાસ્થ્ય માટે તમે માનો છો તેટલા સારા નથી. ઈંગ્લેન્ડના બેલફાસ્ટની ક્વીન્સ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ જમીનમાં રહેલા જંતુનાશક અને ઔદ્યોગિક ટોક્સિન્સ ચોખાને લીધે દૂષિત બનાવી લાખો લોકોના આરોગ્યને હાનિ પહોંચાડી શકે છે. ઝેરી આર્સેનિક તત્વોને દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય વાસણમાં વધુ પાણીમાં ચોખા નાખવા અથવા તેને આખી રાત પલાળવાનો છે. ઝેરી તત્વોને લીધે વિકાસની સમસ્યાઓ, હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સર સહિત આરોગ્યને લગતી અનેક સમસ્યા ઉભી થાય છે.
• ગરીબ વિદ્યાર્થીઓ અમીર વિદ્યાર્થીઓ કરતાં પાછળ
ગરીબ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓ અમીરોના તેમના જેટલી જ વયના બાળકો કરતાં મેથ્સ, સાયન્સ અને વાંચનમાં ૩૨ મહિના પાછળ હોય છે. આ બાબતે ૨૦૧૨માં કરાયેલા સંશોધનમાં જે સમયગાળો હતો તેમાં છ મહિનાનો વધારો થયો છે. યુનિવર્સિટી કોલેજ લંડન અને સટન ટ્રસ્ટના સંશોધન મુજબ ગરીબ પરિવારની તેજસ્વી છોકરીઓ તેમની વયની અમીરોની છોકરીઓ કરતાં વાંચનમાં વધુ નવ મહિના અને સાયન્સમાં વધુ આઠ મહિના પાછળ છે.
• રિડલે ગાર્ડનમાં બે વિશાળ બીચ વૃક્ષ ધરાશાયી
રિડલેમાં રહેતા ૩૬ વર્ષીય આઈટી કોન્ટ્રાક્ટર કામરાન ચૌધરીના ગાર્ડનમાં આવેલા ૨૦ મીટર ઉંચા બે વિશાળ બીચ વૃક્ષ ધરાશાયી થતાં તેમણે બર્નલે કાઉન્સિલ પર પોતાના પરિવારજનોના જીવને જોખમમાં મૂકવાનો આક્ષેપ કર્યો હતો. અગાઉ, કામરાને આ વૃક્ષો ગમે ત્યારે તૂટી પડવાનું જોખમ હોવાની કરેલી રજૂઆત પર પ્રિઝર્વેશન ઓર્ડર્સ મુજબ વૃક્ષો આરક્ષિત હોવાનું જણાવી કાઉન્સિલે તે કાપવાની મનાઈ ફરમાવી હતી. ચૌધરીએ લીધેલા નિષ્ણાતના અભિપ્રાયમાં પણ વૃક્ષો જોખમી હોવાનું જણાયું હતું. કાઉન્સિલનું પ્રતિનિધિત્વ કરતા કાઉન્સિલર ટ્રીશ એલિસે જણાવ્યું હતું કે તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ અને પૂરતી મદદ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.

