• દરરોજ નોકરી છોડતા ૧,૦૦૦ કેર વર્કર

Monday 24th April 2017 09:43 EDT
 

ચેરિટી ‘સ્કીલ્સ ફોર કેર’ની માહિતી મુજબ દરરોજ સરેરાશ ૧,૦૦૦ કેર વર્કર પોતાની જોબ છોડી દે છે. આના પરિણામે, વૃદ્ધ લોકોને પરિચિત ચહેરા જોવા મળતા નથી. ૨૦૧૫-૧૬માં એડલ્ટ સોશિયલ કેરમાં ૧.૩ મિલિયન કર્મચારી હતા, જેમાંથી ૩૩૮,૫૨૦ કેર વર્કરોએ નોકરી છોડી દીધી હતી. તેની સરેરાશ દિવસના ૯૨૮ વર્કરની થઈ હતી. નોકરી છોડનારા ૨૫ ટકા વર્કર ઝીરો- અવર કોન્ટ્રાક્ટ પર હતા. લોકલ ઓથોરિટી દ્વારા કલાક દીઠ ખૂબ ઓછું વળતર અપાતું હોવાથી પોતાના કોન્ટ્રાક્ટનું પાલન કરવા સંઘર્ષ કરી રહેલી યુકેની ૨,૫૦૦ હોમ-કેર કંપની પર નાદારીનું જોખમ તોળાઈ રહ્યું છે.

• સગર્ભાવસ્થામાં મદ્યપાન કરવામાં યુકેની મહિલા મોખરે

સગર્ભાવસ્થામાં મદ્યપાન ન કરવાની સલાહની અવગણનાની બાબતે યુકેની મહિલાઓ સમગ્ર યુરોપમાં મોખરે છે. નોર્વેજીયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા ૧૧ યુરોપિયન દેશની ૭,૯૦૫ મહિલાના સર્વેમાં જણાયું હતું કે યુકેની ૨૮.૫ ટકા મહિલાએ સગર્ભાવસ્થામાં શરાબસેવન કર્યાનું કબૂલ્યું હતું. તેથી ઉલટું, નોર્વેની માત્ર ૪.૧ ટકા મહિલાઓએ સગર્ભાવસ્થામાં શરાબપાન કર્યું હતું.

• ઓનલાઈન અપશબ્દો બદલ જજ બરતરફ

કેસમાં ખૂબ હળવા ચૂકાદા આપવા બદલ પોતાના ટીકાકારોને ખોટા નામના ઉપયોગથી ઓનલાઈન ‘ગધેડા’ અને ‘ટ્રોલ’ કહેનારા કેન્ટરબરી ક્રાઉન કોર્ટના જજ જેસન ડન-શોને તેમના હોદ્દા પરથી દૂર કરાયા હતા. તેમણે છેતરપિંડીના કેસમાં ગુનેગારને સજા કરવાને બદલે તેની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. આથી વેબ પર તેમની ટીકા થઈ હતી. તેમના આ વર્તન માટે પીડિતના પુત્રએ શિસ્ત બાબતોની જ્યુડિશિયલ કન્ડક્ટ ઈન્વેસ્ટિગેશન્સ ઓફિસને ફરિયાદ કરતાં જજ ડન-શોને બરતરફ કરાયા હતા.

• સવારે એકાગ્રતાને લીધે બાળકોને ગણિત સારું આવડે

લંચના સમય અગાઉ બાળકોની એકાગ્રતા સારી રહેતી હોવાથી મેથ્સ સવારે ભણાવવું જોઈએ તેમ રોયલ હોલોવે, યુનિવર્સિટી ઓફ લંડનના શિક્ષણવિદોના એક દાયકાના અભ્યાસમાં જણાયું હતું. તેવી જ રીતે વિદ્યાર્થીઓને બપોરે ઈતિહાસ ભણાવવામાં આવે તો તેઓ ઝડપથી શીખી શકે છે. સંશોધક વેલિચ્કા દિમિત્રોવાને બલ્ગેરિયાની એક સ્કૂલની શૈક્ષણિક સિદ્ધિઓ, ક્લાસનું શીડ્યુલ અને ગેરહાજરીના પ્રમાણના અભ્યાસમાં જણાયું હતું કે માત્ર ટાઈમટેબલમાં ફેરફાર કરવાથી પણ બાળકોના પરીક્ષા પરિણામમાં સુધારો થઈ શકે. અભ્યાસના તારણો યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલ ખાતે રોયલ ઈકોનોમિક સોસાયટીની વાર્ષિક કોન્ફરન્સમાં રજૂ કરાયા હતા.

• ૨૦ હજારથી વધુ દર્દીને વિવાદાસ્પદ હિપ ઈમ્પ્લાન્ટ મૂકાયા

હિપ ઈમ્પ્લાન્ટ બનાવતી DePuyને આ સાધન બિનસલામત હોવાની કંપનીના સીનિયર એન્જિનિયરે ચેતવણી આપી હોવા છતાં કંપનીએ ધ્યાન નહિ આપવાના પરિણામે ૨૦,૦૦૦થી વધુ દર્દીને આ સાધન ફીટ કરાયા હતા. ૧૯૯૫માં બ્રિટનમાં આ ઈમ્પ્લાન્ટ બેસાડવાનું શરૂ થયું તેના પાંચ વર્ષ અગાઉ જ એન્જિનિયરે ચેતવણી આપી હતી કે મેટલ પર મેટલની રચના અયોગ્ય અને ગમે ત્યારે તૂટે તેવી તથા દર્દીને નુક્સાન પહોંચાડે તેવી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ઈમ્પ્લાન્ટ બેસાડ્યાં પછી દર્દીના રક્તપ્રવાહમાં ટોક્સિક અણુઓ ભળી શકે.

• ઉંદરોને લીધે કાઉન્સિલે £૬૩,૦૦૦ ખર્ચવા પડશે

ઈયુ રક્ષિત પ્રજાતિ ડોરમાઈસને લીધે વેલ્શની રહોન્ડા સીનન ટેફ બરો કાઉન્સિલને બ્રીજના રિપેરીંગ પાછળ ૬૩,૦૦૦ પાઉન્ડ ખર્ચવાની ફરજ પડશે. વાયરના બનેલા ત્રણ બ્રીજ દ્વારા આ ઉંદરો સાઉથ વેલ્સમાં પોન્ટિપ્રીડ નજીકના ચર્ચ વિલેજ પાર કરી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter