• દર્દીઓ કરતાં NHSની નર્સોને વધુ સારું ભોજન

Monday 27th March 2017 12:33 EDT
 

હોસ્પિટલોમાં દર્દીઓ કરતાં ડોક્ટરો અને નર્સીસ વધુ સારું ભોજન આરોગે છે, જ્યારે પાંચ દર્દી પૈકી એકને એરલાઈન્સની માફક પ્લાસ્ટિક કન્ટેનરનું ફરી ગરમ કરેલું ભોજન ખાવાની ફરજ પડાય છે. ‘કેમ્પેન ફોર બેટર હોસ્પિટલ’ના સર્વેમાં જણાયું હતું કે લંડનની ત્રીજા ભાગ કરતા ઓછી હોસ્પિટલો દર્દીઓને તાજું રાંધેલું ભોજન પૂરું પાડે છે. પરંતુ, ૭૭ ટકા હોસ્પિટલો સ્ટાફને તાજો ખોરાક આપે છે. જે હોસ્પિટલોનો સર્વે કરાયો તેમાંથી ૫૦ ટકા મૂળ ધારાધોરણોનું પણ પાલન કરતી નથી.

• કેન્સરનું એક કારણ ‘કમનસીબી’

અમેરિકાના વૈક્ષાનિકોને એક અભ્યાસમાં જણાયું છે કે કોઈ વ્યક્તિ સ્વસ્થ હોય તો પણ લગભગ ૬૬ ટકા કેન્સરને થતાં નિવારી શકાતા નથી. કોષોનું વિભાજન થાય છે ત્યારે જેનેટીક કોડમાં થતી ભૂલોને કારણે કેન્સર થાય છે. સામાન્ય રીતે આવું વિકાર પરિવર્તન વારસાગત અથવા ધૂમ્રપાન સહિતના પર્યાવરણીય પરિબળોને લીધે થતું હોવાના વ્યાપક મંતવ્યને પડકારે છે. જર્નલ ‘સાયન્સ’માં પ્રસિદ્ધ થયેલાં અભ્યાસ મુજબ બે અથવા વધુ જેનેટીક ફેરફારને લીધે કેન્સર થાય છે.

• પાર્કિંગનો ઝઘડો પડોશીઓને હજારો પાઉન્ડમાં પડશે

નોર્થ લંડનના હેમ્પસ્ટેડમાં ચર્ચ બહારની મળવાપાત્ર પાર્કિંગની એક ફૂટ જગ્યાનો વિવાદ પડોશીઓ માટે છ આંકડાની રકમનો કોર્ટ કેસ થઈ ગયો છે. લાખો પાઉન્ડના હાઉસિંગ ડેવલપમેન્ટમાં રહેતા એન્ડ્રયુ અને પેની મેકસ્પેડનને શેરિયાર બ્રેડબરી તથા અન્ય એક પડોશી સોફી હેનીના સાથે ઝઘડો પડ્યો છે. સેન્ટ્રલ લંડન કાઉન્ટી કોર્ટના જજ નિકોલસ પેરફિટે જણાવ્યું હતું કે તેઓ હવે પછીની મુદતે ચુકાદો સંભળાવશે.

• ૭૦થી વધુ વયની વર્કિંગ વિમેનની સંખ્યા વધી

છેલ્લાં ચાર વર્ષમાં ૭૦થી વધુ વયની વર્કિંગ વિમેનની સંખ્યા ૫.૬ ટકાથી વધીને બમણી એટલે કે ૧૧.૩ ટકા થઈ છે. ઓફિસ ઓફ નેશનલ સ્ટેટેસ્ટિક્સની માહિતીનું વિશ્લેષણ કરનારા હારગ્રીવ્સ લેન્સડાઉને જણાવ્યું હતું કે ૫૫થી વહેલી વયે નિવૃત્ત થનારા પુરુષોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ૫૦થી ૬૪ની વયના પુરુષો પૈકી ૨૦ ટકાએ જરૂર ન જણાતા પોતાની છેલ્લી નોકરી છોડી દીધી હતી. જ્યારે છ નિવૃત્ત મહિલાઓમાં માત્ર એક મહિલાએ આ કારણસર નોકરી છોડી હતી.

• બ્રેક્ઝિટ – સિવિલ સર્વિસની સેંકડો જગ્યા ખાલી

બ્રેક્ઝિટ નેગોશિએટર્સ માટેની સિવિલ સર્વિસની સેંકડો જગ્યાઓ હજુ ખાલી રહી છે. નેશનલ ઓડિટ ઓફિસ દ્વારા જણાવાયું હતું કે સરકારે આ માટે ૧૦૦૦થી વધુ જગ્યા ઉભી કરી છે પરંતુ, તેમાંથી માત્ર ૬૬ ટકા જ ભરાઈ છે. બ્રેક્જિટને લીધે સિવિલ સર્વિસ અને સરકારનું કામનું ભારણ વધ્યું છે. સિવિલ સર્વિસના વડા સર જેરેમી હેવુડે જણાવ્યું હતું કે બ્રેક્ઝિટને સફળ બનાવવા માટે અમે યોગ્ય કૌશલ્ય ધરાવતા યોગ્ય લોકોને ફરજ પર મૂકીએ છીએ.

• રેસ્ટોરાંના મેનુમાં કોબીની બનાવટો સામેલ

યુકેમાં પ્રવર્તમાન ‘ક્લીન ઈટીંગ‘ ક્રેઝને ધ્યાનમાં લઈને તમામ રેસ્ટોરાં પણ હવે મેનુમાં સાવરક્રોટ અને કીમચી જેવી મસાલેદાર કોબીની વાનગીઓ સામેલ કરી રહી છે. ઘણી રેસ્ટોરાં કીમચી સાથેના બર્ગર વેચી રહી છે. સુપરમાર્કેટ પણ કોબીનું વેચાણ વધારી રહી છે. સેન્સબરીમાં કોબીના વેચાણમાં ક્રિસમસથી અત્યાર સુધીમાં ૩૯ ટકાનો વધારો થયો છે. કોબીને મસાલેદાર બનાવવામાં વપરાતા સીડર વિનેગારના વેચાણમાં પણ ૧૭ ટકાનો વધારો થયો છે. હેલ્થ ફૂડ ગુરુ મેલીસા હેમસ્લે માને છે કે ‘ક્લીન ઈટીંગ’માં મસાલેદાર કોબી હવે પછીની સૌથી મોટી ડીશ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter