ડ્રગ્સ કંપનીઓ દ્વારા NHSની દવાઓની કિંમતો અચાનક વધારી શકે નહિ તેવા નવા અવરોધક હેલ્થ સર્વિસ મેડિકલ સપ્લાઈઝ (કોસ્ટ્સ) બિલને ઉમરાવોએ આવકાર આપ્યો છે. હાઉસ ઓફ લોર્ડ્સમાં આ બિલને બીજા વાચનમાં પસાર કરાયું હતું. કોમન્સમાં આ બિલ પસાર કરી દેવાયું છે. હવે કમિટી દ્વારા તેના પર ચર્ચા કરાશે. ધ ટાઈમ્સના ઈન્વેસ્ટિગેશનમાં પ્રાઈસિંગ નિયમોમાં ખામીનો ડ્રગ્સ કંપનીઓ કેવી રીતે દુરુપયોગ કરે છે તેનો ઘટસ્ફોટ કરાયો હતો. આ ખામીઓના કારણે કંપનીઓ દવાની કિંમતોમાં ૧૨,૫૦૦ ટકા સુધી નાટ્યાત્મક વધારો કરી દેતી હતી.
• કોટેજ પડાવવા પૂર્વ જજે બનાવટી વિલ ઘડ્યું
૬૯ વર્ષીય પૂર્વ જજ માર્ગરેટ હેમ્પશાયર અને તેમના ૬૭ વર્ષીય પતિ એલન હેમ્પશાયરને તેઓ કોટેજ હાંસલ કરી શકે તે માટે બનાવટી વસિયતનામું તૈયાર કરવા બદલ છ-છ મહિના જેલની સજા ફરમાવાઈ છે. અશિક્ષિત માર્ટિન બ્લાન્ચની નોટિંગહામશાયરમાં આવેલી કોટેજની પ્રોપર્ટી પોતાની માલિકી બનાવી શકાય તેવું વિલ આ દંપતીએ તૈયાર કર્યું હતું. માર્ટિન ૨૦૦૭માં મૃત્યુ પામ્યા હતા. હેમ્પશાયર દંપતીએ ગુનાની કબૂલાત કરી હતી.
• મુસ્લિમ કેદીઓની ઉશ્કેરણી બદલ સ્ટાફ સસ્પેન્ડ
નોટિંગહામ જેલમાં મુસ્લિમ કેદીઓને નિયંત્રણમાં લેવાં પડે તેટલી હદે ઉશ્કેરવા બદલ જેલના આઠ કર્મચારીને સસ્પેન્ડ કરાયા હતા. જેલ અધિકારીઓ અશ્વેત અને એશિયન કેદીઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા હોવાનો આક્ષેપ છે. જોકે, ઈસ્લામ ધર્મ અપનાવનારા કે ડ્રગ્સના બંધાણી શ્વેત કેદીઓને પણ નિશાન બનાવાતા હતા. કેદીઓની ઉશ્કેરણી માટે અપાતા પોઈન્ટ્સની માહિતી વોટ્સએપ મેસેજ સર્વિસ મારફત મોકલાતી હતી. ધર્માન્તર કરનારા કેદીઓની હેરાનગતિ કે અંકુશમાં બદલ સૌથી વધુ પોઈન્ટ્સ અપાતા હતા.
• મતદારની ઓળખનો પુરાવો મગાશે
ચૂંટણીઓમાં ગેરરીતિઓ અટકાવવા સરકારી પ્રયાસોના ભાગરૂપે મતદારોએ સૌપ્રથમ વખત તેમની ઓળખનો પુરાવો પોલિંગ સ્ટેશનોએ લઈ જવો પડશે. આ યોજનાની જાહેરાત નવા વર્ષમાં કરવામાં આવનાર છે. પૂર્વ કોમ્યુનિટિઝ સેક્રેટરી સર એરિક પિકલ્સના ઓગસ્ટમાં પ્રસિદ્ધ રિપોર્ટના પગલે આ નિર્ણય લેવાયો છે. સર પિકલ્સે રિપોર્ટમાં જણાવ્યું છે કે વંશીયતા અને ધર્મના મુદ્દાઓ પર વધુપડતી સાવચેતીથી સરકાર ચૂંટણીઓમાં ગેરરીતિઓ તરફ આંખ આડા કાન કરતી થઈ છે. બ્રિટનની વિશ્વાસ આધારિત વોટિંગ સિસ્ટમ હવે ચાલી શકે તેમ નથી.
• પ્રોસેસ્ડ મીટથી અસ્થમાનું જોખમ વધે
પ્રોસેસ્ડ મીટ ખાવાથી અસ્થમાનું જોખમ બમણા જેટલું વધતું હોવાનું એક મહત્ત્વપૂર્ણ ફ્રેન્ચ સંશોધનમાં જણાવાયું છે. બેકન, સલામી, સોસેજીસ અને હેમ સહિત પ્રોસેસ્ડ મીટ નિયમિત ખાવાથી અસ્થમાની સ્થિતિ વધુ ખરાબ થાય છે. નિષ્ણાતો કહે છે કે ક્યોર્ડ (માંસને મીઠું પાઈ સૂકવવાની પ્રક્રિયા) અને પ્રોસેસ્ડ માંસમાં નાઈટ્રેટ્સનું પ્રમાણ વધારે રહે છે, જેના કારણે ફેફસાંના એરવેઝમાં બળતરા વધે છે. અભ્યાસમાં ૯૭૧ વ્યક્તિ પર છ વર્ષ સુધી નજર રખાઈ હતી. એક સોસેજ અથવા હેમની બે સ્લાઈસના એક કોળિયા જેટલાં પ્રોસેસ્ડ માંસના ચાર કોળિયા એક સપ્તાહમાં ખાવામાં આવે તો અસ્થમાના લક્ષણોનું જોખમ ૭૬ ટકા વધે છે.
• વર્ગમાં પોર્ન ફિલ્મ નિહાળતા શિક્ષક પર પ્રતિબંધ
લીડ્ઝની લોન્સવૂડ હાઈ સ્કૂલના શિક્ષક અમર રઝા હુસૈનને બાળકોને શીખવતી વખતે જ ક્લાસમાં પોર્નોગ્રાફિક ફિલ્મ નિહાળવાના ગુનામાં બે વર્ષ માટે તેના વ્યવસાયમાં રહેવા પર પ્રતિબંધ લગાવાયો હતો. અમર રઝા હુસૈન ત્રણ મહિનાથી શાળામાં સપ્લાય ટીચર તરીકે કામગીરી બજાવતો હતો. તે ૧૧ અને ૧૨ વર્ષના સાત બાળકોનો ક્લાસ લઈ રહ્યો ત્યારે શાળાની સોફ્ટવેર સિસ્ટમમાં તે અશ્લીલ સાહિત્ય નિહાળી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. હેડ ટીચરે તેને સસ્પેન્ડ કર્યા પછી લોકલ ઓથોરિટીમાં જાણ કરી હતી.

