પૂર્વ કેબિનેટ કલ્ચર મિનિસ્ટર અને કન્ઝર્વેટિવ સાંસદ મારિયા મિલરે સરકારને પાસપોર્ટ અને ડ્રાઈવિંગ લાયસન્સ સહિતના સત્તાવાર દસ્તાવેજોમાં નાગરિકોની લૈંગિક ઓળખ નહિ મૂકવા આગ્રહ કર્યો છે. વિમેન એન્ડ ઈક્વલિટીઝ સીલેક્ટ કમિટીના અધ્યક્ષ મિલરે જણાવ્યું હતું કે સત્તાવાર દસ્તાવેજોમાં લૈંગિક ઓળખ આપવાથી ટ્રાન્સજેન્ડર લોકો પ્રત્યે ભેદભાવ સર્જાય છે. યુકેમાં આશરે ૬૦૦,૦૦૦ લોકો પોતાને સ્ત્રી અથવા પુરુષ તરીકે ઓળખાવતાં નથી.
• સ્કૂલમાં હત્યાકાંડની ધમકીથી પોલીસ સતર્ક
બ્લેકપૂરના બિશામમાં મોન્ટગોમરી હાઈ સ્કૂલ પર કોલમ્બિયા સ્ટાઈલના હુમલાથી હત્યાકાંડ સર્જવાની ધમકીથી સતર્ક પોલીસે વિદ્યાર્થીઓને સલામતી પૂરી પાડી છે. સ્કૂલના જ કનડગટ કરાયેલા કોઈ વિદ્યાર્થીએ આવી ધમકી આપ્યાનું કહેવાય છે. આ પૂર્વ વિદ્યાર્થીએ અલગ અલગ પ્રોફાઈલ સાથે અમેરિકાની શાળાઓમાં હત્યાકાંડ કરનારાઓને ફેસબૂક પર બિરદાવ્યા છે. કેટલાક પેરન્ટ્સે ધમકી આપનાર ન પકડાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહિ મોકલવા નિર્ણય લીધો હોવાનું મનાય છે.
• બાળકોને ઓછી ખાંડ આપવા અભિયાન
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા ‘Change4Life’ અભિયાન શરુ કરાયું છે, જેમાં બાળકો માટે સ્વાસ્થ્યપ્રદ આહારની પસંદગી પર ભાર રખાયો છે. કેટલાક બાળકો ખોરાકમાં દર વર્ષે પોતાના શારીરિક વજન જેટલી ખાંડ ખાઈ જતા હોવાનું બહાર આવતા અભિયાનનો આરંભ કરાયો છે. ચાર અને ૧૦ વર્ષ વયજૂથના સરેરાશ બાળકો વર્ષે ૨૨ કિલોગ્રામ (૪૯ પાઉન્ડ) જેટલી ખાંડ ખાઈ જાય છે, જે પાંચ વર્ષના બાળકનું સરેરાશ વજન હોય છે. આના પરિણામે, સ્થૂળતા, દાંતનો સડો અને ડાયાબીટીસનું જોખમ સર્જાય છે.
• HSBCએ મુસ્લિમ ચેરિટી સાથે સંબંધ તોડ્યા
સહાયની રકમ વિદેશમાં ત્રાસવાદી જૂથોને પહોંચતી હોવાના ભય મધ્યે HSBCબેન્કે બ્રિટનની સરકારી ભંડાળ સાથેની સૌથી મોટી મુસ્લિમ ચેરિટી ઈસ્લામિક રીલિફ સાથે બેન્કિંગ સંબંધો તોડી નાખ્યા છે. એક વર્ષ પહેલા બેન્કે લીધેલો નિર્ણય જાહેર કરાયો ન હતો. ચેરિટી ઈસ્લામિક રીલિફ જણાવ્યું છે કે HSBCબેન્કના નિર્ણયથી ગત વર્ષના નેપાળ ભૂકંપગ્રસ્તો માટે તંબુઓ ખરીદવામાં ભારે વિલંબ થયો છે. મુસ્લિમ ચેરિટીને ડીપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ પાસેથી લાખો પાઉન્ડનું ભંડોળ મળે છે.
• જેલના સળિયા પાછળના જીવનની કથા
લિબોર કૌભાંડમાં વ્યાજના દરોની ગેરરીતિઓ બદલ ૧૧ વર્ષની જેલ કરાયેલા ટોમ હેયસે જેલના સળિયા પાછળના તેના જીવનનું વર્ણન કર્યું છે. યુબીએસ અને સિટિગ્રૂપના પૂર્વ બેન્કરે ધ ટાઈમ્સને લખેલા અનેક પત્રોમાં તેને ડ્રગ્સના બંધાણીઓ અને હત્યારાઓ સાથે રખાયો હોવાનું જણાવાયું છે. તેને નોટિંગહામ નજીક લોધામ ગ્રેન્જ પ્રિઝનમાં રખાયો છે. એક સમયે વર્ષે આશરે ૨૦ લાખ પાઉન્ડ કમાતા હેયસનું કહેવું છે કે તેણે કોટડીને ગરમ રાખવા ઈલેક્ટ્રિક ટોસ્ટરનો આશરો લેવો પડે છે.
• વિદ્યાર્થીઓ દ્વારા ગેરરીતિઓ વધી
ગત ત્રણ વર્ષ દરમિયાન બ્રિટિશ યુનિવર્સિટીઓના આશરે ૨૦ પીએચ.ડી સહિત ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ સામે લખાણો કે વિચારોની ચોરી કરવા બદલ શિસ્તભંગના પગલાં લેવાયા છે. પરીક્ષાઓ અને કોર્સવર્કમાં આવી ચોરી કે ગેરરીતિ વિદેશી વિદ્યાર્થીઓના કારણે ફેલાઈ હોવાનું મનાય છે. ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડનના લખાણો કે વિચારોની ચોરી કરનારા ૭૫ ટકા વિદ્યાર્થીઓ વિદેશી હતા અને તેનો ત્રીજો હિસ્સો ચીનના વિદ્યાર્થીઓનો હતો. સ્ટેફર્ડશાયર યુનિવર્સિટીમાં ગેરરીતિના અડધાથી વધુ કિસ્સામાં વિદેશી વિદ્યાર્થીઓ સંકળાયા હતા. ૨૦૧૩-૧૪માં ૨.૩ મિલિયન વિદ્યાર્થીઓમાંથી ૩૧૦,૧૯૦ વિદ્યાર્થી બ્રિટન અને ઈયુ દેશોની બહારના હતા.
• પબ્સમાં ડ્રિન્ક પીવાનો પડકાર
ગત ૩૨ વર્ષમાં દેશભરની પબ્સમાં ૩૦૦,૦૦૦ માઈલનું અંતર ગાળનારા ડ્રિન્કર્સના ધ બ્લેક કન્ટ્રી એલ થર્સ્ટર્સ જૂથે નવો જ પડકાર ઉપાડી લીધો છે. આ જૂથે બ્રિટિશ કોસ્ટ પરની તમામ પબ સહિત ૧૮,૫૦૦ પબની મુલાકાત લીધી હતી. હવે તેઓ નોટિંગહામશાયરની દરેક પબમાં શરાબ પીવાની યોજના ધરાવે છે. જૂથના સભ્ય પીટ હીલે કહ્યું હતું કે જૂથે આ કાર્યક્રમ શરુ કર્યો ત્યારે એક પિન્ટનો ભાવ ૬૪ પેન્સ હતો, જે અત્યારે ત્રણ પાઉન્ડથી પણ વધુ છે. આથી, તેઓ વાર્ષિક ખર્ચ ૧,૫૦૦ પાઉન્ડ સુધી સીમિત રાખે છે.

