ડેટ ચેરિટીઝ ક્રેડિટ કાર્ડ રીપેમેન્ટ્સ, ઓવરડ્રાફ્ટ્સ અને પર્સનલ લોન સંબંધિત મદદ માગતા લોકોના કોલ્સનો સામનો કરી રહી છે. જાન્યુઆરીથી જૂન સુધીના ગાળામાં જેમનું સરેરાશ દેવું ૧૩,૮૨૬ પાઉન્ડ હતું તેવાં ૩૦૦,૦૦૦થી વધુ લોકોએ StepChange ચેરિટીને મદદ માટે કોલ્સ કર્યાં હતાં. દસમાંથી ચાર વ્યક્તિ પાસે દર મહિને તેમના આવશ્યક બિલ્સ અને ક્રેડિટના નાણા ચૂકવવાની રકમ ન હતી. ડેટા અનુસાર યુવા વર્ગમાં દેવાંનું પ્રમાણ વધી રહ્યું છે.
• ખોટી રીતે PPI ક્લેઈમ્સ નકારતી બેન્કો
મોટા ભાગની બેન્કો ખોટી રીતે વેચાયેલાં પેમેન્ટ પ્રોક્શન ઈન્સ્યુરન્સ (PPI) સંબંધે હજારો ફરિયાદો નકારી ભારે અન્યાય કરે છે. કેટલીક બેન્કો ૧૦માંથી ૯ ગ્રાહકોની કાયદેસર ફરિયાદોને ફગાવે છે અને સ્વતંત્ર ફાઈનાન્સિયલ ઓમ્બુડ્સમેન પાછળથી આ નિર્ણયોને ઉલટાવતા હોય છે. વર્ષ ૨૦૧૬ના પૂર્વાર્ધમાં ઓમ્બુડ્સમેનને સામાન્યપણે લોન્સ અને ક્રેડિટ કાર્ડ્સની સાથે વેચાતાં પીપીઆઈ સંબંધિત ૯૧,૩૮૧ ફરિયાદ મળી હતી. ક્લાઈસડેલ બેન્ક આવી ફરિયાદોમાં પ્રથમ સ્થાને છે, જેમાં ૯૦ ટકા ગ્રાહકો કેસ જીતી ગયા હતા. આ પછીના ક્રમે લોઈડ્સ બેન્ક ૭૮, નેટવેસ્ટ બેન્ક ૬૯, રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ ૬૬ તેમજ બાર્કલે અને HSBC ૬૧ ટકા કેસીસમાં હારી હતી.
• તેતરના શિકાર પર પ્રતિબંધની પિટિશન પર ચર્ચા
તેતર (grouse)ના શિકાર પર પ્રતિબંધ ઈચ્છતી પિટિશન પર પાર્લામેન્ટમાં ચર્ચા હાથ ધરવામાં આવનાર છે. અગ્ર સંરક્ષણવાદીઓના વડપણ હેઠળની પિટિશનમાં ૧૨૦,૦૦૦થી વધુ લોકોએ સહી કરી છે. કોઈ પિટિશનમાં ૧૦૦,૦૦૦થી વધુ સહી હોય તે વિષયની ચર્ચા પાર્લામેન્ટમાં કરવાની રહે છે. તેતરના શિકારની પરંપરા અંગે સંરક્ષણવાદીઓ અને શૂટિંગ ઈન્ડસ્ટ્રી વચ્ચે સંઘર્ષ ચાલે છે. ધ બ્રિટિશ એસોસિયેશન ફોર શૂટિંગ એન્ડ કન્ઝર્વેશને જણાવ્યું છે કે તે પ્રતિબંધ સામે લડાઈ આપશે.
• શાળામાં સ્થાન માટે પણ નવા ઘરની તલાશ
શાળાએ જવાની ઉંમર ધરાવતાં બાળકોના પેરન્ટ્સના ૨૭ ટકા તેમના બાળકોને નજીકની શ્રેષ્ઠ અને પસંદગીની શાળામાં પ્રવેશ મળે તે માટે નવું ઘર ખરીદવા અથવા ભાડે લેવા તૈયાર હોય છે. એક સર્વે અનુસાર લંડનના ૪૬ ટકા પેરન્ટ્સ કેચમેન્ટ્માં સારી જગ્યાએ આવેલી પ્રોપર્ટી મેળવવા અને આ માટે વધારાના ૭૦,૦૦૦ પાઉન્ડ ચુકવવા પણ તૈયાર હોય છે. ૪,૦૦૦થી વધુ પુખ્ત લોકોનાં સર્વેમાં જણાયું હતું કે પાંચમાંથી એક અથવા ૧૭ ટકાએ સારી શાળામાં પ્રવેશ મેળવવા નોકરી છોડવાનું, જ્યારે ૨૬ ટકાએ શાળાની નજીકના સ્થળે ઘર ભાડે રાખવાનું પણ પસંદ કર્યું હતું.
• મૃત માતાનો ખોવાયેલો પત્ર ૧૫ વર્ષે મળ્યો
માતા લિઝા ગાશે મરણપથારીએથી તેની છ વર્ષીય નાની પુત્રી બેથાનીને પત્ર લખ્યો હતો. માતાની યાદગીરી જેવો આ પત્ર ઘર બદલવામાં ખોવાઈ ગયો હતો તે ૧૫ વર્ષ પછી ડરહામની સેકન્ડહેન્ડ બુકશોપ બોન્ડગેટ બુક્સમાંથી માતાના ચિત્ર સાથે મળતાં પરિવારમાં આનંદ છવાયો હતો. શોપના માલિક ગોર્ડન ડ્રેપરને પુસ્તકોના ઢગલામાં એક એન્વેલપમાં ફોટો અને પત્ર મળતા તેમણે બેથાનીને શોધી આ પત્ર પહોંચાડ્યો હતો.
• સ્કોટિશ આઝાદી રેફરન્ડમ યોજના અભરાઈએ
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને બીજા સ્કોટિશ આઝાદી રેફરન્ડમ લેવા માટેની યોજના હાલ પૂરતી અભરાઈએ ચડાવી દીધી છે. સ્ટર્જને કહ્યું હતું કે સ્કોટલેન્ડના હિતોને રક્ષવા માટે એક માત્ર અથવા શ્રેષ્ઠ માર્ગ હોવાનું તેમને લાગશે તો જ રેફરન્ડમ બિલ રજૂ કરાશે. થેરેસા સરકારે બ્રેક્ઝિટ માટે આર્ટિકલ-૫૦ને લાગુ કરવા કોઈ સમય નિશ્ચિત કર્યો ન હોવાથી સ્ટર્જને રેફરન્ડમ બિલ અભરાઈએ ચડાવવાની ફરજ પડી છે. આગામી વર્ષે ડ્રાફ્ટ રેફરન્ડમ બિલ પર કન્સલ્ટેશન પ્રોસેસ શરુ થઈ શકે તેમ સ્કોટિશ અધિકારીઓએ કહ્યું હતું.
• નોર્થ-ઈસ્ટ કાઉન્સિલો દ્વારા વિકેન્દ્રીકરણનો વિરોધ
નોર્થ-ઈસ્ટની સંડરલેન્ડ, ડરહામ, સાઉથ ટાયનેસાઈડ અને ગેટ્સહેડ કાઉન્સિલોએ સત્તાના વિકેન્દ્રીકરણનો વિરોધ કર્યો છે. આ વિસ્તાર માટે મેયર ચૂંટવા સહિત વિવાદિત દરખાસ્તોને સાતમાંથી ચાર કાઉન્સિલને ફગાવતા લાખો મિલિયન પાઉન્ડની યોજના સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ન્યુકેસલ, નોર્ધમ્બરલેન્ડ અને નોર્થ ટાયનેસાઈડ કાઉન્સિલોએ આ યોજનાઓની તરફેણમાં વોટિંગ કર્યું છે. આનાથી પૂર્વ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને જાહેર કરેલી સમગ્ર ઈંગ્લેન્ડના વિસ્તારોને વધુ સત્તા સોંપવાની યોજનાને ફટકો પડ્યો છે. માન્ચેસ્ટર, શેફિલ્ડ અને ટીસ્સાઈડમાં ડિવોલ્યુશન યોજનામાં પ્રગતિ સધાઈ છે.
• ૫,૦૦૦ વિદ્યાર્થીને મેન્ડેરિન ભાષા શીખવાડાશે
બ્રિટનને વૈશ્વિક કક્ષાએ વધુ સ્પર્ધાત્મક બનાવવા ૧૦ મિલિયન પાઉન્ડની યોજનાના ભાગરુપે સરકારી સેકન્ડરી સ્કૂલના ૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીને આગામી ચાર વર્ષ સુધી સપ્તાહના આઠ કલાક મેન્ડેરિન ભાષાનો સઘન અભ્યાસ કરાવાશે. મેન્ડેરિન એક્સેલન્સ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થી ૨૦૨૦ સુધીમાં તે ભાષા બોલચાલ અને લખવામાં ફ્લુઅન્ટ બની જશે. સત્તાવાર આરંભ અગાઉ આ પ્રોગ્રામ ૧૫ સેકન્ડરીઝમાં ચાલુ કરવામાં આવનાર છે. બ્રિટિશ કાઉન્સિલની ભાગીદારીમાં એજ્યુકેશન વિભાગની આ પહેલને UCL ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશનનું સમર્થન છે.

