અપીલ કોર્ટે ઠેરવ્યું છે કે જાહેર સ્થળો પર ધૂમ્રપાન પરનો પ્રતિબંધ જેલોને લાગુ પડે નહીં. પ્રતિબંધ હેઠળ તમામ સ્થળો આવી જાય છે તેવા હાઈકોર્ટના ચૂકાદાને ત્રણ જજોની બેંચે ફગાવી દીધો હતો. જોકે, અપીલ કોર્ટે ચૂકાદો આપ્યો હોવા છતાં જેલ સત્તાવાળા સ્વાસ્થ્યના કારણસર ઈંગ્લેન્ડ અને વેલ્સની જેલોમાં પ્રતિબંધ અમલી બનાવશે.
• ન્યુસન્સ કોલ્સ બદલ સાંસદને દંડ
લંડનના મેયરપદ માટે લેબર પાર્ટીના ઉમેદવાર બનવાના નિષ્ફળ પ્રયાસમાં ૩૫,૦૦૦ જેટલાં ન્યુસન્સ કોલ કરવા માટે લેબર સાંસદ ડેવિડ લેમીને ૫,૦૦૦ પાઉન્ડનો દંડ ફટકારાયો છે. માહિતી કમિશનરે ચૂકાદો આપ્યો હતો કે ટોટનહેમના સાંસદે પ્રાઈવસીના નિયમોનો ભંગ કર્યો હતો. ગયા ઓગસ્ટમાં તેમણે કરેલા આ કોલ્સમાં પ્રચાર અંગેનો તેમનો રેકોર્ડેડ મેસેજ વાગતો હતો. તેઓ પાંચ એપ્રિલ સુધીમાં દંડ ભરી દે તો તેની રકમ ઘટીને ૪,૦૦૦ પાઉન્ડ થશે.
• સંત બનવા માટે ૭.૫ લાખ યુરોનો ખર્ચ...
પોપ ફ્રાન્સિસે વેટિકનના ગુપ્ત રીતે સંત બનાવતા વિભાગને હિસાબો અંગે સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો છે. સંતપદના ઉમેદવારના કેનનાઈઝેશન માટે ૭.૫૦ લાખ યુરો સુધી ખર્ચ થાય છે. ખૂબ ઊંચી ફી અને હિતોના સંઘર્ષના આક્ષેપો વચ્ચે વેટિકનની તથાકથિત – સેન્ટ ફેક્ટરી -માં ઉલ્લંઘન બદલ શિસ્તપગલાં અને યોગ્ય અંદાજપત્રની માગણી સાથેની ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશના ભાગરૂપે નવા નિયમો જાહેર કરાયા હતા. દરેક ભાવિ સંત માટે એક વહીવટદાર નીમાશે અને દાતાના નાણાં ખર્ચવામાં તેમની ઈચ્છાની પૂરતી કાળજી રાખશે.

