યુકેમાં ૨૦૦૭માં ધૂમ્રપાન પર લાગેલા પ્રતિબંધથી હાર્ટ એટેકમાં ૪૨ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મહત્ત્વપૂર્ણ સંશોધનમાં જણાવાયું છે કે ધૂમ્રપાન પ્રતિબંધના પરિણામે આડકતરા એટલે કે પેસિવ સ્મોકિંગની અસરથી થતા હાર્ટએટેકમાં ઘટાડો થયો છે. આ સંશોધનમાં ૭૭ અભ્યાસોની સમીક્ષા કરવામાં આવી હતી.
• હેરફેર પર નિયંત્રણની સત્તાને કોર્ટમાં પડકાર
બ્રિટન ઈસ્લામિક ત્રાસવાદનો સામનો કરી રહ્યું છે ત્યારે ત્રાસવાદી ગુના બદલ જેલ ભોગવી ચુકેલા અને સીરિયા સાથે કડીઓ ધરાવતા બે શકમંદોએ તેમની હેરફેર પર નિયંત્રણોની સરકારની સત્તાને કોર્ટમાં પડકારી છે. આ કેસની સુનાવણી જૂનમાં કરાશે. જો તેઓ કેસ જીતી જશે તો ૧૦ વર્ષ અગાઉ અમલી બનેલા વિવાદાસ્પદ ટેરરિસ્ટ પ્રીવેન્શન એન્ડ ઈન્વેસ્ટિગેશન મેઝર્સના નિયંત્રણો કોઈ ત્રાસવાદી સામે લાગુ કરી શકાશે નહિ. સિક્યુરિટી સર્વિસીસ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ વ્યક્તિઓ વિરુદ્ધ આ નિયંત્રણો લાગુ કરે છે.
• ચૂંટણી ગેરરીતિ બદલ સજા
જેરેમી કોર્બીનની કેમ્પેઈન ટીમના સભ્ય અને સમર્થક જૂથ મોમેન્ટમના અગ્રનેતા માર્શા-જેન થોમ્પસનને ચૂંટણી ગેરરીતિ બદલ સજા ફરમાવાઈ છે. ઈસ્ટ લંડનના ન્યુહામ બરોમાં ૧૦૦થી વધુ નકલી મતદારોની નોંધણી બદલ સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટે તેમને ૧૦૦ કલાકની કોમ્યુનિટી સજાનો આદેશ કર્યો હતો. મિસ થોમ્પસને જાતે વોટર રજિસ્ટ્રેશન ફોર્મ ભરી મતદારોની બનાવટી સહીઓ કરવાનો ગુનો કબૂલ્યો હતો.
• પોલીસ વડા એક વર્ષના કોન્ટ્રાક્ટથી નાખુશ
મેટ્રોપાલીટન પોલીસના વડા સર બર્નાર્ડ હોગાન-હોવે સ્પષ્ટ કર્યું છે કે તેમને આ હોદ્દામાં ઓછામાં ઓછાં સાત વર્ષ જોઈતા હતા. તેમની મુદત સપ્ટેમ્બરમાં પૂર્ણ થઈ રહી છે ત્યારે કોન્ટ્રાક્ટમાં એક વર્ષની મુદત વધારવાની ભલામણથી તેઓ નાખુશ છે અને તેને નકારી પણ શકે છે. લંડનના મેયર બોરિસ જ્હોન્સને તેમની ત્રણ વર્ષના મુદતવધારાની પસંદગી ફગાવી હતી. જોકે, હોમ સેક્રેટરી થેરેસા મે તેમને બે-ત્રણ વર્ષની મુદતની ઓફર કરી શકે છે.
• સુપરમાર્કેટ્સ ડ્રિન્ક્સ પર સુગર ટેક્સ માટે તૈયાર
ખાંડ ધરાવતાં પીણાં પર સુગર ટેક્સ સ્વીકારવા સુપરમાર્કેટ્સ અને ફાસ્ટ ફૂડ આઉટલેટ્સ સહિતના સભ્યો તૈયાર હોવાનું બ્રિટિશ રીટેઈલ કોન્સોર્ટિયમે જણાવ્યું છે. તેણે બિનઆરોગ્યપ્રદ ફૂડ પર વિશેષ ઓફર્સ પર પ્રતિબંધ લાદવાની માગણી પણ સરકાર સમક્ષ કરી હતી. રીટેઈલ કોન્સોર્ટિયમે ફૂડ ઈન્ડસ્ટ્રીથી અલગ વલણ અપનાવ્યું છે. પીણાં પર સુગર ટેક્સની દરખાસ્ત મુદ્દે ખુદ સરકારમાં મતભેદ છે.
• નકલી આર્ટ ડીલર પણ પ્રતિભાશાળી
પૂર્વ કળાશિક્ષક અને આર્ટ ડીલર રિઝવાન રહેમાને મેફેરમાં ન્યૂડ પોર્ટ્રેટ્સનું પ્રથમ પ્રદર્શન યોજ્યું છે. ચાર વર્ષ અગાઉ સમગ્ર બ્રિટનમાં ગેલેરીઝમાં ૩૦ બનાવટી ચિત્રો વેચવાના ૧૮૦,૦૦૦ પાઉન્ડના કૌભાંડમાં તેને ૧૮ મહિના જેલની સજા કરાઈ હતી. તેણે જેલમાં પેઈન્ટિંગ્સ કરવાની શરૂઆત કરી હતી. હવે તેના જ પેઈન્ટિંગ્સથી ૧૧૦,૦૦૦ પાઉન્ડની કમાણી થઈ છે. જોકે, રિઝવાને તેણે અગાઉ વેચેલા પેઈન્ટિંગ્સ ફોર્જરી હોવાનો ઈનકાર જ કર્યો હતો.
• એક કોળિયામાં બર્ગર ખાવાના પ્રયાસમાં મોત
એક જ કોળિયામાં આખુ ચીઝબર્ગર ખાવાના પ્રયાસમાં ડેરેન બ્રેનું રુંધામણથી મોત નીપજ્યું હતું. તેની ઈન્ક્વેસ્ટમાં રજૂઆત કરાઈ હતી કે ત્રણ સંતાનના પિતા બ્રેએ મિત્રોની સામે બર્ગરનો વીંટો વાળી એક જ કોળિયામાં ગળા નીચે ઉતારી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ખોરાક ગળાની પાછળના ભાગમાં અટકી ગયો હતો. કોરોનરે ખોટા સાહસમાં શ્વાસ રુંધાઈ જવાથી મોત નીપજ્યાનો ચુકાદો જાહેર કર્યો હતો.
• કેન્સરથી મોતમાં ૧૦ ટકાનો ઘટાડો
યુકેમાં કેન્સરથી થતાં મોતમાં એક દાયકામાં આશરે ૧૦ ટકાનો સમગ્રતયા ઘટાડો નોંધાયો છે. જોકે, શરાબ તેમજ બિનઆરોગ્યપ્રદ લાઈફસ્ટાઈલના લીધે થતાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે. કેન્સર રિસર્ચ યુકેના રિપોર્ટ અનુસાર કેન્સરના વેળાસર નિદાન અને સારવારમાં સુધારાના પરિણામે કેન્સરથી થતાં મોતમાં સમગ્રતયા મોતમાં નોંધપાત્ર અને સ્થિર ઘટાડો નોંધાયો છે.
• સેંકડો ગુરખાઓ પોન્ઝી સ્કીમનો શિકાર
સેંકડો ગુરખાઓ શંકાસ્પદ ૫૦ મિલિયન પાઉન્ડની શંકાસ્પદ પોન્ઝી સ્કીમનો શિકાર બન્યાની શંકા છે. આ ગુરખા લોકોએ જીવનભરની બચત આ યોજનાઓમાં ગુમાવ્યાની પોલીસને શંકા છે. આશરે ૨૦૦ વર્ષથી બ્રિટિશ આર્મીનો હિસ્સો રહેલી ગુરખા રેજિમેન્ટના ૪૫૦ નિવૃત અને સેવારત સૈનિકોએ આ કૌભાંડમાં ૨.૪ મિલિયન પાઉન્ડનું રોકાણ કર્યું હોવાનું મનાય છે.

