• નર્સે બાળકને ત્રાસવાદી કહેતાં નોકરી ગુમાવી

Saturday 23rd July 2016 06:50 EDT
 

નાના બાળકને ‘ત્રાસવાદી’ અને ‘બોમ્બર’ કહેવા બદલ એડિનબરાની બિઝી બીઝ નર્સરીની નર્સ નિક્કી એલેકઝાન્ડરે નોકરી ગુમાવવી પડી છે. તેને ૧૫ જુલાઈથી પ્રેક્ટિશનર્સ ઈન એ ડે કેર ઓફ ચિલ્ડ્રન સર્વિસીસ રજિસ્ટરમાંથી દૂર કરવામાં આવી છે. નિક્કીએ બે વર્ષથી પણ નાના બાળકને ‘ત્રાસવાદી’ અને ‘બોમ્બર’ કહ્યો હતો. આ ઉપરાંત, ગત વર્ષના જૂન-જુલાઈના ગાળામાં બાળકો સામે શારીરિક અને વંશીય દુર્વ્યહવાર તથા અપશબ્દોના આક્ષેપોની સુનાવણી સ્કોટિશ સોશિયલ સર્વિસીસ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી.

• બ્લેર સામે પાર્લામેન્ટના અનાદરનો પ્રસ્તાવ

ઈરાક યુદ્ધ સંબંધિત સર ચિલ્કોટ રિપોર્ટના પગલે સાંસદો દ્વારા હાઉસ ઓફ કોમન્સને ગેરમાર્ગે દોરવા બદલ પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર સામે સંસદના અનાદરનો પ્રસ્તાવ લાવવામાં આવશે. રાજકીય પક્ષોના સાત સાંસદોએ પ્રસાવની સુનાવણી માટે સ્પીકર સાથે વાતચીત કરી હતી. સ્પીકરે પાર્લામેન્ટરી રિસેસ પછી સપ્ટેમ્બરમાં ચર્ચા માટે મંજૂરી આપી છે. જો આ પ્રસ્તાવને બહાલી મળે તો પણ તે પ્રતીકાત્મક જ બની રહેશે કારણકે સાંસદ ન હોય તેને સજા આપવાની કોમન્સ ગૃહની સત્તાનો ઉપયોગ ઘણા વર્ષોથી થયો નથી.

• રોયલ નેવી અણુ સબમરીનની અથડામણ

જિબ્રાલ્ટરના તટે પાણીમાં અડધી ડૂબેલી અવસ્થામાં અને મિલિટરી ટ્રેનિંગ કવાયતમાં ભાગ લઈ રહેલી રોયલ નેવીની અણુ સબમરીન એચએમએસ એમ્બુશની વેપારી જહાજ સાથે અથડામણ થયા પછી તેને જિબ્રાલ્ટર પોર્ટ ખાતે લાંગરવાની ફરજ પડી હતી. ૨૦ જુલાઈ, બુધવારની આ ઘટનામાં એસ્ટ્યુટ ક્લાસની સબમરીનને બાહ્ય નુકસાન થયું છે, પરંતુ તેના અણુ રીએક્ટરને કોઈ નુકસાન કે કર્મચારીઓને ઈજા થઈ નથી. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા તપાસના આદેશ અપાયા છે.

• શેફિલ્ડ કાઉન્સિલનો ચાઈનીઝ રોકાણનો મોટો સોદો

શેફિલ્ડ સિટી કાઉન્સિલે ઈયુ રેફરન્ડમ પછી ચીનના સિચુઆન ગુઓડોંગ કન્સ્ટ્રક્શન ગ્રૂપ સાથે એક બિલિયન પાઉન્ડના રોકાણ સાથે કન્સ્ટ્રક્શન સોદાની જાહેરાત કરી છે. લંડનની બહાર ચીનનું આ સૌથી મોટું ઈન્વેસ્ટમેન્ટ છે, જે સ્ટીલ સિટીની સિકલ બદલી નાખશે. આગામી ત્રણ વર્ષમાં પ્રથમ ફાઈવ સ્ટાર હોટેલ અને એફોર્ડેબલ હાઉસિંગ સહિત ચાર અથવા પાંચ સિટી પ્રોજેક્ટ્સ માટે પ્રારંભિક ૨૨૦ મિલિયન પાઉન્ડની ચુકવણી કરાશે. ૧૮ મહિનાની વાટાઘાટોના અંતે પાર પડેલા આ સોદાના કારણે સાઉથ યોર્કશાયરમાં સેંકડો નવી નોકરીઓની તક સર્જાશે.

• માર્ક થેચરના ઓમાન સોદાની ફાઈલો હજુ ગુપ્ત

યુકેના નેશનલ આર્કાઈવ્ઝની ૧૯૮૬-૧૯૮૮ના ગાળાની ગુપ્ત ફાઈલો જાહેર કરાયા છતાં પ્રોફ્યુમો પ્રકરણ, રોયલ ફેમિલી સહિતની કેટલીક ફાઈલો હજુ ગુપ્ત રાખવા નિર્ણય લેવાયો છે. ઐતિહાસિક ફાઈલો જાહેર કરવાનો સમયગાળો ૩૦ વર્ષથી ઘટાડીને ૨૦ વર્ષનો કરવામાં આવ્યો હોવાં છતાં ડાઉનિંગ સ્ટ્રીટે રોયલ અને સિક્યુરિટી ફાઈલ્સ, પ્રોફ્યુમો એફેરમાં ૧૯૬૩ની લોર્ડ ડેનિંગ ઈન્ક્વાયરી, પીટર રાઈટનો ‘સ્પાયકેચર’ કેસ, મોટા ભાગના ડિફેન્સ રેકોર્ડ્સ, એન્ગલો-આઈરિશ વાટાઘાટો, પૂર્વ વડા પ્રધાનના પુત્ર માર્ક થેચર અને આમાન વચ્ચે સોદાના તેમજ સોવિયેત સંબંધોને લગતા દસ્તાવેજો જાહેર કરાયા નથી.

• સધર્ન રેલવેના ટેકઓવરની સાદિક ખાનની રજૂઆત

ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા સંઘર્ષરત સધર્ન રેલવે ફ્રેન્ચાઈઝ ટેકઓવર કરવામાં આવે તેમ મેયર સાદિક ખાન ઈચ્છે છે. તેમણે ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ક્રિસ ગ્રેલિંગ સમક્ષ અનુરોધ કર્યો છે કે હજારો રોજિંદા પ્રવાસી ટ્રેન ન મળવાથી સમયસર કામ પર જઈ શકતા નથી. સ્ટાફની અછત, બીમારી અને હડતાળના કારણે સધર્ન દ્વારા દિવસમાં ૩૦૦થી વધુ ટ્રેન રદ કરવામાં આવી હતી. ટ્રેનોનાં સમયમાં વિલંબ અને ખોટકાવાથી પ્રવાસીઓને બાનમાં રખાય છે. પેસેન્જરોએ ૧૧ જુલાઈએ લંડન વિક્ટોરિયા સ્ટેશન પર દેખાવો પણ કર્યા હતા. સધર્ન દ્વારા વિક્ટોરિયા અને લંડન બ્રિજથી બ્રાઈટન, સાઉધમ્પટ્ન તેમજ સસેક્સ અને કેન્ટમાં અન્ય ઘણા સેન્ટરમાં ટ્રેનો દોડાવાય છે. ગોવિઆ થેમ્સલિન્ક રેલવે (GTR)માં ગેટવિક એક્સપ્રેસ, ગ્રેટ નોર્ધર્ન અને થેમ્સલિન્ક સર્વિસીસનો સમાવેશ થાય છે.

• સંશોધનમાં વપરાતાં પ્રાણીઓની સંખ્યા વધી

યુકેની લેબોરેટરીઝમાં પ્રાણીઓનો ઉપયોગ કરાતો હોય તેવી વૈજ્ઞાનિક સંશોધન પ્રક્રિયાની સંખ્યા ૨૦૧૫માં વધીને ૪.૧૪ મિલિયન થઈ છે, જે ૨૦૧૩માં ૪.૧૨ મિલિયન હતી. સંશોધકો દ્વારા ૨૦૧૫માં માત્ર ઊંદરો પર આશરે ૩.૦૪ મિલિયન પ્રક્રિયા થઈ હતી. અડધી પ્રક્રિયાઓ બ્રીડિંગ અથવા જિનેટેકલી મોડિફાઈડ એનિમલ્સના સર્જનને સંબંધિત હતી. આવી પ્રક્રિયાઓમાં ૨૬૮,૫૨૨ ઊંદર, ૫૬૧,૪૨૪ માછલી અને ૩,૬૧૨ વાનરોનો ઉપયોગ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter