પોતાના વિસ્તારમાં નવા મકાનો બંધાય તેને સમર્થન આપનારા લોકોની સંખ્યા વર્ષ ૨૦૧૦માં ૨૯ ટકા હતી તે ૨૦૧૬માં વધીને લગભગ બમણી ૫૭ ટકા થઈ હોવાનું ‘નેટસેન’ના સર્વેમાં જણાવાયું છે. આ આંકડા વડાપ્રધાન થેરેસા મે માટે પ્રોત્સાહક રહેશે. થેરેસા મે આવતા અઠવાડિયે વધુ મકાનો માટેની યોજના જાહેર કરશે. હાઉસિંગના શ્વેતપત્રમાં નવા મકાનો બાંધવા માટે રેલ્વે સ્ટેશન નજીકના કાર પાર્કને દૂર કરાશે અને ઉંચા બિલ્ડીંગો બાંધવાની પરવાનગી અપાશે તેમ મનાય છે.
• યુરોપિયન કસ્ટમ્સ યુનિયનમાંથી બ્રિટન બહાર થશે
બ્રિટન યુરોપિયન કસ્ટમ્સ યુનિયનમાંથી બહાર થઈ જશે તેવો સંકેત બ્રેક્ઝિટ વાટાઘાટોની યોજના અંગેના શ્વેતપત્રમાં દર્શાવાયો છે. જોકે, યુકે ‘એસોસિએટ મેમ્બર’ તરીકે રહી શકે તેવા થેરેસા મેના સૂચનનો તેમાં સમાવેશ કરાયો નથી. બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસ દ્વારા રજૂ કરાયેલા ૭૬ પાનાના દસ્તાવેજમાં લેંકેસ્ટર હાઉસમાં વડાપ્રધાને આપેલા વક્તવ્યના ૧૨ મહત્ત્વના મુદ્દાનો સમાવેશ કરાયો છે. પરંતુ,સરકારને ઈયુ સાથે જે સંબંધની આશા છે તેના વિશે ખૂબ ઓછી વિગત અપાઈ છે.
• અપ્રામાણિક વકીલ સામે લાખો પાઉન્ડના વળતરનો દાવો
ઈરાકમાં બ્રિટિશ સૈનિકો સામે ત્રાસ, દુર્વ્યવહાર અને હત્યાના ખોટા ક્લેઈમ કરીને પબ્લિક ફંડમાંથી લાખો પાઉન્ડનું વળતર મેળવનારા ૬૦ વર્ષીય માનવાધિકાર વકીલ ફીલ શાઈનર £ ૩.૨ મિલિયનની પરત ચૂકવણી અને મોટાપાયે છેતરપિંડીની તપાસનો સામનો કરી રહ્યા છે. તેમણે કરેલા ખોટા કેસોને લીધે સંખ્યાબંધ સૈનિકોનું જીવન દુઃખદ બન્યું હતું. સોલિસિટર્સ તરીકેનું તેમનું રજિસ્ટ્રેશન પણ રદ કરી દેવાયું છે. સોલિસિટર્સ ડિસિપ્લીનરી ટ્રિબ્યુનલે અપ્રામાણિકતા સહિતના ૨૨ આરોપમાં તેમને દોષિત ઠેરવ્યા હતા. ચેરમેને તેમને વચગાળાની કોસ્ટ તરીકે £૨૫૦,૦૦૦ જમા કરાવવા જણાવ્યું હતું.
• પુરુષ કરતાં મહિલાને કેન્સર થવાની શક્યતા છ ગણી વધુ
મહિલાઓમાં સ્થુળતાનું પ્રમાણ વધુ હોવાને લીધે આગામી ૨૦ વર્ષમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ છ ગણું વધી જશે તેમ કેન્સર રિસર્ચ, યુકેના તારણમાં જણાવાયું છે. આરોગ્યને હાનિકારક જીવનશૈલીને લીધે બન્ને જાતિમાં કેન્સરનું પ્રમાણ વધે છે. ચેરિટીએ મહિલાઓને રોગનું જોખમ ઘટાડવાના પ્રયાસ તરીકે ખોરાક ઘટાડવા અનુરોધ કર્યો છે કારણ કે ધૂમ્રપાન ઉપરાંત કેન્સર થવાનું બીજું મુખ્ય કારણ સ્થુળતા છે. જોકે, વધુ વજનને લીધે થતાં કેન્સર પૈકી મોટાભાગના કેન્સર જેવા કે બ્રેસ્ટ, ગર્ભાશય અને અંડાશયનું કેન્સર મહિલાઓમાં જ જોવા મળે છે.
• પીઠના દુઃખાવામાં ઈબુપ્રોફેન ઓછી અસરકારક
પીઠના દુઃખાવામાં મોટાભાગે લેવાતા ઈબુપ્રોફેન જેવા પેઈનકિલરની ખૂબ ઓછી અસર થતી હોવાનું પ્રો. મેનુએલા ફેરેરિયાના નેતૃત્વ હેઠળ યુનિવર્સિટી ઓફ સિડની દ્વારા કરાયેલા સંશોધનમાં જણાયું છે. એક અભ્યાસમાં નોન-સ્ટરોઈડલ અને નોન-ઈન્ફ્લેમેટરી ડ્રગ્સની સારવાર અપાઈ હોય તેવા છ દર્દીમાંથી માત્ર એકને જ દુઃખાવામાં થોડી રાહત થઈ હતી. આમ તો, પીઠનો દુઃખાવો થોડા અઠવાડિયામાં મટી જતો હોય છે. જોકે, કેટલાકને આ દુખાવો કાયમ રહેતો હોય છે. તેમને શક્ય તેટલા સક્રિય રહેવા, કસરત કરવા અને એન્ટિ ઈન્ફ્લેમેટરી ડ્રગ્સ લેવાની NHS દ્વારા સલાહ અપાય છે.
• વિદેશી દર્દીઓએ પહેલા રકમ ચૂકવવી પડશે
લાખો પાઉન્ડની રકમની વસૂલાતમાં બ્રિટન નિષ્ફળ રહેતું હોવાના અહેવાલને પગલે સરકારે ઈમરજન્સી ન હોય તેવા કેસમાં વિદેશી દર્દીઓ પાસેથી સારવાર પહેલા રકમ વસૂલ કરવા NHS હોસ્પિટલોને જણાવ્યું છે. સાંસદોના જણાવ્યા મુજબ અરાજકતાપૂર્ણ સિસ્ટમ અને હોસ્પિટલો માટે પ્રતિબંધોના અભાવને લીધે દર્દીએ બાકી રાખેલી રકમ વસૂલ થતી નથી. દેશની એક મોટી હોસ્પિટલને ગત નવેમ્બરમાં લંડન આવેલી નાઈજીરીયન મહિલા પાસેથી £૫૦૦,૦૦૦ લેવાના બાકી છે. લંડનના હિથરોમથકે આવતા જ તેને ત્રણ મહિના વહેલી પ્રસૂતિ થઈ હતી અને ચાર બાળકોને જન્મ આપ્યો હતો.

