• નવા મેટ કમિશનર સ્વેચ્છાએ ઓછું વેતન લેશે

Saturday 08th April 2017 04:32 EDT
 

મેટ્રોપોલિટન પોલીસના નવા કમિશનર ક્રેસીડા ડીકે તેમના પગારમાં સ્વેચ્છાએ ૪૦,૦૦૦ પાઉન્ડનો ઘટાડો કરવા જણાવ્યું છે. પાંચ વર્ષ સુધી મેટ કમિશનર રહ્યા બાદ ગયા મહિને નિવૃત્ત થયેલા તેમના પુરોગામી સર બર્નાર્ડ હોગન હોવ ૨૭૦,૬૪૮ પાઉન્ડની સેલરી લેતા હતા. ડીકને પણ આટલી જ રકમ અને તે ઉપરાંત બેનિફિટ્સની ઓફર કરાઈ હતી. જોકે, ડીકે પોતાની સેલરી ૨૩૦,૦૦૦ પાઉન્ડ જ રાખવા જણાવ્યું છે. ડીકે આ નિર્ણય બ્રિટનના સૌથી મોટા પોલીસ ફોર્સના બજેટલક્ષી દબાણને કારણે લીધો હોવાનું મનાય છે.

• પોલીસે ચોરનું જંગી રકમનું બીલ ચૂકવ્યું

જામીન પર છૂટેલા ગુનેગારને ફરી સમાજમાં જોડાવામાં મદદરૂપ થવા એક યોજના હેઠળ અપાતા ફોનના દુરૂપયોગ બાદ નોર્થ વેલ્સ પોલીસે ૪૪,૫૦૦ પાઉન્ડનું બીલ ભરવું પડ્યું હતું. ૨૦૧૪માં છ મહિના સુધી દરરોજ આ ફોનનો ઉપયોગ વીડિયો અને મ્યુઝિક સ્ટ્રીમીંગ માટે થયો હતો. ફોનનો દૈનિક વપરાશ ૨૫૦ પાઉન્ડનો હતો. પોલીસે ગુનેગારને પે-એઝ-યુ-ગો મોબાઈલ ફોનને બદલે ભૂલથી કોન્ટ્રાક્ટ ફોન આપી દીધો હતો.

• દુષ્કર્મ બદલ માતા અને તેના બોયફ્રેન્ડ જેલભેગાં

બાળક પેદા કરવાની ઈચ્છા સાથે એક મહિલાની ૧૨ વર્ષની પુત્રી પર સાવકા પિતા દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યા પછી આ દંપતીને જેલભેગું કરાયું હતું. આ મહિલા ફરી બાળકને જન્મ આપી શકે તેમ ન હોવાથી તેણે પુત્રી સાથે દુષ્કર્મને પ્રોત્સાહન આપ્યું હતું. તેની પુત્રી ગર્ભવતી બની ત્યાં સુધી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તેણે એક બાળકને જન્મ આપ્યો હતો, જેને કેર હોમ મોકલી દેવાયું છે. વોરવિક ક્રાઉન કોર્ટે પુરુષને ૧૮ વર્ષ અને મહિલાને છ વર્ષની જેલની સજા ફરમાવી હતી.

બાથમાં પુત્રના મૃત્યુ બદલ પેરન્ટ્સ દોષિત

વર્સેસ્ટર ક્રાઉન કોર્ટે બે અઠવાડિયાના ટ્રાયલ પછી લીસા પેસી અને વેન ડેલને તેમના ૧૩ મહિનાના પુત્ર કિઆનના મૃત્યુ બદલ ગુનેગાર ઠેરવ્યા હતા. તેમણે કિઆન પર સહેજ પણ ધ્યાન આપ્યું ન હતું અને તે લગભગ ૧૩ મિનિટ સુધી બાથ સીટ પર એકલો હતો. તે ડૂબી ગયો ત્યારે પેસી નીચે તેના મિત્રો સાથે કોફી પી રહી હતી અને ડેલ કોમ્પ્યુટર પર ચેટિંગમાં વ્યસ્ત હતો.

• ગૂગલને વાર્ષિક ૭૫૦ મિલિયન ડોલરનું નુક્સાન થશે

વિશ્વની કેટલીક મોટી કંપનીઓ દ્વારા બહિષ્કારને કારણે ગૂગલને તેના વીડિયો પ્લેટફોર્મ યુ ટ્યુબ પર કંપનીઓની જાહેરાતોથી થતી આવકમાં દર વર્ષે ૭૫૦ મિલિયન ડોલરનું ભારે નુક્સાન વેઠવું પડશે. યુકેમાં પ્રવેશ માટે પ્રતિબંધિત આતંકવાદીઓ અને કટ્ટર ધર્મોપદેશકો દ્વારા યુ ટ્યુબ પર મૂકાયેલા વીડિયોમાં આ કંપનીઓની બ્રાન્ડ્સનું પ્રમોશન કરાયું હતું. આ વીડિયો હટાવવામાં ગૂગલ નિષ્ફળ જતાં તેના વિરોધમાં આ કંપનીઓએ જાહેરાતો આપવાનું બંધ કરી દેતા તેને નુક્સાન જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter