લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસ ઉપયોગ કરી શકે તેવી નવી ટેસર-૭ ગનને મંજૂરી આપી છે. નવી ટેસર ગન ઝડપી અને એક્યુરેટ હોવા સાથે શકમંદોને ભારે પીડાકારી હોવાનું કહેવાય છે. હોમ સેક્રેટરીએ જણાવ્યું છે કે ગુનાખોરોનો સામનો કરવા ઈંગ્લેન્ડ અને વેલ્સની પોલીસ નવા મોડલનો ઓર્ડર કરી શકે છે. જોકે, આ નિર્ણયને કેટલાક કેમ્પેઈન જૂથોએ ટેસર ગનનો ઉપયોગ બાળકો તેમજ BAME લોકો પર વધુ કરાતો હોવાનું જણાવી વખોડી કાઢ્યો હતો.
ટેસર-૭ ગનમાં ડિસ્પોઝેબલ બેટરીના બદલે રિચાર્જેબલ બેટરી હોવાથી તે લાંબા ગાળે સસ્તી પડશે. હોમ ઓફિસના આંકડા મુજબ માર્ચ ૨૦૧૯થી ઉપયોગ શરુ કરાયા પછી ૨૩,૦૦૦ ઘટનાઓમાં ૨,૭૦૦ ઘટનામાં ટેસર ગનને ફાયર કરાઈ હતી. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૨૪,૭૦૦ પોલીસ ઓફિસર્સમાંથી આશરે ૩૫,૦૦૦ દ્વારા ટેસર ગન્સનો ઉપયોગ કરાય છે.
• ટેસ્કો ૧૬,૦૦૦નો સ્ટાફ વધારશેઃ
હાઈ સ્ટ્રીટ, પબ્સ, રેસ્ટોરાં, હોટેલ્સ અને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં હજારો નોકરીઓ ગુમાવાનું જોખમ છે ત્યારે દેશની સૌથી મોટી સુપરમાર્કેટ ચેઈન ટેસ્કોએ તેના ઓનલાઈન વેચાણમાં વધારો થતા નવી ૧૬,૦૦૦ કાયમી નોકરીઓ ઉભી કરવા નિર્ણય લીધો છે. મહામારી અગાઉ ટેસ્કોનો ઓનલાઈન ડિલિવરી બિઝનેસ ૯ ટકાથી વધીને ૧૬ ટકાએ પહોંચ્યો છે. વાસ્તવમાં ૧૬,૦૦૦ નવા કાયમી કર્મચારીમાંથી ઘણા હાલ કામચલાઉ તરીકે નોકરી કરે છે, જેમને લોકડાઉન દરમિયાન હોમ-ડિલિવરીમાં ઉછાળાને કારણે ભરતી કરાયા હતા. નવી નોકરીઓમાં ૧૦,૦૦૦ ‘પિકર્સ’ સ્ટોર વર્કર્સ હશે, અન્ય ૩૦૦૦ નોકરીમાં માલસામાનની ડિલિવરી માટે ડ્રાઈવર્સ અને વધુ ૩,૦૦૦ કર્મચારી દુકાનો અને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સમાં સહાયક તરીકે હશે. ટેસ્કોએ તેના ૩૨૦,૦૦૦ કર્મચારીઓમાંથી ઓનલાઈન કામગીરીમાં કેટલા કામ કરે છે તે જણાવવા ઈનકાર કર્યો છે.
• £૧૦૦,૦૦૦ની ઠગાઈ છતાં, જેલમાંથી બચાવઃ
આઠ સંતાનોની ૩૬ વર્ષીય માતા સાબા મહમૂદે આશરે ૧૦૦,૦૦૦ પાઉન્ડના બેનિફિટ્સ ક્લેઈમ કર્યા હોવાં છતાં જેલમાં જવાથી બચી હતી. તેણે પાંચ વર્ષના ગાળામાં પાકિસ્તાનમાં રહેલા રીલેટિવ્ઝ વતી બેનિફિટ્સ ક્લેઈમ કર્યાં હતાં. ગ્રેટર માન્ચેસ્ટરના હીલ્ડ ગ્રીનની રહેવાસી સાબા મહમૂદે કહ્યું હતું કે તેના આ કાર્યથી અન્યોને નુકસાન જશે તે તેણે વિચાર્યું ન હતું અને જવાબદાર વયસ્ક તરીકે સમાજમાં કેવી રીતે રહેવું તેની બરાબર સમજ ન હતી. માન્ચેસ્ટરની મિન્શુલ ક્રાઉન કોર્ટે તેને ૧૬ મહિનાની જેલની સજા ફરમાવી હતી જે, ૧૮ મહિના માટે સસ્પેન્ડ કરાઈ હતી. જજ એન્જેલા નિલ્ડે ૧૫ દિવસના પુનર્વસન અને ૧૫૦ કલાક અવેતન કામ કરવાનો આદેશ આપ્યો હતો. જજે તેને કહ્યું હતું કે બેનિફિટ્સ સિસ્ટમ અશક્ત અને નિરાધાર પરિવારોને મદદ કરવા માટે છે. નવેમ્બરમાં તેની વિરુદ્ધ પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ એક્ટ હેઠળ કામ ચલાવાશે.
• પેરન્ટના હત્યારાને જેલઃ
માતા અને ઓરમાન પિતાની ચાકુથી હત્યા કરનારા ૨૬ વર્ષીય અનમોલ ચાનાને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ઓછામાં ઓછાં ૩૬ વર્ષની જેલની સજા ફરમાવી છે. આરોપીએ ૫૨ વર્ષની માતા જસબીર કૌરે તેની હેરાનગતિ કરી હોવાનો ખોટો દાવો કર્યો હોવાનું જજે કહ્યું હતું. માતાને માર્યા પછી ચાનાએ ૫૧ વર્ષીય રુપિન્દર બાસનની હત્યા કરી હતી અને તેમના વેસ્ટ મિડલેન્ડ્સના ઓલ્ડબરી ખાતેના ઘરમાંથી ચોરી કરી હતી.
• જેહાદીની બહેનને સસ્પેન્ડેડ જેલઃ
લંડનમાં પ્રાઈડ માર્ચને નિશાન બનાવવા ઈચ્છતા લૂટનના ત્રાસવાદીની યોજનાની માહિતી પોલીસને નહિ આપવાની દોષિત ૨૬ વર્ષીય બહેન સ્નેહા ચૌધરીને જેલની સજા કરાઈ ન હતી. સ્નેહા ચૌધરીએ તેના ૨૯ વર્ષીય ભાઈ મોહિસુન્નાથ ચૌધરી ૨૦૧૯ના આરંભની યોજના બાબતે ગંભીર હશે તેમ માનતી ન હોવાનું કોર્ટને જણાવ્યું હતું. વૂલીચ ક્રાઉન કોર્ટે તેને બે વર્ષની સસ્પેન્ડેડ જેલની સજા ફરમાવી હતી. જજ એન્ડ્રયુ લીસે જણાવ્યું હતું કે સ્નેહા વફાદારી બાબતે ગેરમાર્ગે દોરાયેલી હતી. તેના ભાઈને ગયા મહિને આજીવન કેદની સજા થઈ છે.
• ઉજિમા રેડિયોને £૫૦૦ની પેનલ્ટી
રેગ્યુલેટરી સંસ્થા ઓફકોમ (Ofcom) દ્વારા ઉજિમા રેડિયો CICને સમયમર્યાદામાં વર્ષ ૨૦૧૮નો વાર્ષિક નાણાકીય રિપોર્ટ આપવામાં નિષ્ફળતા બદલ ૫૦૦ પાઉન્ડનો દંડ લગાવ્યો છે. આ દંડ તેના લાયસન્સની શરત ૯ (૧)નો ભંગ કરવા બદલનો છે. કોમ્યુનિટી રેડિયો સર્વિસના લાયસન્સી સતત બીજા વર્ષે તેનો ફાયનાન્સ રિપોર્ટ રજૂ કરવામાં નિષ્ફળ રહેલ છે. ઓફકોમે આ બાબતને ઘણી ગંભીર ગણાવી હતી.