લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને ૧૯૮૦ના દાયકામાં શીખ અસંતોષને દાબવા ભારતને લશ્કરી સહાય પૂરી પાડવામાં બ્રિટનની કથિત ભૂમિકાના મુદ્દે નવેસરથી સ્વતંત્ર તપાસની માગણી કરી છે. એંગ્લો-ઈન્ડિયન સંબંધો વિશેની સંખ્યાબંધ ફાઈલો નેશનલ આર્કાઈવ્ઝમાંથી દૂર કરાઈ હોવાનો ઘટસ્ફોટ ધ ટાઈમ્સના અહેવાલમાં કરાયા પછી લેબર નેતા કોર્બીને વડા પ્રધાન થેરેસા મેને પત્ર લખ્યો હતો. શીખ ફેડરેશને કોર્બીનની માગણીને આવકાર આપ્યો છે. અગાઉ, શીખ ફેડરેશને કેબિનેટ સેક્રેટરી સર જેરેમી હેવૂડ દ્વારા ૨૦૧૪માં આ મુદ્દે કરાયેલી ઈન્ક્વાયરીની પ્રામાણિકતા સંબંધે પ્રશ્ન ઉઠાવ્યો હતો.
• લોર્ડ હેઝલ્ટાઈનને અકસ્માત બદલ દંડ
સાઈકલિસ્ટને તેની બાઈક પરથી પાડી દેવાના અકસ્માતમાં ૮૩ વર્ષના ટોરી લોર્ડ હેઝલ્ટાઈનને નોર્ધમ્પટન મેજિસ્ટ્રેટ્સ કોર્ટ દ્વારા ૫,૦૦૦ પાઉન્ડનો દંડ ફરમાવાયો હતો. તેમના ડ્રાઈવિંગ લાયસન્સ પર પાંચ પોઈન્ટ મૂકાયા હતા. લોર્ડ હેઝલ્ટાઈને બેદરકારીપૂર્ણ ડ્રાઈવિંગની કબૂલાત કરી હતી. ગત વર્ષના જૂન મહિનામાં તેમની જેગુઆર કાર લેનમાંથી બહાર નીકળી સાઈકલિસ્ટના માર્ગમાં ઘૂસી હતી, જેના પરિણામે તેને ઘૂંટણ ભાંગવા અને હાથમાં ચાર ફ્રેક્ચર સહિત ગંભીર ઈજા પહોંચી હતી.

