HIVની સારવાર લેતા ૭૦૦થી વધુ લોકોની ખાનગી વિગતો જાહેર કરવા બદલ સોહોના ચેલ્સિયા એન્ડ વેસ્ટમિન્સ્ટર હોસ્પિટલ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ક્લિનીકને૧,૮૦,૦૦૦ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. એક કર્મચારીની ભૂલને લીધે સપ્ટેબરનું ન્યૂઝલેટર મેળવનારી વ્યક્તિ આ ન્યૂઝલેટર મેળવનાર અન્ય લોકોના ઈ-મેલ એડ્રેસ જોઈ શકતી હતી. આવા લોકોના ૭૮૧ ઈ-મેલ એડ્રેસમાંથી ૭૩૦ના પૂરા નામ દેખી શકાતા હતા. તેમાંના મોટાભાગના HIV પોઝિટિવ હતા.
• સારવારમાં બેદરકારીને લીધે દસ વર્ષમાં હજારો દર્દીના મોત
છેલ્લાં દસ વર્ષમાં હ્રદયની બીમારીના લગભગ ૩૩,૦૦૦થી વધુ દર્દી સારવારમાં બેદરકારીને લીધે બિનજરૂરી રીતે મૃત્યુ પામ્યા હતા. એક અભ્યાસ મુજબ એટેક આવ્યા પછી દર દસમાંથી નવ દર્દીને યોગ્ય સારવાર મળતી નથી અને દરેક હોસ્પિટલમાં દર મહિને એક દર્દી બિનજરૂરી મૃત્યુ પામે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે તેમના અંદાજ મુજબ આવી રીતે મૃત્યુ પામનારા દર્દીઓની સાચી સંખ્યા બમણી હોઈ શકે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે તારણો સ્વીકારી શકાય તેવા નથી અને NHS એ આ મુદ્દે ધ્યાન આપવાની ખાસ જરૂર છે.
• બ્રિટિશ ‘હેકર’ પાસવર્ડ જાળવવાનો કાનૂની જંગ જીત્યો
૩૧ વર્ષીય બ્રિટિશ ‘હેકર’ લોરી લવ પોતાનો પાસવર્ડ ખાનગી રાખવાની બ્રિટનની FBI ગણાતી નેશનલ ક્રાઈમ એજન્સી સામેની કાનૂની લડાઈ જીતી ગયો હતો. જોકે, હજુ તેના પર યુએસ આર્મી, NASAઅને FBIના કોમ્પ્યુટરનો ડેટા હેક કરવાના આરોપો છે. અમેરિકાને તેના પ્રત્યાર્પણ માટેનો કાનૂની જંગ ચાલે છે. બ્રિટનમાં તો તેના પર કોઈ આરોપ પૂરવાર થયો નથી. પરંતુ, તેને અમેરિકા લઈ જવાય અને ત્યાંના કેસમાં તે દોષિત ઠરે તો તેને ૯૯ વર્ષની જેલ થઈ શકે.
• ૮૦૦ સેક્સ ગુનેગારોએ ભૂતકાળ છૂપાવવા નામ બદલ્યા
ગત ૨૦૧૧ સુધીમાં સેક્સ ગુનેગારોના રજિસ્ટરમાં નોંધાયેલા ૮૦૩ લોકોએ ગુનાહિત ભૂતકાળ છૂપાવવા પોતાના નામ બદલી નાંખ્યા હતા. તેમાં ૮૩ બળાત્કારીઓ, અશ્લીલ તસવીરો રાખનારા અથવા શેર કરનારા ૧૨૬ લોકો, અશ્લીલ વ્યવહારના ૮૮ દોષિતોનો સમાવેશ થાય છે. આ સંખ્યા ખૂબ વધુ હોઈ શકે કારણ કે ૨૭ દળોએ નામ બદલનારાની માહિતી આપી નહોતી. નામ બદલવાથી આ ગુનેગારો લોકોને તેમના ગુનાની જાણ ન થાય તેવી રીતે નવું જીવન જીવવા મુક્ત બને છે. પોલીસ પણ કોણે નામ બદલ્યા છે તેની માહિતી આપતી નથી.
• વિદ્યાર્થિનીઓને લાંબા સ્કર્ટ પહેરવાના શાળાના નિયમથી વિવાદ
GSCEની પરીક્ષા આપતી વખતે રૂમમાં હાજર પુરુષ નિરીક્ષકો ઉત્તેજીત ન થાય તે માટે વિદ્યાર્થિનીઓને ઢીંચણ સુધીની લંબાઈના સ્કર્ટ પહેરવા માટેના હિચીન ગર્લ્સ સ્કૂલના નિયમને લીધે વિવાદ ઉભો થયો છે. નિયમના વિરોધમાં વિદ્યાર્થિનીઓની ઓનલાઈન પિટિશનને ૪૬૮ લોકોનું સમર્થન મળ્યું છે. હર્ટફોર્ડશાયરની આ સ્કૂલની યુનિફોર્મની ગાઈડલાઈન્સમાં વિદ્યાર્થિનીઓને નેવી બ્લૂ કલરનો ઢીંચણ અથવા તેથી વધુ લંબાઈનો સ્કર્ટ પહેરવા જણાવાયું છે. જોકે, હેડટીચર ફ્રાન્સીસ મેનિંગે કોઈ નવો નિયમ અમલી બન્યાનો ઈનકાર કર્યો હતો.

