વડા પ્રધાન ડેવિડ કેમરન સીરિયન અને અફઘાન સહિતના ૩,૦૦૦ શરણાર્થી માઈગ્રન્ટ બાળકોને યુકેમાં પ્રવેશ આપવાની યોજના વિચારી રહ્યા છે. આગામી થોડાં સપ્તાહમાં તેનો નિર્ણય લેવાશે. સેવ ધ ચિલ્ડ્રન સહિતની ચેરિટીઝ દ્વારા રખાયેલી દરખાસ્તો પર કેમરન વિચાર કરી રહ્યા છે. માતાપિતા વિનાના હજારો શરણાર્થી બાળકો યુરોપમાં આવી ગયાં છે. બ્રિટને લેબેનોન અને જોર્ડન સહિતના દેશોના કેમ્પ્સમાં રહેલા ૨૦,૦૦૦ શરણાર્થીને યુકેમાં ૨૦૨૦ સુધીમાં તબક્કાવાર લેવાની જાહેરાત કરી છે. શરણાર્થી બાળકોને પ્રવેશ આ ઉપરાંતનો રહેશે. બીજી તરપ, શરણાર્થીઓને આશરો આપવાની મોટી જાહેરાતો કરનારા જર્મની સહિતના દેશોમાં જ તેનો વિરોધ થઈ રહ્યો છે.
• જેટલીના સમર્થનને જસ્ટિસ મિનિસ્ટર વારાએ આવકાર્યું
ભારતમાં વિદેશી ધારાશાસ્ત્રીઓની હાજરી સ્થાપવાના વિચારને ભારતીય નાણા પ્રધાન અરુણ જેટલીના સમર્થનને જસ્ટિસ મિનિસ્ટર શૈલેશ વારાએ આવકાર્યું છે. મિનિસ્ટર વારાએ ભારતીય કાયદા સેક્ટરને ઉદાર બનાવવામાં પ્રગતિથી આનંદ વ્યક્ત કરી જણાવ્યું હતું કે હું ઘણા વર્ષોથી આ ઉદ્દેશની હિમાયત કરતો આવ્યો છું. ખુલ્લી કાનૂની સેવાના યુકેના માર્ગે આગળ ચાલી ઉદારીકરણ અપનાવવાના ભારતના નિર્ણયથી બધાને લાભ થશે.
• ગૂગલ ૧૩૦ મિલિયન બાકી ટેક્સ ચુકવશે
રેવન્યુ અને કસ્ટ્મ્સ વિભાગ સાથે પતાવટના ભાગરૂપે ગૂગલે એક દાયકાના પડતર ટેક્સના ૧૩૦ મિલિયન પાઉન્ડ ચુકવવા અને ભવિષ્યમાં ઊંચો ટેક્સ ચુકવવા સંમતિ સાધી છે. ડબ્લિનમાં યુરોપિયન હેડક્વાર્ટર્સ ધરાવતા ગૂગલે ૨૦૧૩માં ૫.૬ બિલિયન ડોલરની રેવન્યુ છતાં યુકેમાં નફાના આધારે માત્ર ૨૦.૫ મિલિયન પાઉન્ડ ટેક્સ ચુકવ્યો હતો.
• છોકરી સાથે વાત કરવા બદલ પ્રતિબંધ
સાઉથ લંડનમાં ક્રોયડનની ઈસ્લામિક અલ-ખૈર સેકન્ડરી સ્કૂલે છોકરી સાથે વાત કરવા બદલ એક ટીનેજર વિદ્યાર્થીને સસ્પેન્ડ કરતા તેના પેરન્ટ્સે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ શાળા છોકરા અને છોકરીઓ વચ્ચે કોઈ પણ પ્રકારના કોમ્યુનિકેશનને ઈસ્લામિક વિશિષ્ટતા વિરુદ્ધના ગણાવે છે. નવાઈની બાબત એ છે કે વિદ્યાર્થીઓના વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહિત કરવા બદલ શૈક્ષણિક વોચડોગ ઓફસ્ટેડ દ્વારા આ શાળાને ‘આઉટસ્ટેન્ડિંગ’ ગણાવાઈ હતી.
• વૃદ્ધો પાસેથી ફ્રી ટીવી લાઈસન્સ પાછું લેવાની યોજના
બીબીસી ૭૫થી વધુ વયના નાગરિકો પોતાના મફત ટીવી લાઈસન્સ પરત કરે તેવું અભિયાન વિચારે છે અને તેમાં સેલિબ્રિટીઝની મદદ લેવાશે. વૃદ્ધ દર્શકો મફત લાઈસન્સ છોડે તો તેમની પાસેથી લાખો પાઉન્ડ મેળવવાની ડિરેક્ટર-જનરલ લોર્ડ હોલની યોજના છે. હાલ બીબીસી વૃદ્ધોને ફ્રી ટીવી લાઈસન્સ આપવા પાછળ ૭૦૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરે છે. વધેલા ખર્ચના કારણે બીબીસીને કેટલીક સેવા બંધ કરવાની ફરજ પડશે તેવી ચેતવણી પણ લોર્ડ હોલે આપી છે.
• ટ્રાઈડન્ટ મુદ્દે શેડો કેબિનેટમાં મતભેદ
બ્રિટનની ટ્રાઈડન્ટ અણુસબમરીન યોજના બંધ કરવાની જેરેમી કોર્બીનની ઈચ્છાનો તેમની જ લેબર પાર્ટીમાંથી વિરોધ થઈ રહ્યો છે. શેડો કેબિનેટના ૨૦ સભ્ય ટ્રાઈડન્ટને રીન્યુ કરવાની તરફેણ કરે છે, જ્યારે માત્ર સાત શેડો મિનિસ્ટર તેનો વિરોધ કરી એકપક્ષી નિઃશસ્ત્રીકરણની હિમાયત કરી રહ્યા છે. આના પરિણામે, માર્ચ મહિનામાં ટ્રાઈડન્ટ મુદ્દે પાર્લામેન્ટની સલાહ લેવાશે ત્યારે કોર્બીન લેબર પાર્ટીના સાંસદોને મુક્તપણે મતદાન કરવા દેશે તેમ જણાય છે.
• કોર્બીને કેલે માઈગ્રન્ટ્સને આવકારવા કહ્યું
લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને કેલેની કામચલાઉ છાવણીઓમાં રહેતા શરણાર્થીઓને યુકેમાં આવકારવા હાકલ કરી છે. જોકે, તેમની જાહેરાત સામે પક્ષમાંથી જ વિરોધ જાગ્યો છે. કોર્બીને ફ્રાન્સના કેલેમાં બે શરણાર્થી શિબિરોની મુલાકાત લીધી હતી, જ્યાં ૭,૦૦૦થી વધુ શરણાર્થી રહે છે. યુરોપના બદલે સીરિયાની સરહદે છાવણીઓમાં રહેતા નિર્વાસિતોને આશ્રયની કેમરનની નીતિનો કોર્બીને વિરોધ કર્યો હતો.
• હોસ્પિટલની પસંદગીના અધિકાર પર તરાપ
ફેમિલી ડોક્ટર્સ હોસ્પિટલની પસંદગીના દર્દીઓના અધિકારને નકારી રહ્યા છે. સત્તાવાર સર્વે અનુસાર ફેમિલી ડોક્ટર્સ તેમના ૪૦ ટકા દર્દીને હોસ્પિટલ અને ક્લિનિકની પસંદગીની ઓફર કરે છે. ૨૦૧૦માં આ ટકાવારી ૫૦ ટકાની હતી. આમ, પેશન્ટ્સને NHSની કઈ હોસ્પિટલમાં સારવાર લેવી છે તેની પસંદગીની તક ઓછી થઈ છે અને તેમની સારસંભાળને સહન કરવું પડે છે તેમ દર્દીઓના અધિકારોના હિમાયતીઓ કહે છે.
• ગરીબ તબીબી વિદ્યાર્થીનું ઓછું પ્રમાણ
બ્રિટિશ મેડિકલ સ્ટુડન્ટ્સ મોટા ભાગે સુખી પરિવારમાંથી જ આવતા હોવાનું એક સર્વેમાં જણાયું છે. તબીબી અભ્યાસ માટે આશરે ૩૩,૦૦૦ અરજદારોના સર્વેમાં આ માહિતી બહાર આવી હતી. આ ડેટા અનુસાર દેશના ડોક્ટર્સ અને સર્જન્સ સમાજના સાચા પ્રતિનિધિઓ નથી કારણકે ગરીબ પરિવારમાંથી આવતા ડોક્ટર્સનું પ્રમાણ ઓછું હોય છે.
• સ્ટેટિન્સ કરતા સફરજન ગુણકારી
એક કહેવત તો છે જ કે રોજ એક સફરજન ખાવ અને ડોક્ટરને દૂર રાખો. તંદુરસ્ત હૃદય માટે સ્ટેટિન દવાઓ લેવા કરતા સફરજન વધુ સારું છે કારણકે સ્ટેટિનની આડઅસરો તેના લાભ કરતા વધુ છે. દરરોજ એક સફરજન ખાવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક અટકાવવામાં મદદ મળે છે. બીએમસી મેડિકલ જર્નલમાં એક ચર્ચામાં કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ અસીમ મલ્હોત્રા અને લિવરપૂલ યુનિવર્સિટીના પ્રોફેસર સિમોન કેપવેલે દલીલ કરી હતી કે કોલેસ્ટરોલને તોડતી દવા નબળાઈ લાવતી આડઅસર ઉપરાંત, મોટા ભાગના લોકો માટે ઓછી અસરકારક નીવડે છે.
• પાદરીઓ ભરાવદાર દાઢી વધારે છે
મુસ્લિમોની બહુમતી ધરાવતા વિસ્તારોમાં સ્થાનિક સમુદાય સાથે સંપર્ક ઉભા કરવા ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના પાદરીઓ ભરાવદાર દાઢી વધારી રહ્યા છે. લંડનના બિશપ રિચાર્ડ ચાર્ટ્રસે ટાવર હેમલેટ્સ વિસ્તારમાં કાર્યરત બે દાઢીધારી પાદરી-એડમ એટ્કિન્સન અને ક્રિસ રોજર્સની પ્રશંસા કરી હતી. પહેલાના જમાનામાં ખ્રિસ્તી પાદરીઓ દાઢી રાખે તો ચર્ચાનું કારણ બનતા હતા. આ વિસ્તારના બાંગલાદેશી-સિલ્હટી રહેવાસીઓ માટે દાઢી પવિત્રતાનું પ્રતીક મનાય છે.
• પોપ ફ્રાન્સિસને હિન્દુ સમુદાયનો અનુરોધ
હિન્દુ સમુદાયે આયર્લેન્ડની શૈક્ષણિક પદ્ધતિમાં હસ્તક્ષેપ કરવા પોપ ફ્રાન્સિસને અનુરોધ કર્યો છે. શાળાઓમાં પ્રવેશ માટે મુખ્યત્વે રોમન કેથોલિક ધાર્મિક અગ્રતાનો અંત લાવવામાં આયર્લેન્ડની સરકાર નિષ્ફળ ગઈ હોવાનું હિન્દુ સમુદાયે જણાવ્યું છે. હિન્દુ અગ્રણી રાજન ઝેડે યુએસએમાં જણાવ્યું હતું કે આઈરિશ શાળાઓમાં પ્રવેશ મુદ્દે ધર્મની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ. ધાર્મિક બહુમતી શાળાઓ પર નિયંત્રણ ધરાવે છે. પોપ ફ્રાન્સિસે અવારનવાર ઈન્ટરફેઈથ સંબંધો પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આયર્લેન્ડની સરકાર સંચાલિત ૯૭ ટકા પ્રાઈમરી સ્કૂલ્સ ચર્ચના અંકુશ હેઠળ હોવાનું કહેવાય છે.
• ‘કૃષ્ણ ઈન ધ ગાર્ડન ઓફ આસામ’ પ્રદર્શન
બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા ૧૫ ઓગસ્ટ સુધી ચાલનારા ‘કૃષ્ણ ઈન ધ ગાર્ડન ઓફ આસામ’ પ્રદર્શનમાં ભગવાન કૃષ્ણના ભક્તિમય વસ્ત્રો દર્શાવાઈ રહ્યા છે. આ જ શાળા સાથેનું પુસ્તક પણ પ્રદર્શિત કરાયું છે. પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ નવ મીટર લંબાઈનું ‘વૃંદાવની વસ્ત્ર’ છે, જે ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં ભારતના આસામ રાજ્યમાં ઉત્પાદિત ભક્તિમય રેશમી વસ્ત્રનું સૌથી મોટુ અસ્તિત્વ ધરાવતું ઉદાહરણ છે. કૃષ્ણ વૃંદાવનમાં રહેતા હતા તે કાળના જીવન વિશે ભાગવત પુરાણમાં લિખિત કથા પરથી પ્રસંગોનું ચિત્રણ કરાયું છે.
• યોગખંડો માટે સ્કાયટીમની પ્રશંસા
લંડનના હીથ્રો અને હોંગ કોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ્સ પરના લાઉન્જ્સમાં યોગખંડો લોન્ચ કરવા બદલ હિન્દુ સમુદાયના નેતા રાજન ઝેડે ૨૦ એરલાઈન્સ સભ્યો સાથેના વૈશ્વિક એરલાઈન એલાયન્સ સ્કાયટીમની પ્રશંસા કરી હતી. તેમણે ઈસ્તંબૂલ આતાતુર્ક અને સિડની એરપોર્ટ તથા નવા તૈયાર થતા દુબાઈ અને બેઈજિંગ કેપિટલ એરપોર્ટ્સમાં પણ આ વ્યવસ્થા ગોઠવવા અનુરોધ કર્યો હતો. સ્કાયટીમ દ્વારા પસંદગીના વિશેષ લાઉન્જીસ અને ઈન-ફ્લાઈટ એન્ટરટેઈન્મેન્ટ સિસ્ટમ્સમાં ‘યોગા ઓન ધ ગો’ મોબાઈલ એપ વિકસાવાઈ છે. હીથ્રો ટર્મિનલ ચાર ખાતે યોગ રુમમાં યોગ મેટ્સ પૂરા પાડવા સાથે વિડિયો કસરતો દર્શાવાય છે.

