• નેટવર્ક રેલને £૪ મિલિયનનો દંડ

Monday 26th September 2016 06:42 EDT
 

રેલવે ફૂટ ક્રોસિંગ પર ટ્રેનની ટક્કરથી ૮૨ વર્ષીય પૂર્વ અભિનેત્રી ઓલિવ મેકફાર્લેન્ડનું મોત થતાં સલામતીની નિષ્ફળતાના મુદ્દે ઈપ્સવિચ ક્રાઉન કોર્ટ દ્વારા નેટવર્ક રેલને ચાર મિલિયન પાઉન્ડનો ભારે દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કંપનીએ કાનૂની ખર્ચના ૩૫,૮૫૭ પાઉન્ડ પણ ચુકવવાના રહેશે. ઓલિવ મેકફાર્લેન્ડે ૧૯૫૦થી ૧૯૭૦ના દાયકામાં ટીવી ડ્રામા અને ફિલ્મોમાં નિયમિત અભિનય આપ્યો હતો. તેમણે ૧૯૬૧ની ફિલ્મ ધ ફ્રાઈટન્ડ સિટીમાં હીરો શોન કોનેરી સાથે પણ ચમક્યાં હતાં. તેઓ ઓગસ્ટ ૨૦૧૧માં સફોકના નિધામ માર્કેટ નજીકના રેલવે ક્રોસિંગ પર લગભગ ૧૦૦ માઈલની ઝડપે આવતી ટ્રેનની ટક્કરથી મૃત્યુ પામ્યા હતા. રેલવે ક્રોસિંગ નજીક ટ્રેનની ગતિ ૫૫ માઈલ હોવી જોઈતી હતી.

• શાહી દંપતી સંતાનો સાથે કેનેડાની મુલાકાતે

ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ પોતાના બે સંતાનો- ત્રણ વર્ષના પ્રિન્સ જ્યોર્જ અને ૧૬ મહિનાની પ્રિન્સેસ શાર્લોટ સાથે કેનેડાની એક સપ્તાહની મુલાકાતે ગયાં છે. તેમની આ સત્તાવાર પારિવારિક મુલાકાત ૨૪ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી છે. ડચેસ કેટ મિડલટન અને પ્રિન્સ વિલિયમ સાથે ૧૨ સહાયક પણ સામેલ થયાં છે. તેઓના પ્રવાસમાં વિશ્વના સૌથી વિશાળ ટેમ્પરેટ રેઈનફોરેસ્ટ ગ્રેટ બેર રેઈનફોરેસ્ટ, કોમ્યુનિટી સેન્ટર્સ તેમજ કારક્રોસની અંતરિયાળ વસાહતની મુલાકાતનો પણ સમાવેશ થાય છે. અગાઉ, ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ ૨૦૧૧માં કેનેડાની મુલાકાતે ગયાં હતાં.

• MI6 નવા ૧,૦૦૦ જાસૂસની ભરતી કરશે

બ્રિટિશ ઈન્ટેલિજન્સ સેવા MI6 દ્વારા નવા ૧,૦૦૦ જાસૂસની ભરતી કરવામાં આવશે. મોટા ભાગના લોકો ઈન્ટરનેટ પર પોતાની ઓળખ ધરાવતા હોય ત્યારે સોશિયલ મીડિયા પ્રોફાઈલ ન હોય તેવા અન્ડરકવર એજન્ટ્સ શોધવામાં યુકેની ગુપ્તચર સંસ્થા મુશ્કેલી અનુભવે છે. ઈન્ટેલિજન્સ સર્વિસ પાસે હાલ ૨,૫૦૦નો સ્ટાફ છે અને લોકો તથા ઓપરેશન્સની સલામતી વધારવા સ્ટાફની સંખ્યા ૩,૫૦૦ કરવા માગે છે. ફેસિયલ રેક્ગનિશન ટેકનોલોજી આધુનિક બની છે ત્યારે બનાવટી ઓળખ સર્જનના સાધનો મુશ્કેલ બની ગયાં છે.

• આઈસલેન્ડ દેશ અને રીટેઈલર વચ્ચે શીતયુદ્ધ

આઈસલેન્ડ દેશની સરકાર બ્રિટિશ ચેઈન રીટેઈલર આઈસલેન્ડ દ્વારા દેશની પેઢીઓને તેમના ટાઈટલ્સમાં ‘આઈસલેન્ડ’ શબ્દનો ઉપયોગ કરતા અટકાવે નહિ તેમ ઈચ્છે છે. આ મુદ્દે તેઓ બ્રિટિશ સુપરમાર્કેટ સામે કાનૂની દાવો માંડવા વિચારે છે. આઈસલેન્ડની પાર્ટીઓ અને સરકાર સુપરમાર્કેટના યુરોપવ્યાપી ટ્રેડમાર્ક ‘આઈસલેન્ડ’ શબ્દવે રદ કરાવવા કાર્યવાહી કરશે. બ્રિટિશ સુપરમાર્કેટ ૪૬ વર્ષથી અસ્તિત્વમાં છે તેની સામે આઈસલેન્ડ દેશનું અસ્તિત્વ ૭૨ વર્ષથી છે. બ્રિટિશ ચેઈને આ શબ્દનો ઉપયોગ કરતી આઈસલેન્ડિક કંપનીઓ સામે માંડેલા દાવાઓમાં વિજય મેળવ્યો છે. આઈસલેન્ડ ફૂડ કંપની યુકેમાં ૮૦૦થી વધુ સ્ટોર્સ અને ૨૩,૦૦૦થી વધુનો સ્ટાફ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter