નોકરીની ઓફર સ્વીકારવા છતાં છેલ્લી ઘડીએ વધુ સારી ઓફર મળવાથી નોકરી પર નહિ જોડાનારા ગ્રેજ્યુએટ્સ સામે બ્લેકલિસ્ટ થવાનું જોખમ છે. કેટલાંક તો નોકરી શરૂ કરવાના આગલા દિવસે જ પીછેહઠ કરે છે. એમ્પ્લોયમેન્ટ બજારમાં આવા વર્તન સામે ચિંતા વ્યક્ત કરાઈ છે. એક વખત નોકરી સ્વીકાર્યા પછી નવી ઓફર્સ અને ઈન્ટર્વ્યૂનો ઈનકાર કરવાનો રહે તેવા નિયમોની માગણી રીક્રુટર્સ કરી રહ્યા છે. એમ્પ્લોયર્સ કહે છે કે એક વખત સ્ટુડન્ટ્સ ગ્રેજ્યુએટ જોબ લેખિતમાં સ્વીકારે તેને કરાર ગણી તે નોકરી સ્વીકારવાની ફરજ પડાવી જોઈએ.
• IVFથી સગર્ભાને અજાણ્યાના બાળકનું જોખમ
ફર્ટિલિટી ટ્રીટમેન્ટમાં સગર્ભા બનેલી મહિલાઓને અજાણ્યા લોકોનું બાળક મળે તેવું પણ જોખમ છે. ફર્ટિલિટી ટ્રીટમેન્ટમાં ભૂલથી ખોટી વ્યક્તિના શુક્રાણુના ઈન્જેક્શન આપી દેવાયાના દાખલા ડચ મેડિકલ સેન્ટરમાં જોવાં મળ્યા છે. એપ્રિલ ૨૦૧૫થી નવેમ્બર ૨૦૧૬ના ગાળામાં ૨૬ મહિલા ઉટ્રેચમાં યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન સારવાર હેઠળ હતી તેમને પ્રક્રિયામાં ભૂલના લીધે અસર થઈ હોવાની કબૂલાત થઈ છે.
• પોલીસમેને મેલ પ્રોસ્ટિટ્યૂટ હોવાની જાહેરાત આપી
સસેક્સના ૩૯ વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ ડેનિયલ મોસને એડલ્ટ વેબસાઈટ પર તે મેલ પ્રોસ્ટિટ્યૂટ હોવાની જાહેરાત આપ્યા પછી બરતરફ કરવામાં આવ્યો હતો. ઈસ્ટ સસેક્સના હેસ્ટિંગ્સમાં પોસ્ટિંગ ધરાવતો મોસ લાંબા સમય માટે માંદગીની રજા પર હતો ત્યારે તેણે પોતાની ગર્લફ્રેન્ડ સાથે ત્રિકોણીય સંબંધની સેક્સ્યુઅલ સર્વિસ આપવાની જાહેરાત આપી હતી. તેણે પ્રતિ કલાક ૨૧૦ પાઉન્ડ ચાર્જ કરાશે તેમ પણ જણાવ્યું હતું. મોસે જાહેર વિશ્વાસનો ભંગ અને ગંભીર ગેરવર્તન આચર્યું હોવાનું સુનાવણીમાં સ્થાપિત કરાયું હતું.
• ગરીબ શ્વેત બાળકો માટે યુનિવર્સિટી શિક્ષણ લગભગ અશક્ય
વંશીય લઘુમતી બાળકોની સરખામણીએ વ્હાઈટ વર્કિંગ ક્લાસના બાળકો માટે યુનિવર્સિટી શિક્ષણ લગભગ અશક્ય મનાય છે. ગરીબ શ્વેત બાળકોના પેરન્ટ્સ તેમના શિક્ષણ સાથે જોડાયેલા રહેતા ન હોવાથી આમ થાય છે. દસ ગરીબ શ્વેત બાળકોમાંથી એક બાળક યુનિવર્સિટી જાય છે તેની સરખામણીએ આવી જ આર્થિક પશ્ચાદભૂના ૧૦માંથી ત્રણ અશ્વેત કેરેબિયન્સ, ૧૦માંથી પાંચ બાંગલાદેશી અને ૧૦માંથી લગભગ સાત ચાઈનીઝ બાળક યુનિવર્સિટી જતા હોવાનું સરકારના સોશિયલ મોબિલિટી કમિશન રિપોર્ટમાં જણાવાયું છે.

