બ્રિટને યુરોપિયન યુનિયન છોડવાનો નિર્ણય લીધા પછી ૧૦,૬૪૭ લોકોએ ન્યુ ઝીલેન્ડનો પાસપોર્ટ મેળવવા અરજી કરી છે. ૨૩ જૂનના જનમત પછીના દિવસે જ રેસિડેન્સી માટે ૯૯૮ રજિસ્ટ્રેશન કરાયા હતા, જ્યારે અગાઉના દિવસે માત્ર ૧૦૯ વ્યક્તિએ આવી અરજી કરી હતી. એક વર્ષ અગાઉ, ૪,૫૯૯ લોકોએ ન્યુ ઝીલેન્ડમાં રેસિડેન્સી માટે અરજી કરી હતી. આયર્લેન્ડનો પાસપોર્ટ મેળવવા પણ ધસારો એટલો છે કે ત્યાંની સરકારે બ્રિટિશરોને પાસપોર્ટ માટે અરજી નહિ કરવા વિનંતી કરવી પડી છે.
• ડ્યૂક અને ડચેસ ઓફ નોર્ફોક વચ્ચે સમાધાન
ડ્યૂક અને ડચેસ ઓફ નોર્ફોક વચ્ચે સમાધાન થઈ જતાં તેઓ ફરી એક સાથે રહેવા લાગ્યાં છે. ડ્યૂક એડવર્ડ્સ અને ડચેસ જ્યોર્જિના ફિત્ઝાલાન હોવાર્ડના લગ્ન ૧૯૮૭માં થયાં પછી ૨૦૧૧માં ભંગાણ સર્જાયું હતું અને તેઓ વેસ્ટ સસેક્સમાં અરુન્ડેલ કેસલમાં જ અલગ અલગ ઈસ્ટ અને વેસ્ટ વિંગ્સમાં રહેતાં હતાં. જોકે, ગયા મહિને તેમના સૌથી મોટા પુત્ર હેન્રીના લગ્નના આયોજન દરમિયાન તેમના સંબંધોમાં સુધારો આવ્યો હતો. ક્વીન એલિઝાબેથ દ્વિતીયે પણ આ સમાધાન અંગે ભારે ખુશી દર્શાવી છે.
• યુનિવર્સિટીઓમાં મહિલાઓનો દબદબો
યુનિવર્સિટીમાં અભ્યાસ માટે તરુણોની સરખામણીએ તરુણીઓની સંખ્યા ત્રણ ગણી વધુ હોવાનું આંકડામાં જણાયું છે. ભવિષ્યની ચિંતા રાખીને ઉચ્ચ અભ્યાસ માટે યુનિવર્સિટીમાં પ્રવેશથી ખચકાતા તરુણોને કોઈ ભય ન રાખવા યુનિવર્સિટીઝ એન્ડ કોલેજીસ (UCAS)ના વડા મેરી કર્નોક કૂકે અનુરોધ કર્યો છે. GCSE અને A Levelમાં છોકરાઓ કરતાં છોકરીઓના રિઝલ્ટ ખૂબ સારા આવ્યા હતા. યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે યુવકોની સરખામણીએ વધુ ૯૦,૦૦૦ યુવતીએ અરજી કરી છે. રોહેમ્પ્ટન યુનિવર્સિટીમાં ૨૫ ટકા યુવકો સામે ૭૫ ટકા યુવતી, કિંગ્સ કોલેજ, લંડનમાં ૩૬ ટકાની સામે ૬૪ ટકા, લીડ્સમાં ૪૦ ટકા સામે ૬૦ ટકા અને એડિનબરા યુનિવર્સિટીમાં ૪૧ ટકા સામે ૫૯ ટકા યુવતીએ અરજી કરી છે.
• જામીન પર છૂટેલા ગુનેગારે માતા-પિતાની હત્યા કરી
બળાત્કારના ગુનામાં ૨૦૧૦માં થયેલી સજામાં સ્ટ્રીટ જામીન પર છૂટેલા ૩૦ વર્ષીય અશરફ અરમાનીએ નશાની હાલતમાં ૫૯ વર્ષીય માતા ઝોહરાની ગળું દબાવીને તથા ૭૨ વર્ષીય પિતા હસનની છૂરાના ઘા મારીને હત્યા કરી હતી. ગયા વર્ષે ૧૩ ફેબ્રુઆરીએ બનેલી આ ઘટનામાં તેણે પણ વેસ્ટબોર્ન પાર્કના તેના નિવાસસ્થાનેથી પડતું મૂકીને જીવનનો અંત આણ્યો હતો. આ ઘટનાના ત્રણ દિવસ અગાઉ એક વ્યક્તિને છૂરો બતાવીને ધમકી આપવા બદલ તેની ધરપકડ કરાઈ હતી. આ ઘટના બાદ કોરોનરે હોમ ઓફિસને ગુનેગારો માટે જામીનના નિયમો અંગે સ્પષ્ટતાની તાકીદ કરી છે.
• પ્લાસ્ટિકમાં કેમિકલને લીધે પુરુષોની પ્રજનનશક્તિ ઘટી
પુરુષોમાં શુક્રાણુની સંખ્યા ઘટવા પાછળ પ્લાસ્ટિક પેકિંગમાં અને પર્યાવરણમાં મળી આવેલા કેમિકલ્સ જવાબદાર હોવાનું વૈજ્ઞાનિકોનું માનવું છે. યુનિવર્સિટી ઓફ નોટિંગહામના વૈજ્ઞાનિકોને સંશોધનમાં જણાયું હતું કે કૂતરા પણ મનુષ્યો સાથે રહેતા હોવાથી તેમની પ્રજનનશકિતમાં પણ ૧૯૮૮થી અત્યાર સુધીમાં ૩૫ ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષના સંશોધનમાં જણાયું હતું કે ૧૯૪૦થી અત્યાર સુધીમાં પુરુષોમાં શુક્રાણુની સંખ્યામાં ૨૫ ટકા જેટલો ઘટાડો થયો છે. માત્ર ૨૫ ટકા યુવાનોમાં જ શુક્રાણુનું પ્રમાણ યોગ્ય છે. જોકે, આ ઘટાડાના કારણ વિશે તેઓ ચોક્કસ નથી.

