ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજે તેમના ત્રીજા સંતાનના આગમનના વધામણા આપ્યાં છે પરંતુ બ્રિટિશ પરિવારોમાં ત્રણ સંતાનનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ૯૦ના દાયકા પછી પરિવારદીઠ બાળકોની સરેરાશ સંખ્યામાં ઘટાડો જોવાં મળી રહ્યો છે પરંતુ, છેલ્લાં પાંચ વર્ષમાં મોટા પરિવારનું વલણ અને ચલણ વધી રહ્યું છે. ૨૦૧૬માં ત્રણ અથવા વધુ આશ્રિત બાળક ધરાવતા પરિવારોની સંખ્યા૧.૧૮ મિલિયને પહોંચી હતી, જે ૨૦૦૩ પછી સર્વોચ્ચ છે જ્યારે આ સંખ્યા ૧.૨ મિલિયનથી વધુ હતી. ત્રણ જ બાળક ધરાવતા પરિવારોની સંખ્યા ૨૦૧૫માં ૮૮૩,૦૦૦ હતી, જે ૨૦૧૦માં ૮૮૪,૦૦૦ હતી.
• પત્નીથી ઓછું કમાતા પતિને વહેલા મૃત્યુનું જોખમ
જે પુરુષો પોતાની પત્નીથી ઓછું કમાતા હોય તેમને હૃદયરોગ, સ્ટ્રોક અને ડાયાબીટીસથી વહેલા મૃત્યુનું જોખમ હોવાનું ન્યુ જર્સીની રુટગર્સ યુનિવર્સિટીના એક અભ્યાસમાં જણાવાયું છે. ઘરમાં આરામ ફરમાવી પત્નીની કમાણીનો લાભ મેળવવાનું કદાચ આકર્ષક લાગે પરંતુ, વાસ્તવિકતા એ છે કે આમ કરવાથી તણાવનું પ્રમાણ ઘણું વધી જાય છે, જે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ઘરના મુખ્ય બ્રેડવિનર એટલે કે જવાબદારીની પોઝિશન ગુમાવવાથી પુરુષોને માનસિક સ્વાસ્થ્યનું સંતુલન બગડે છે, જેની સીધી અસર તેમના શારીરિક આરોગ્યને થાય છે.
• ગેરકાયદે ઈસ્લામિક સ્કૂલ્સથી ત્રાસવાદનું જોખમ
એકલવાયી કોમ્યુનિટીઝ અને ગેરકાયદે ઈસ્લામિક સ્કૂલ્સ કટ્ટરવાદ અને ત્રાસવાદના ઉછેરની ભૂમિ હોવાની ચેતવણી મેટ્રોપોલીટન પોલીસના ત્રાસવાદવિરોધી વિભાગના વડા નીલ બાસુએ આપી છે. તેમણે કહ્યું હતું કે એજન્સીઓ ત્રાસવાદના ૬૦૦ પ્લોટ્સની તપાસ કરી રહી છે. યુકેમાં ત્રાસવાદના જોખમનો પ્રકાર બદલાયો છે અને આપણી વચ્ચે જ રહેલા કટ્ટરવાદીઓથી જોખમ વધ્યું છે.
• શાકાહારી કોર્બીન વેજન બનશે
લાંબા સમયથી શાકાહારી રહેલા લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને વેજન બનવાનો સંકેત આપ્યો છે.કોર્બીને જણાવ્યું હતું કે તેઓ ડાયેટ બદલવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. ઈંડા અને દૂધનો ઉપયોગ કરાતો ન હોય તેવી વાનગીઓમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. શાકાહારીઓ ભોજનમાં માંસ ખાતા નથી જ્યારે વેજન્સ ઈંડા અને ડેરી પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરતા નથી.
• વ્હાઈટ સુપ્રમિસ્ટની સજામાં ઘટાડો
શ્વેત સર્વોપરિતાની તરફેણ કરનારા ૨૩ વર્ષીય લોરેન્સ બર્ન્સની સજા કોર્ટ ઓફ અપીલે ઘટાડી છે. શ્વેત સ્ત્રી અને પુરુષોની આધુનિક લડાયક જાતિનું રક્ષણ કરવાની ઈચ્છા રાખતા બર્ન્સને ૨૦૧૬માં ટ્રાયલ પછી કેમ્બ્રિજ ક્રાઉન કોર્ટે જાતિય તિરસ્કારને ઉશ્કેરવાના આરોપસર ચાર વર્ષ જેલની સજા ફરમાવી હતી. જોકે, લંડનની કોર્ટ ઓફ અપીલના ત્રણ જજે સજા ઘટાડી અઢી વર્ષની કરી હતી. મૂળ જજે આરોપીની યુવાન વય અને નબળી શૈક્ષણિક પશ્ચાદભૂને ધ્યાનમાં લીધી નથી અને સજા વધુપડતી છે, તેમ કોર્ટ ઓફ અપીલે જણાવ્યું હતું.
• ૧૩ વર્ષીય બાળાનો અંગદાનનો વિક્રમ
૧૩ વર્ષની જેમિમા લેઝેલના અંગદાતા બનવાના નિર્ણયે આઠ વ્યક્તિનું જીવન બચાવ્યું હોવાનું હવે જાહેર કરાયું છે. NHSની સ્થાપના થઈ તે પછીએક જ અંગદાતાના લીધે આઠ વ્યક્તિનાં જીવન બચ્યાનો આ વિક્રમ છે. મૃત્યુના બે સપ્તાહ અગાઉ તો જેમિમાએ ઓર્ગન ડોનેશન વિશે કશું જ સાંભળ્યું ન હતું. તેનાં પારિવારિક મિત્રનું કાર અકસ્માતમાં મોત થયું ત્યારે તેણે અંગદાતા બનવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ ૨૦૧૨માં માતાની બર્થડે પાર્ટીની તૈયારી કરતાં તે અચાનક બેભાન બની હતી અને ચાર દિવસ પછી બ્રિસ્ટોલ રોયલ હોસ્પિટલ ફોર ચિલ્ડ્રનમાં તેનું મૃત્યુ થયું હતું.

