રેડ મીટ, સુગર, ફ્રેંચ ફ્રાઈસ અને ડેઝર્ટ જેવા પશ્ચિમી આહારના વધુ પડતા સેવનથી સંધિવા થવાનું જોખમ રહે છે. અમેરિકા અને કેનેડાના સંશોધકો દ્વારા ૪૦થી ૭૫ વચ્ચેની વયના ૪૪ હજાર પુરુષોના ૨૦ વર્ષના અભ્યાસમાં જણાયું હતું કે આ આહારના નાના કણ સાંધાની આસપાસ જમા થઈ જાય છે. જે લોકો ફળ અને શાકભાજી વધુ પ્રમાણમાં લેતા હતા તેમને સંધિવા થવાની શક્યતા ઓછી હતી.
• વૃદ્ધ પેરેન્ટ્સને વિખૂટા પાડવા અમાનવીય
દેશના સૌથી સિનિયર ફેમિલી જજ અને ફેમિલી કોર્ટના હેડ જેમ્સ મુન્બીએ જણાવ્યું હતું કે વૃદ્ધ દંપતીને કેર હોમ્સમાં અલગ રાખવા એ અમાનવીય વર્તન છે, કારણ કે દિલ તૂટવાથી લોકો મૃત્યુ પામે છે. તેમને અલગ પાડવાથી તેમની તબિયત ખૂબ ઝડપથી બગડે છે અને દંપતીને વિખૂટા પાડવાની ઘટના જવલ્લે જ બનતી હોય છે પરંતુ, તે આઘાતજનક છે.
• હિસ્ટ્રી ડિગ્રી કોર્સમાં અશ્વેતના ઈતિહાસનો સમાવેશ
બ્રિટિશ યુનિવર્સિટીમાં બર્મિંગહામ સિટી યુનિવર્સિટી આગામી સપ્ટેમ્બરથીઅશ્વેતોના ઈતિહાસ વિષયમાં પ્રથમ વખત ડિગ્રી અભ્યાસક્રમ શરૂ કરી રહી છે. એક પૂર્વ વિદ્યાર્થી મેલિસા ઓવુસુએ અભ્યાસક્રમને મુક્ત અને ઉદાર બનાવવા માટે કરેલા લોબીંગના પગલે અન્ડરગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સમાં આ વિષયનો સમાવેશ કરાયો છે.
• ઓનલાઈન ‘ગર્લફ્રેન્ડ્સ’ દ્વારા છેતરપિંડી
બનાવટી ઓનલાઈન ગર્લફ્રેન્ડ્સની માગણીઓ પૂરી કરવામાં પોતાના તમામ નાણાં ગુમાવી દેનારા ગ્રીમ્સબીના ૫૧ વર્ષીય ઈયાન ડોનીએ આત્મહત્યા કરી હતી. ૨૦૧૫થી શરૂ થયેલા આ સિલસિલામાં તેમની કથિત ગર્લફ્રેન્ડ યુકેની મુલાકાતે આવી શકે તે માટે તેમણે તેની પ્લેનની ટિકીટની રકમ ચૂકવી હતી. જોકે, પછી તેણે એક્સિડન્ટ થયો હોવાનું જણાવતા ડોની મેડિકલ બીલ ચૂકવવા પણ તૈયાર થયા હતા. આ ધૂતારાઓની માગણીઓ પૂરી કરવા માટે ઉધાર રકમ લીધા પછી નાણાંભીડમાં આવી જતાં તેમણે આ પગલું ભર્યું હતું.
• સ્ત્રીઓ સાથે અડપલા બદલ વિખ્યાત સર્જન દોષિત
હૃદય અને ફેફ્સાની સર્જરીમાં નવી પ્રક્રિયા શોધનારા અને નોર્થ લંડનમાં NHSની હેરફિલ્ડ હોસ્પિટલમાં ફરજ બજાવતા ૫૪ વર્ષીય આંતરરાષ્ટ્રીય વિખ્યાત સર્જન મોહમ્મદ અમરાનીને ૨૦૦૩ અને ૨૦૦૪માં એક મહિલાની છાતીને બે વખત સ્પર્શ કરવા અને ૨૦૧૪માં અન્ય મહિલા પર જાતીય હુમલો કરવા માટે ઓલ્ડ બેઈલી કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. અમરાનીની ગણતરી શ્રેષ્ઠ સર્જનોમાં થાય છે. તેમણે ૧૫૦ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તથા ૨૦૦ લંગ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે.

