• પુરુષોના શિરે રાત્રે બાળોતિયાં બદલાવવાની જવાબદારી

Saturday 19th March 2016 06:48 EDT
 

સ્ત્રીઓની સરખામણીએ રાત્રે બાળકોનાં બાળોતિયાં બદલવાનું કામ પુરુષોના હિસ્સામાં વધુ આવે છે. તેઓ આ કામ માટે રાત્રે વધુ વખત ઉઠતા હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. નવાસવા પિતા બનેલા ૧૦માંથી સાત પિતા રાત્રે બાળોતિયાં બદલવાની કામગીરી સંભાળી લે છે. આના પરિણામે, સ્ત્રીઓ વધુ નિદ્રા મેળવી શકે છે. ૫૪ ટકા પિતાની સરખામણીએ ૫૭ ટકા માતા રાત્રે સાત અથવા વધુ કલાકની નિદ્રા મેળવતી હોય છે. દિવસ દરમિયાન, ૫૯ ટકા માતાઓ તેમના નવજાત બાળકોને ચારથી છ વખત બાળોતિયાં બદલાવે છે તેની સામે ૪૧ ટકા પુરુષો દિવસે આવી કામગીરી સંભાળે છે

લેવેટરીના ઉપયોગના વિવાદમાં ટોરી ચેરમેનનું રાજીનામું

બ્રિટને ઈયુમાં રહેવું કે નહિ તે મુદ્દે ટોરી પાર્ટી વિભાજીત હોય તે માની શકાય તેવું છે, પરંતુ ગોસ્પોર્ટ, હેમ્પશાયરમાં ટોરી પાર્ટી લેવેટરીનો ઉપયોગ સ્ત્રી કે પુરુષે કરવો તેના વિવાદમાં સપડાઈ છે. નવા લેડીઝ ટોઈલેટનો ઉપયોગ કરતા પુરુષ કાઉન્સિલરને અટકાવી ન શકવા બદલ પાર્ટી ચેરમેન પીટર લોકીરે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. કાઉન્સિલર એલાન સ્કાર્ડે ‘લેડીઝ ઓન્લી’ની નિશાની અવગણીને અન્ય સ્ટાફના વિરોધ છતાં ટોઈલેટનો ઉપયોગ કર્યો હતો.

• બિલિયોનેર વફિક સઈદ બ્લેક લિસ્ટેડ

ટોરી સમર્થક, શસ્ત્રોના પૂર્વ સોદાગર અને બિલિયોનેર વફિક સઈદને બાર્કલેઝ બેન્કે બ્લેક લિસ્ટ કર્યા છે. આ બિલિયોનેરને પોતાના ક્લાયન્ટ તરીકે ઈચ્છતી ન હોવાનું બેન્કે સ્પષ્ટ કરી દીધું હતું. બેન્કે તેમની ચેરિટી સઈદ ફાઉન્ડેશનને પણ આવી જ ચેતવણી આપી ત્રણ મહિનામાં અન્ય બેન્કર શોધી લેવા જણાવ્યું છે. દેશના મનીલોન્ડરિંગ નિયમોને ધ્યાનમાં રાખી બેન્કે બિલિયોનેર વફિક સઈદને પોતાની સેવા નહિ આપવા નિર્ણય લીધો હતો.

• મુસ્લિમ કન્વર્ટે બાળકોને રસી ન અપાવી

કિશોરાવસ્થામાં ઈસ્લામ ધર્મ અપનાવનારી વેલ્શ મહિલાએ તેના બાળકોને રોગપ્રતિરોધક રસી અપાવવા સ્પષ્ટ ઈન્કાર કર્યો હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરાઈ હતા. આ મહિલાની માન્યતા એવી છે કે રસીમાં પોર્કનો ઉપયોગ કરાય છે. ફેમિલી કોર્ટના જજ કેરોલ એટકિન્સને માતા બાળઉછેર કરવા અશક્ત હોવાનું જણાવી બાળકોનો ઉછેર સોમાલિયામાં જન્મેલા અને બ્રિટનમાં ઉછરેલા પિતાને સોંપવા ચુકાદો આપ્યો છે. માતાએ કોર્ટ દ્વારા નિયુક્ત સાઈકિયાટ્રિસ્ટ મુસ્લિમ નહિ હોવાથી તેમના દ્વારા મૂલ્યાંકન કરાવવા ઈનકાર કર્યો હતો.

• બેન નેવિસ પર્વતની ઊંચાઈ વધી

બ્રિટનના સૌથી ઊંચા પર્વત બેન નેવિસની ઊંચાઈમાં ગત ૬૭ વર્ષમાં એક મીટરનો વધારો થયો છે. નવી ગણતરી અનુસાર આ પર્વતની ઊંચાઈ ૧,૩૪૫ મીટર (૪,૪૧૩ ફીટ)ની છે. જોકે, ઊંચાઈ વધવા પાછળ કોઈ ભૌગોલિક પરિબળો કારણભૂત નથી. ભારે ચોકસાઈ ધરાવતી માપનની નવી ટેકનોલોજીના કારણે જ નવી ઊંચાઈ મેળવી શકાઈ હતી.

• ભીખારીઓની પણ મોટી આવક

ગ્લોસ્ટરશાયરની પોલીસે ૧૩ ભીખારીના જૂથની ઓળખ કરી છે, જેમની દરેકની વાર્ષિક આવક ૪૦,૦૦૦ પાઉન્ડ જેટલી હોવાની શંકા છે. આમાંથી આઠ ભીખારી ગ્લોસ્ટરમાં અને પાંચ ભીખારી સ્ટ્રાઉડમાં કાર્યરત છે અને તેમની દૈનિક કમાણી આશરે ૧૨૦ પાઉન્ડ હોવાનું કહેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter