• પૂરતી સજા ન કરવા બદલ જજ સામે તપાસ

Wednesday 04th October 2017 07:02 EDT
 

પોતાના બોયફ્રેન્ડ થોમસ ફેરક્લોને સાથળ પર બ્રેડ નાઈફ મારનારી ઓક્સફર્ડની ૨૪ વર્ષીય વિદ્યાર્થિની લેવિનિયા વુડવર્ડને તેના માટે જેલની સજા યોગ્ય ન હોવાનું કહીને તેને જેલમાં ન મોકલી આપનારા ઓક્સફર્ડ ક્રાઉન કોર્ટના જજ ઈયાન પ્રિંગલ QC વિરુદ્ધ જ્યુડિશિયલ કન્ડક્ટ ઈન્વેસ્ટિગેશન્સ ઓફિસ દ્વારા તપાસ થશે. જજ પ્રિંગલે વુડવર્ડને ૧૦ મહિનાની જેલની સજા ફરમાવી હતી જે ૧૮ મહિના માટે સસ્પેન્ડ રખાઈ હતી.

• ગધેડાએ કારને ગાજર સમજીને ખાવાનો પ્રયાસ કર્યો 

જર્મનીના હેસીમાં ગયા વર્ષે ૧૫ સપ્ટેમ્બરે એક ભારે રમૂજી કિસ્સો બન્યો. ફિટુસ નામનો ગધેડો ઉભો હતો અને તેની નજીકમાં જ ઓરેન્જ કલરની સુપરકાર પાર્ક કરેલી હતી. ગધેડાએ કારને ગાજર સમજીને ખાવાનો પ્રયાસ કર્યો હતો. તે પ્રયાસમાં તેણે કારના પાછળના ભાગે નુક્સાન પહોંચાડ્યું હતું. કોર્ટે તેના માલિકને મેક લારેન કારના ચાલકને ૫,૮૦૦ યુરો (૫૦૦૦ પાઉન્ડ) ડેમેજીસ પેટે ચૂકવી આપવા આદેશ કર્યો હતો.

માર્ગો પર થતાં મૃત્યુને ફોનના ઉપયોગ સાથે સંબંધ

બ્રિટનના માર્ગો પર લોકોના મૃત્યુની સંખ્યા ગયા વર્ષે પાંચ વર્ષમાં સૌથી વધુ ૧૭૯૨ પર પહોંચતા ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલના ઉપયોગ વિશે ચિંતા વધી હતી. ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટ દ્વારા પ્રકાશિત આ સંખ્યા ગયા વર્ષ કરતા ૪ ટકા અને ૨૦૧૧થી સૌથી વધુ છે. રાહદારીઓના મૃત્યુની સંખ્યા ૧૦ ટકા વધીને ૪૪૮ પર પહોંચી હતી. ૨૦૧૬માં ડ્રાઈવર ફોન પર વાત કરતો હોય ત્યારે થયેલા અકસ્માતોમાં ૩૫ લોકોના મૃત્યુ થયા હતા.

• ગ્રેનફેલ ટાવરના ફોટા લેવા ટુરિસ્ટ્સ રોકાયા 

ડિઝાસ્ટર ટુરિઝમ ગણી શકાય તેવા એક કિસ્સામાં ચીની ટુરિસ્ટ્સ સાથેની એક બસ ગયા જૂનમાં આગમાં ખાક થઈ ગયેલા ગ્રેનફેલ ટાવરથી થોડાક અંતરે રોકાઈ હતી. ટુરિસ્ટોએ ટાવરના ફોટા પાડ્યા હતા. ફોટા લેવા માટે આ અનધિકૃત સ્થળે રોકાણ બદલ ચાઈનીઝ ટુર ગાઈડને તેના દેશ પરત મોકલી દેવાયો હતો અને કોચના ડ્રાઈવરને સસ્પેન્ડ કરાયો હતો.

• NHS દ્વારા બ્રેસ્ટ કેન્સરની દવા આપવાનો ઈન્કાર 

NHS ના વિખવાદને લીધે દેશના ૮૦ ટકા વિસ્તારોમાં બ્રેસ્ટ કેન્સરની હજારો મહિલા દર્દીઓને દિવસની માત્ર ૪૩ પેન્સમાં પડતી બિસફોસ્ફોનેટ દવા આપવાનો ઈન્કાર કરાય છે. તેનો વિરોધ કરી રહેલા કેમ્પેઈનરો NHSના વડાઓ પર ફરજચૂકનો આક્ષેપ કરી રહ્યા છે. આ દવાના ઉપયોગથી આ કેન્સરના ૧૦ દર્દીમાંથી એકનું જીવન બચાવી શકાય છે અને દર વર્ષે NHSના પાંચ મિલિયન પાઉન્ડ બચી શકે છે. આ દવાના ઉપયોગથી દર વર્ષે આ કેન્સરથી થતાં ૧૧,૦૦૦માંથી ૧,૦૦૦ મૃત્યુ અટકાવી શકાય.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter