કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ નેતા ૭૫ વર્ષીય માઈકલ હોવાર્ડને સ્પીડિંગ ટિકિટ બાબતે ૯૦૦ પાઉન્ડ દંડ સહિત ૧૬૧૫ પાઉન્ડ ચુકવવા આદેશ કરાયો હતો. આ ઉપરાંત, તેમના લાયસન્સ પર છ પેનલ્ટી પોઈન્ટ અપાયા હતા. તેઓ આ ચુકાદા સામે અપીલ કરવા માગે છે. સ્પીડ કેમેરામાં ઝડપાયેલી તેમની કાર કોણ ચલાવતું હતું તેનો જવાબ હોવાર્ડ આપી શક્યા ન હતા. પૂર્વ હોમ સેક્રેટરી લોર્ડ હોવાર્ડ અને તેમના પત્ની સાન્ડ્રાએ દાવો કર્યો હતો કે ગત ૨૪ જાન્યુઆરીએ સાઉથ-ઈસ્ટ લંડનના લેવિશામમાંથી તેમના બેમાંથી કોઈ એક કાર ચલાવતું હશે.
• પડોશીઓને હેરાન કરતા ભાઈઓ પર નિયંત્રણો
પસાર થતાં વાહનો પર ગોફણથી પથ્થર મારવા, પડોશીઓની હેરાનગતિ તેમજ પ્રાણીઓની હત્યા સહિતના મુદ્દે પડાશીઓ, પોલીસ અને બિઝનેસીસ દ્વારા ફરિયાદના પગલે ત્રણ ભાઈઓ વિરુદ્ધ નિયંત્રણો જાહેર કરાયા હતા. સ્લાઉ હરો કાઉન્સિલની કાર્યવાહીના પગલે બર્કશાયરની મેઈડનહીડ યુથ કોર્ટે કરુણો વિરુદ્ધ ૧૨ મહિનાના નિયંત્રણો જારી કર્યા હતા. આ છોકરાઓ રાત્રે નવથી સવારના છ વચ્ચે કોઈ જવાહદાર પુખ્ત વ્યક્તિની હાજરી વિના ઘરની બહાર નીકળી શકશે નહિ, અપશબ્દની કે ધમકીની ભાષામાં બોલી શકશે નહિ કે ગોફણ સહિતના શસ્ત્રો રાખી શકશે નહિ.
• આયુમર્યાદા અને નબળા આરોગ્યના વર્ષો વધ્યાં
પુરુષ અને સ્ત્રીઓ માટે આયુષ્ય મર્યાદામાં થોડો વધારો થવાની સાથોસાથ નબળાં આરોગ્યના વર્ષો પણ વધ્યાં છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના તાજા આંકડા મુજબ ૨૦૦૯-૧૧માં જન્મેલા પુરુષ બાળકની ૭૮.૫ વર્ષ આયુમર્યાદાની સરખામણીએ ૨૦૧૩-૧૫માં જન્મેલું પુરુષ બાળક ૭૯.૨ વર્ષ જીવવાની અપેક્ષા રાખી શકે છે. છોકરીઓ માટે આયુમર્યાદા ૮૨.૫ વર્ષથી વધીને ૮૨.૯ વર્ષ થઈ છે. સમગ્ર જીવન દરમિયાન સ્ત્રીઓએ ૧૯ વર્ષ અને પુરુષોએ ૧૬.૧ વર્ષ નબળું આરોગ્ય સહન કરવુ પડે તેમ છે.
• મેથ્સ લીગ ટેબલમાં સિંગાપોર પ્રથમ
ધ ટ્રેન્ડ્સ ઈન ઈન્ટરનેશનલ મેથેમેટિક્સ એન્ડ સાયન્સ સ્ટડી (Timss)ના લીગ ટેબલ્સમાં ટચુકડા સિંગાપોર સિટી દેશે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. શાંઘાઈ, હોંગકોંગ, કોરિયા, તાઈવાન અને જાપાનના બાળકોનું પ્રદર્શન પણ સારું રહ્યું હતું. ઈસ્ટ એશિયાના બાળકોએ ગણિત અને વિજ્ઞાનમાં પ્રભુત્વ જાળવી રાખ્યું હતું, જ્યારે ઈંગ્લેન્ડના ૧૦ અને ૧૪ વર્ષના બાળકોએ આપેલી મેથ્સની પરીક્ષામાં ૨૦૧૧ની સરખામણીએ ૨૦૧૫ના સ્કોર સુધાર્યા હતા. ઈંગ્લેન્ડ કરતા નોર્ધર્ન આયર્લેન્ડના ૧૦ વર્ષીય બાળકોનો દેખાવ વધુ સારો રહ્યો હતો.
• ઉચ્ચ મહિલા પોલીસ અધિકારીનું ગેરવર્તન
ગ્રેટર માન્ચેસ્ટર પોલીસની મહિલા અધિકારી સારાહ જેક્સને ઉપરી મહિલા અધિકારી રેબેકા સટક્લિફની કનડગતના કારણે નોકરી છોડી હોવાનો દાવો તેની મિત્રે કર્યો હતો. જેક્સનની વિશ્વસનીયતા શૂન્ય હોવાનો દાવો કરવા સાથે રેબેકાએ જાહેરમાં પોતાના સ્તન દર્શાવ્યાં હતા. આ ગેરવર્તન બદલ તેને દોષિત ઠરાવાઈ હતી પરંતુ, નોકરીમાંથી દૂર કરાઈ નથી. સારાહ જેક્સને વજન ઘટાડવા પછી કરેક્ટિવ બ્રેસ્ટ સર્જરી કરાવી હતી. ગત મે મહિનામાં સીનિયર વિમેન ઈન પોલીસિંગ કોન્ફરન્સમાં શરાબની અસર હેટળ સટક્લિફે જુનિયર અધિકારી વિરુદ્ધ બખાળાં કાઢ્યાં હતાં.

