મે મહિનાની સામાન્ય ચૂંટણીમાં પરાજિત પૂર્વ સાંસદો હવે દુઃખી થઈ રહ્યા છે. પૂર્વ લિબરલ ડેમોક્રેટ બિઝનેસ સેક્રેટરી વિન્સ કેબલે ઈમેઈલ મોકલવાનું શીખવું પડ્યું છે. પહેલા તેમની પાસે કામ કરનારી ફોજ હતી, હવે તેમણે જાતે પત્રો લખવા-મોકલવાનું કામ કરવું પડે છે. બીજા એક સાંસદે મહાનુભાવમાંથી સામાન્ય વ્યક્તિ બની જવાનું વર્ણન કર્યું હતું. માત્ર ૪૧ વોટથી ચૂંટણી હારી જનારા અને ૨૫ વર્ષથી હોદ્દાઓ પર ચૂંટાતા પૂર્વ લેબર સાંસદ ક્રિસ વિલિયમસને કહ્યું હતું કે પરાજયના સમાચારથી તેમની આંખો સામે કાળા વાદળ છવાઈ ગયા હતા.
• લગ્ન માટે કોઈ વય નડતી નથી
એકબીજાને સમર્પિત અને ઉંમરનો ૧૮૭ વર્ષનો સરવાળો ધરાવતા દંપતીએ લગ્નની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા છે. બિલ ગ્રિફિથ્સ (૯૧) અને ફ્લો માર્શલસે (૯૬) છેલ્લા ૧૦ વર્ષથી સાથે રહેતાં હતાં. બે દાયકાથી એકબીજાને જાણતા બિલ અને ફ્લો ૧૬ જાન્યુઆરીએ ૪૦ મહેમાનોની સાક્ષીએ વેસ્ટ મિડલેન્ડ્સના સ્મેથવિકમાં સેન્ટ હિલ્ડાઝ પેરિશ ચર્ચમાં લગ્નની ગાંઠે બંધાશે. ફ્લો માર્શલસેના પતિનું ૧૯૮૨માં કેન્સરથી મૃત્યુ થયું હતું, જ્યારે બિલના પત્ની ૧૯૯૭માં મૃત્યું પામ્યાં હતાં.
• ગરીબ-અશિક્ષિતોના હોર્મોન્સ પણ ‘ગરીબ’
ગરીબ અને અશિક્ષિત લોકોના હોર્મોન્સનું લેવલ સમૃદ્ધ લોકોની સરખામણીએ વધુ ગરીબ હોય છે. સહિતો અને વંચિતોના હોર્મોન્સ લેવલ તેમના આરોગ્યની અસમતુલા પણ સમજાવે છે. નવા અભ્યાસના તારણો અનુસાર ગરીબીમાં ઉછરેલા લોકો વહેલા ઘરડાં થાય, તેઓને રોગ થવાનું વધુ જોખમ રહે અને વહેલા મૃત્યુ પામે છે. ધનવાનોની સરખામણીએ ગરીબો જૈવિક દૃષ્ટિએ વૃદ્ધ હોય છે. સૌથી ગરીબ વિસ્તારોમાં રહેતા લોકો કરતા ધનવાનો આઠ વર્ષ વધુ જીવતા હોવાનું પણ અભ્યાસે જણાવ્યું હતું.
• માતાપિતા સાથે ઉછરેલાં બાળકો વધુ સ્વસ્થ
યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા મહત્ત્વપૂર્ણ અભ્યાસે જણાવ્યું છે કે સિંગલ પેરન્ટ્સ અથવા ઓરમાન પરિવારોમાં ઉછરેલાં બાળકો વર્તણૂકની વિકૃતિઓ અને હાઈપરએક્ટિવિટીથી પીડાવાની વધુ શક્યતા છે. ૧૦,૦૦૦થી વધુ બાળકો પર કરાયેલા અભ્યાસમાં જણાયું હતું કે કુદરતી માતાપિતા દ્વારા ઉછરાયેલા બાળકો તીવ્ર લાગણીકીય અને વર્તણૂકની સમસ્યાઓથી ઓછાં પીડાય છે. તેમના ઉછેરના આધારે તેમના સ્વાસ્થ્યમાં ભારે તફાવત હોવાનું તારણોએ દર્શાવ્યું હતું.
• મેરેજ સર્ટિફિકેટ્સમાં માતાનું નામ નહિ લખાય
મેરેજ સર્ટિફિકેટ્સમાં માતાનાં નામ લખવાની દરખાસ્ત સરકારે ફગાવી દીધી છે. હોમ ઓફિસ મિનિસ્ટર રિચાર્ડ હેરિંગ્ટને કહ્યું હતું કે પરિવારના વિવિધ સંજોગો સાથે આ દરખાસ્ત સુસંગત જણાતી નથી. હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા મંજૂરીના પગલે સજાતીય લગ્નો કાયદેસર બનવાના છે ત્યારે મેરેજ સર્ટિફિકેટ્સમાં માતાનું નામ લખવાની બાબત સજાતીય યુગલો માટે વાજબી નહિ ગણાય. અત્યારે વર અને વધૂના પિતાનું નામ જ લખવામાં આવે છે. જોકે, લાખો લોકોએ ઓનલાઈન પિટિશનમાં સમર્થન આપ્યાના પગલે સાંસદો માતાનું નામ લખવાના કાયદાની દરખાસ્ત લાવી રહ્યા છે.
• યહુદી-મુસ્લિમો વિરુદ્ધ હેટ ક્રાઈમ વધ્યા
ગયા વર્ષમાં લંડનમાં હુમલા, હેરાનગતિ અને ગુનાહિત નુકસાન સહિતના યહુદીવિરોધી અને ઈસ્લામોફોબિક ગુનાઓમાં ૬૦ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. પોલીસના આંકડા અનુસાર નવેમ્બર સુધીના ૧૨ મહિનામાં યહુદીવિરોધી પ્રકારની ૪૮૩ ઘટનાઓનો સામનો કરાયો હતો, જે ૨૦૧૪ના આ જ સમયગાળાની ૨૯૯ ઘટનામાં ૬૧.૫ ટકાનો વધારો સૂચવે છે. આ જ પ્રકારે ૨૦૧૪માં ૪૯૯ ઈસ્લામવિરોધી ઘટનાઓ સામે ૨૦૧૫માં ૮૧૮ ઘટના નોંધાઈ હતી, જે ૬૩.૯ ટકાનો વધારો સૂચવે છે.
• ચેરિટીઝ સામે ઈસ્લામિક સ્ટેટનું જોખમ
સરકારી વોચડોગ ચેરિટી કમિશને ચેતવણી આપી છે કે ઉગ્રવાદીઓ અને ત્રાસવાદી જૂથો દ્વારા ચેરિટીઝ સામેનું જોખમ વધી રહ્યું છે. બ્રિટનમાં હિંસાને ઉત્તેજન, જેહાદ માટે યુવાનોની ભરતી અને ત્રાસવાદને પ્રોત્સાહન આપવા નાણાની ચોરી કરવા ઉગ્રવાદીઓ મુસ્લિમ ચેરિટીઓમાં ઘૂસણખોરી રહ્યા છે. કમિશને એવી ચેતવણી આપી હતી કે સીરિયા અને ઈરાકના યુદ્ધમાં પીડિતોને મદદ કરવા ત્યાં ગયેલા કેટલાક સહાય વર્કરોની ભરતી ત્રાસવાદી જૂથોએ કરી હતી. ઘણી ચેરિટીઝના માલસામાન ચોરાયા હતા અને તેમના સ્ટાફનું અપહરણ પણ કરાયું હતું.

