• પેન્શનરોને ખોટી રીતે વેચાયેલી એન્યુઈટીઝનું વળતર

Wednesday 26th October 2016 06:38 EDT
 

બીમાર રહેતા એક લાખ કરતાં વધુ પેન્શનરોને ખોટી રીતે વેચાયેલી એન્યુઈટીઝ અંગે હવે સુધારેલી સત્તાવાર યોજના હેઠળ વળતર આપવામાં આવશે. સીટી વોચડોગ્સ દ્વારા અમલી યોજના અંતર્ગત આરોગ્ય સંબંધિત તકલીફોથી પીડાતા જે બચતકારોને રિટાયર થયા પછી નોંધપાત્ર આવક મળી નથી તેમને £૫૦૦થી વધુની રકમ વળતર તરીકે ચૂકવવામાં આવશે.

• NHS ફંડમાં કાપથી ઘણી ફાર્મસી બંધ થશે

NHSને આર્થિક સહાયમાં કાપ મૂકવાની સરકારની યોજનાથી લંડનમાં દર ત્રણમાંથી એક ફાર્મસી બંધ થશે. મિનિસ્ટર્સ NHSના ખર્ચમાંથી £ ૨૨ બિલિયન બચાવવા માગે છે અને તે અંગેનો નિર્ણય થોડા દિવસમાં જ લેવાય તેવી શક્યતા છે. નેશનલ ફાર્મસી એસોસિયેશન અનુસાર આ નિર્ણયથી લંડનની ૨,૫૦૦ ફાર્મસીમાંથી ૭૫૦ ફાર્મસી ફરજિયાતપણે બંધ થાય તેવી શક્યતા છે.

• વૃદ્ધ દર્દીઓને બિનજરૂરી દવાઓથી જોખમ

વૃદ્ધ દર્દીઓને આવશ્યક ન હોય તેવી દવા પ્રીસ્ક્રાઈબ કરવાથી તેમના સ્વાસ્થ્યને બિનજરૂરી જોખમ ઉભું થવાની શક્યતા NHSના એક અભ્યાસમાં જણાવાઈ છે. NHSક્રોયડનમાં ૭૫થી વધુ વયના ૧,૮૦૦ દર્દીઓના અભ્યાસમાં જણાયું હતું કે સરેરાશ દરેક દર્દીને છ અલગ જાતની મેડિસિન અપાતી હતી. જોકે, પુનઃસમીક્ષા કરાયા પછી તેમાંથી ઘણી દવા માટેના પ્રિસ્ક્રીપ્શન્સ કેન્સલ કરાયા હતા કારણ કે કેટલીક દવાઓ અસરકારક ન હતી અને કેટલીક દવાથી પેશન્ટને આડઅસર અથવા રિએક્શન થતાં હોવાથી બંધ કરાઈ હતી.

• ‘પૂપ બેગ્સ’ વિના ડોગને વોક પર લઈ જવાથી દંડ

હવેથી સ્વચ્છતા જાળવવા માટે ‘પૂપ બેગ્સ’ વગર પેટ ડોગને ચલાવવા લઈ જશો તો £૫૦થી £૧૦૦નો દંડ થશે. લિંકનશાયરની બોસ્ટન બરો કાઉન્સિલ પૂપ બેગ્સ વગર પાલતુ શ્વાનને ચલાવવા લઈ જતા લોકોને દંડ ફટકારવાની સત્તા આપતો કાયદો ઘડવા વિચારી રહી છે. આગામી ફેબ્રુઆરી, ૨૦૧૭માં અમલી બનનારા સૂચિત પબ્લિક સ્પેસ પ્રોટેક્શન ઓર્ડર હેઠળ £૫૦ દંડ થશે જે વધીને £૧૦૦ થઈ શકશે.

• મહિલાઓને કૃત્રિમ સ્વીટનર્સ ટાળવા ચેતવણી

IVF દ્વારા બાળકને જન્મ આપવાનો પ્રયાસ કરતી મહિલાઓએ રિફાઈન્ડ સુગર અને આર્ટિફિશીયલ સ્વીટનર્સનો ઉપયોગ ટાળવાની નિષ્ણાતોએ સલાહ આપી છે. એક વૈજ્ઞાનિક અભ્યાસમાં સૂચવાયું છે કે સ્વીટનર્સને લીધે અંડાણુને નુક્સાન થઈ શકે છે અને પ્રજનનશક્તિમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. આ પ્રકારના પ્રથમ અભ્યાસમાં નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પ્રોસેસ્ડ ફૂડ અને ડ્રિંકમાંના કેટલાક એડિટીવ્સને લીધે ગર્ભધારણ કરવાનું મુશ્કેલ બની શકે છે.

• સ્ટીવન વુલ્ફે UKIP છોડ્યો

UKIPના નવા નેતા બનવાની સ્પર્ધામાં રહેલા UKIPના મેમ્બર ઓફ યુરોપિયન પાર્લામેન્ટ (MEP) સ્ટીવન વુલ્ફ પોતે જ પક્ષમાંથી નીકળી ગયા છે. પક્ષમાં નાઈજેલ ફરાજ વિના સંચાલન કરવાનું અશક્ય હોવાનું તેમજ પક્ષની સ્થિતિ વણસતી જતી હોવાનું કારણ આપતા વુલ્ફે જણાવ્યું હતું કે સ્ટાર્સબર્ગની મીટિંગ વખતે પક્ષના સાથી માઈક હુકેમ સાથે થયેલી ઝપાઝપી બાદ પક્ષનું નેતૃત્વ કરવાની મહત્ત્વાકાંક્ષા પર તેમણે ફેરવિચાર કર્યો હતો. હુમલાને લીધે વુલ્ફને ત્રણ દિવસ હોસ્પિટલમાં પણ રહેવું પડ્યું હતું. વુલ્ફે દાવો કર્યો હતો કે મીટિંગમાં જાહેરમાં બોલાચાલી બાદ હુકેમે તેમના મોં પર મુક્કો માર્યો હતો. જોકે, હુકેમે ઝપાઝપી થઈ હોવાનું કબૂલ્યું હતું પરંતુ, મુક્કો માર્યાનો ઈનકાર કર્યો હતો.

• મુસ્લિમ નેતા પર વિસ્ફોટક રાખવાનો આરોપ

મૂળ જમૈકાના અને એક્ટનમાં રહેતા ૬૩ વર્ષીય મુસ્લિમ નેતા ખાલિદ રશાદ પર પોતાના ગાર્ડનમાં પ્લાસ્ટિક વિસ્ફોટક રાખવાનો આરોપ ઓલ્ડ બેઈલી કોર્ટમાં મૂકાયો હતો. તેણે MI5નો જાસૂસ હોવાનો ઈનકાર કરતા જણાવ્યું હતું કે આ વિસ્ફોટકો અન્ય કોઈએ ત્યાં મૂક્યા હતા. બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરના વેમ્બલી સ્ટેડિયમ નજીકના ગેરેજમાંથી ૨૨૬ ગ્રામ વિસ્ફોટક પદાર્થ, ૯ એમએમનો એક કારતૂસ અને ૮ એમએમના પાંચ રાઉન્ડ મળી આવ્યા હતા. રશાદે કોર્ટને જણાવ્યું હતું કે ૧૯૯૩માં ઈસ્લામ અંગીકાર કરીને પોતાનું નામ બદલ્યું હતું. MI5 એ ૨૦૧૨માં અને તે પછી તેને જાસૂસ બનવા કહ્યું હતું. પરંતુ, તેણે બન્ને વખત તેનો ઈનકાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter