NHSની હોસ્પિટલો દ્વારા પેશન્ટ્સનું ધ્યાન રાખી સલામતીમાં સુધારો લાવી શકાય તે માટે રિપ્લેસમેન્ટ હિપ્સ, સર્જિકલ ટૂલ્સ અને દવાઓ પર બારકોડના સ્ટેમ્પ લગાવાઈ રહ્યાં છે. ભૂલો ટાળવા માટે ૧૨ મિલિયન પાઉન્ડના અભિયાનમાં આ નવી ટેકનોલોજી દાખલ કરાઈ છે. પેશન્ટને દાખલ કરાય ત્યાંથી તેની સારવાર પૂર્ણ થવા સુધી બારકોડના ઉપયોગથી તેની મૂવમેન્ટ્સ પર ધ્યાન રાખી શકાશે.
• બ્રેક્ઝિટથી રોમાન્ટિક સંબંધોમાં તિરાડ
દેશમાં ભાગલા કરાવનાર બ્રેક્ઝિટ વોટ હવે રોમાન્ટિક સંબંધોમાં પણ તિરાડનું કારણ બની રહેલ છે. યુગલો કાઉન્સેલિંગ સેશન્સમાં બ્રેક્ઝિટનો મુદ્દો પણ ઉઠાવી રહ્યાં છે. રિલેટ ચેરિટી માટે કામ કરતા ૩૦૦ કાઉન્સેલર્સને તેમના ક્લાયન્ટ્સ દ્વારા ઈયુ રેફરન્ડમને તેમના સંબંધોમાં સમસ્યા તરીકે દર્શાવાયો હતો કે કેમ તે પ્રશ્ન કરાયો હતો. આશરે ૨૦ ટકાએ હકારમાં ઉત્તર આપ્યો હતો.
• હોસ્પિટલોમાં પથારીઓ રોકી રાખતા વૃદ્ધ પેશન્ટ્સ
NHS હોસ્પિટલોમાં પથારીઓ રોકી રાખનારા હજારો વયોવૃદ્ધ પેશન્ટ્સના કારણે સરકારને દર વર્ષે આશરે ૫૦૦ મિલિયન પાઉન્ડનો બોજો સહન કરવો પડે છે. ઘરમાં સારસંભાળની જરૂર ધરાવતા અથવા તેમના ડિસ્ચાર્જમાં મદદ નહિ મળવાથી વર્ષ ૨૦૧૦ પછી હોસ્પિટલોમાં રોકાઈ રહેતા પેશન્ટ્સની સંખ્યા બમણાથી વધુ થઈ હોવાનું NHS ઈંગ્લેન્ડનો ડેટા જણાવે છે.
• ડિમેન્શિયાગ્રસ્ત વૃદ્ધો સાથે સંબંધો જાળવો
ડિમેન્શિયાગ્રસ્ત વૃદ્ધ પરિવારજનો સાથે સંબંધો કાપી નહિ નાખવાની સલાહ અભિનેત્રી કારે મુલિગને આપી છે. વૃદ્ધ સંબંધીઓ ઓળખી ન શકે તો પણ તેમની મુલાકાત લેતા રહેવું જોઈએ તેમ જણાવી મુલિગને કહ્યું હતું કે તેમને એકલા સબડતા મૂકવા માટે ડિમેન્શિયા યોગ્ય બહાનુ નથી.

