ઈન્ટિગ્રિટી મેટર્સ નામના રિપોર્ટમાં જાતીય સંતોષ માટે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરતા પોલીસ અધિકારીઓની સંખ્યા રાષ્ટ્રીય સ્તરે વધી હોવાનું જણાવાયું છે.
છેક ૨૦૦૯થી પોલીસ વિરુદ્ધ ડ્રગ્સના સપ્લાય અને યૌનશોષણના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો હોવાનું જણાવતા રિપોર્ટમાં પોલીસ સેવામાં ભ્રષ્ટાચાર રોગચાળો બની ગયો હોવાના કોઈ પુરાવા ન હોવાનું જણાવાયું છે.
• ત્રાસવાદના ગુનાની શંકાએ કાર્ડિફનો પોસ્ટમેન સસ્પેન્ડઃ
કાર્ડિફમાં પેનાર્થ રોડ પરની સોર્ટિંગ ઓફિસના પોસ્ટમેન સાજિદ ઈદરીસને સંપૂર્ણ પગાર સાથે સસ્પેન્ડ કરી દેવાયો છે. ગત ડિસેમ્બરમાં અન્ય ચાર વ્યક્તિ સાથે ત્રાસવાદની શંકાએ તેની ધરપકડ થઈ હતી. પ્રતિબંધિત સંગઠનોને સમર્થન આપવા બદલ આ ધરપકડો કરાઈ હતી. ઈદરીસ અને અન્ય ત્રણને માર્ચ મહિના સુધી પોલીસ જામીન અપાયા છે.
• મોહમ્મદ સરવરનું પંજાબના ગવર્નરપદેથી રાજીનામુંઃ
ગ્લાસગો ગોવાન અને ગ્લાસગો સેન્ટ્રલ માટેના ૧૩ વર્ષ સુધી લેબર પાર્ટીના સાંસદ રહેલા ૬૨ વર્ષીય પૂર્વ સાંસદ મોહમ્મદ સરવરે પાકિસ્તાનના પંજાબના ગવર્નરના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. પીઢ રાજકારણી ૧૯૯૭માં બ્રિટનના સૌપ્રથમ મુસ્લિમ સાંસદ બન્યા હતા. પાકિસ્તાન સરકારની વિદેશનીતિ મુદ્દે વિવાદમાં આવ્યા પછી તેમણે પદત્યાગ કર્યો હતો. મોહમ્મદ સરવર પોતાના વતન પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર અને રાજદ્વારી નિષ્ફળતાઓના કારણે નિરાશ થઈ ૧૮ મહિના અગાઉ જ ધારણ કરેલા હોદ્દા પરથી રાજીનામું આપવા પ્રેરાયા હતા. તેમણે ૨૦૧૦માં બ્રિટિશ નાગરિકત્વ છોડ્યું હતું.
• લો સોસાયટી એથનિક માઈનોરિટી લોયર્સ ડિવિઝનનું લોન્ચિંગ
લો સોસાયટી એથનિક માઈનોરિટી લોયર્સ ડિવિઝનનું લોન્ચિંગ કરાઈ રહ્યું છે. ધ હિન્દુ લોયર્સ એસોસિયેશન વિવિધ ધાર્મિક પશ્ચાભૂ સાથેના ધારાશાસ્ત્રીઓના હિતોની રજૂઆત અને પ્રમોટ કરતી સંસ્થા લો સોસાયટી એથનિક માઈનોરિટી લોયર્સ ડિવિઝનનું સભ્ય બનવા સદભાગી છે. લો સોસાયટી ખાતે ૧૮ માર્ચે સ્ટીઅરિંગ ગ્રૂપની સત્તાવાર જાહેરાત કરાશે અને આ પ્રસંગે મહેમાન વક્તા તરીકે હાજર રહેવા બેરોનેસ વારસીએ સંમતિ આપી છે. લો સોસાયટી ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સના સભ્યો માટે આ ખુલ્લો અને નિઃશુલ્ક કાર્યક્રમ છે.