સ્ટ્રેટફોર્ડ-અપોન-એવનની ૩૪ વર્ષીય નતાશા પોલોકને ઈમરજન્સી સિઝેરિયન ઓપરેશન દરમ્યાન ૪૪ પીન્ટ બ્લડલોસ થતાં તેને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાયું, જે યુકેના સૌથી મોટા ટ્રાન્સફ્યુઝન્સ પૈકીનું એક છે. નતાશા હોસ્પિટલ પહોંચી ત્યારે તેને ખૂબ બ્લીડીંગ થતું હતું. ડોક્ટરોએ ગર્ભાશયમાંથી વહેતું લોહી અટકાવવાની તેમજ જઠરના ટીસ્યુનો ઉપયોગ કરીને બ્લેડરની રિકન્સ્ટ્રક્શન સર્જરી હાથ ધરી હતી. સર્જરી બાદ પોલોકને પુત્ર ઓલિવર જન્મ્યો જે ગર્ભધારણ કર્યાના ૩૨ અઠવાડિયે આવ્યો હતો.
• હેટન ગાર્ડન લૂંટના સૂત્રધારને છ વર્ષની કેદ
ઈંગ્લેન્ડના ગુનાના ઈતિહાસની સૌથી મોટી મનાતી હેટન ગાર્ડન જ્વેલરીની ૧૪ મિલિયન પાઉન્ડની લૂંટના માસ્ટરમાઈન્ડ બ્રાયન રીડરને છ વર્ષ અને ત્રણ મહિનાની કેદની સજા ફરમાવાઈ છે. કેન્ટના ડાર્ટફોર્ડનો ૭૭ વર્ષીય રીડર ગેંગનો સૌથી જૂનો સભ્ય છે. બેલ્માર્શ જેલમાં તેની તબિયત લથડી હતી. વીડિયો લિંક દ્વારા તે વુલવિચ ક્રાઉન કોર્ટ સમક્ષ હાજર થતાં તેને લૂંટનું કાવતરું ઘડવા માટે દોષિત ઠેરવાયો હતો.
• લેન્ડલાઈનનો વપરાશ નહિ તો ભાડું નહિ
બ્રોડબેન્ડ પેકેજીસનો ઉપયોગ દરમ્યાન લેન્ડલાઈન ફોનનો વપરાશ નહિ કરતાં મકાનમાલિકો પાસેથી તેનું ભાડું વસૂલ કરવા પર બ્રિટિશ ટેલિફોન્સ અને અન્ય ટેલિફોન્સ પ્રોવાઈડરોને મનાઈ ફરમાવાય તેવી શક્યતા છે. દર પાંચ પૈકી એક મકાનમાલિક ફિક્સ્ડ લાઈન કોલનો ઉપયોગ ન કરતાં હોવા છતાં તેમને લેન્ડલાઈન માટે દર મહિને ૨૫ પાઉન્ડ ભાડું ચૂકવવું પડે છે.
• હોગનને વધુ ૧૭ મિલિયન પાઉન્ડનું વળતર
ઓનલાઈન ગોસિપ અને ન્યૂઝ આઉટલેટ ‘ગોકર’ને વધુ એક આંચકા તરીકે જ્યૂરીએ હલ્ક હોગનને પ્યુનિટિવ ડેમેજિસ તરીકે ૧૭ મિલિયન પાઉન્ડ ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ અગાઉ, પૂર્વ પ્રોફેશનલ કુસ્તીબાજ હોગનની સેક્સ ટેપ પોસ્ટ કરવા બદલ ૧૧૫ મિલિયન પાઉન્ડ હોગનને ચૂકવવા ‘ગોકર’ને હુકમ કરાયો હતો. આ સાઈટના બ્રિટિશ સ્થાપક નિક ડેન્ટને હોગનને ૧૦ મિલિયન પાઉન્ડ ચૂકવવા પડશે.
• હુમલો કરવા મહિલાઓ દ્વારા સેન્ડલ્સનો ઉપયોગ
મહિલાઓ દ્વારા વપરાતા ‘સ્ટીલેટો હીલ્સ’ સેન્ડલ ગ્લેમર અને સેક્સ અપીલ સાથે સંકળાયેલા છે, પરંતુ અત્યારે તેનો હથિયાર તરીકે ઉપયોગ વધી ગયો છે. મહિલાઓ દ્વારા આ પ્રકારના હુમલાના સેંકડો કિસ્સાની પોલીસ તપાસ કરી રહી છે. ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ જાહેર આંકડા મુજબ ૨૦૧૩થી અત્યાર સુધીમાં સ્ટીલેટો હિલ્સના ઉપયોગથી ૧૫૦ જેટલા હિંસક હુમલા નોંધાયા છે. ઘણાં હુમલામાં તો ભોગ બનનારને ઘાના નિશાન આજીવન રહી જાય છે.
• પુત્રના ભાવિ અંગે મેડોના- રિચીને જજની ચેતવણી
હાઈકોર્ટના જજ મેકડોનાલ્ડે અમેરિકી ગાયિકા મેડોના અને રિચીને ચેતવણી આપી છે કે તેઓ તેમની પુત્રના ભવિષ્ય અંગેની કાનૂની લડાઈ ચાલુ જ રાખશે તો કોઈક કરુણ ઘટના સર્જાવાનું જોખમ છે. જજે ૧૫ વર્ષીય રોક્કોની સંભાળ બાબતે છૂટાછેડા લીધેલા દંપતીને સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો. રોક્કો ગયા વર્ષે લંડન આવ્યો તે પછી રિચી સાથે જ રહે છે.
• પુરુષોમાં વેરીકોઝ વેઈન્સની સર્જરી વધી
‘ગ્રાન્ડપા લેગ્સ’થી બચવા માટે શરીર પ્રત્યે સભાન રહેતા પુરુષોમાં વેરીકોઝ વેઈન્સ અથવા તો ફૂલી ગયેલી નસોને દૂર કરાવવાની સર્જરીનું પ્રમાણ વધ્યું છે. આ સર્જરીમાં નિષ્ણાત અને દસ વર્ષ અગાઉ શરૂ થયેલી સ્ટેટફોર્ડશાયરની વેઈનસેન્ટર કંપનીના સ્થાપક ડેવિડ વેસ્ટને આ વર્ષે કંપનીની આવકમાં ૫૦ ટકા વૃદ્ધિ થવાની આશા છે. ૨૦૧૫માં ૩૦ ટકાના વધારા સાથે કંપનીની કમાણી ૨.૫ મિલિયન પાઉન્ડ રહી હતી.
• ડાયાબિટીસ અટકાવવા પર્સનલ ટ્રેનરોની મદદ લેવાશે
ડાયાબિટીસનો સામનો કરવા માટે નેશનલ હેલ્થ સર્વિસીસની રાષ્ટ્રીય યોજના હેઠળ હજારો સ્થૂળ લોકોને પર્સનલ ટ્રેનર્સ અને એક્સરસાઈઝ ક્લાસીસની સુવિધા પૂરી પાડવામાં આવશે. ડાયાબિટીસનો ભોગ બનવાનું જોખમ ધરાવતા આશરે એક લાખ લોકોને ફેમિલી ડોક્ટર્સ દ્વારા તારવી લેવાયા છે. ડાયાબિટીસનું જોખમ ધરાવનારને વજન ઘટાડવાનો, શારિરીક કસરત અને ડાયેટનો ૩૨૦ પાઉન્ડનો કોર્સ ઓફર કરાશે.

