• પ્રિન્સ વિલિયમ ગે મેગેઝિનના આવરણ પર ચમકશે

Saturday 18th June 2016 05:17 EDT
 

ધ ડ્યૂક ઓફ કેમ્બ્રિજ ગે મેગેઝિન ધ એટિટ્યૂડના આવરણ પર ચમકનારા શાહી પરિવારના પ્રથમ સભ્ય બન્યા છે. મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર (LGBT+) સહિત લઘુમતી સેક્સ્યુઅલ જૂથોને સહન કરવી પડતી ધમકીઓ સામે અવાજ ઉઠાવ્યો છે. એટિટ્યૂડના જુલાઈમાં પ્રસિદ્ધ થનારા અંક માટે પ્રિન્સ વિલિયમે આ જૂથોના સભ્યોને કેન્સિંગ્ટન પેલેસ બોલાવ્યા હતા અને તેમની ફરિયાદો સાંભળી હતી. પ્રિન્સે કહ્યું હતું કે કોઈને પણ તેમની સેક્સ્યુઆલિટી અથવા અન્ય કારણોસર ધાકધમકીનો ભોગ બનવા દેવાય નહિ.

• તમામ ડ્રગનો ઉપયોગ કાયદેસર બનાવવા સલાહ

બ્રિટનના અગ્રણી જાહેર આરોગ્ય નિષ્ણાતોએ તમામ ડ્રગ્સના વપરાશને કાયદેસર બનાવવા સલાહ આપી છે. ડ્રગ્સ તરફની માનસિકતા ધરમૂળથી બદલવાની બ્સુપ્રિન્ટ તેમણે સૂચવી છે. રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ અને ફેકલ્ટી ઓફ પબ્લિક હેલ્થના નિષ્ણાતોએ કહ્યું હતું કે પ્રતિબંધિત ડ્રગ્સના વપરાશને ગેરકાનૂની બનાવવાનો કાયદો સફળ થયો નથી. હેરોઈન, ગાંજા અથવા કોકેઈનનું બંધાણ તમાકુ જેવું જ હોય છે. બંધાણને ગુનો ગણવાના બદલે આરોગ્ય સમસ્યા ગણવું જોઈએ.

• NHSને જંગી પેન્શનનો માર

NHS અને તેની હોસ્પિટલો નાણાકીય કટોકટીમાં છે ત્યારે વાર્ષિક ૫૦,૦૦૦ પાઉન્ડથી વધુના પેન્શન સાથે નિવૃત્ત થતા મેનેજર્સ અને ડોક્ટર્સની સંખ્યા પાંચ વર્ષમાં બમણી થઈ છે. સરકારી આંકડા અનુસાર પેન્શન યોજના પાછળ વાર્ષિક ખર્ચ ૧૦ બિલિયન પાઉન્ડ આવી શકે છે, જે NHSના સમગ્ર બજેટનો લગભગ દસમો હિસ્સો થાય છે. NHSબિઝનેસ સર્વિસીસ ઓથોરિટીના આંકડા મુજબ ઓછામાં ઓછાં ૫૦,૦૦૦ પાઉન્ડનું પેન્શન મેળવતા નિવૃત્ત સભ્યોની સંખ્યા ૧૬,૦૦૦થી વધુ છે. આ આંકડો ૨૦૦૯-૧૦માં ૬,૯૫૫ હતો, જે વધીને ૨૯૧૪માં ૧૪,૦૫૫ થયો હતો. ઓછામાં ઓછાં ૧૦૦,૦૦૦ પાઉન્ડનું પેન્શન મેળવતા સભ્યોની સંખ્યા ૪૦થી વધી ૧૯૦ થઈ છે.

• બેરોજગારીનો દર સૌથી નીચે પહોંચ્યો

બ્રિટનમાં એક દાયકાથી વધુ વર્ષમાં બેરોજગારીનો દર સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે. એપ્રિલ સુધીના ત્રિમાસિક ગાળામાં બેરોજગારોનો દર ૫.૧ ટકાથી ઘટી ૫ ટકાનો થયો છે, જે ઓક્ટોબર ૨૦૦૫ પછી સૌથી નીચો છે. બીજી તરફ, રોજગારી દર ૭૪.૨ ટકાની વિક્રમી ઊંચાઈએ ગયો છે. નવા આંકડાઓનો લાભ લેતા ચાન્સેલર ઓસ્બોર્ને તત્કાળ દાવો કર્યો હતો કે ઈયુ છોડવાનો નિર્ણય લેવાશે તો બેરોજગારીનો નીચો જતો દર જોખમમાં આવી પડશે.

• BHS કામદારોની પેન્શન સમસ્યા ઉકેલાશે

BHS ટાયકૂન સર ફિલિપ ગ્રીને સાંસદોની સમિતિ સમક્ષ જણાવ્યું છે કે તેઓ BHSના પતનથી કામદારોના પેન્શન્સમાં કાપની સમસ્યાના નિરાકરણ માટે કાર્ય કરી રહ્યા છે. પેન્શન યોજનાને બચાવવા રીટેઈલ બિલિયોનેર ૨૭૫ મિલિયન પાઉન્ડથી વધુ રકમ કંપનીમાં આપશે. સર ફિલિપે પૂર્વ નાદાર અને બીનઅનુભવી વ્યક્તિને માત્ર એક પાઉન્ડમાં ડિપાર્ટમેન્ટ સ્ટોરનું વેચાણ કર્યાના એક વર્ષ પછી એપ્રિલમાં તેની પડતી થઈ હતી. પરિણામે, ૧૧,૦૦૦ નોકરીઓ જોખમમાં મૂકાવા સાથે ૨૫૦ મિલિયન પાઉન્ડથી વધુ રકમની પેન્શન ખાઈ સર્જાઈ છે.

• સજાતીયોને ઊંચી ઈમારતો પરથી ફેંકી દેવાનું સૂચન

લૂટનમાં મોટા તંબુમાં મુસ્લિમ કટ્ટરવાદીઓ દ્વારા કરાયેલા સંબોધનોમાં સજાતીય લોકોને સૌથી ઊંચી ઈમારતો પરથી ફેંકી દેવાનું જણાવાયું હતું. ઓલ્ડ બેઈલી કોર્ટમાં જ્યુરી સમક્ષ અંડરકવર રેકોર્ડિંગ રજૂ કરવામાં આવ્યું હતું. નહિ ઓળખાયેલા વક્તાએ દર ઉનાળામાં લંડનમાં યોજાતી ગે પ્રાઈડ પરેડની પણ ટીકા કરી હતી. આ વક્તાનો ઉલ્લેખ વેસ્ટ લંડનના ‘મોહમ્મદ’ તરીકે કરાતો હતો. લુટનમાં એક ઘરના બગીચામાં લોકો સામે પ્રવચન કરાયું હતુ, જેના ઓડિયન્સમાં ઈસ્લામિક સ્ટેટને ટકો આપવાનો આક્ષેપ ધરાવતા પુરુષોનો પણ સમાવેશ થતો હોવાની રજૂઆત કરાઈ હતી.

• સર ક્લિફ રિચાર્ડ સામે વધુ કાર્યવાહી નહિ

સર ક્લિફ રિચાર્ડ સામે તપાસ પછી હવે વધુ કાર્યવાહી કરવામાં આવશે નહિ. બાળ યૌનશોષણના આક્ષેપો ધરાવતા ૭૫ વર્ષીય ગાયક સર ક્લિફ રિચાર્ડ સામે કામ ચલાવવા પૂરતા પુરાવા નહિ હોવાનું ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે જણાવ્યું છે. સાઉથ યોર્કશાયર પોલીસે ઓગસ્ટ ૨૦૧૪માં સર ક્લિફના બર્કશાયરના નિવાસે દરોડો પાડ્યો હતો. જોકે, તેમની ધરપકડ કરાઈ ન હતી કે આરોપો પણ મૂકાયા ન હતા. સર ક્લિફે કહ્યું હતું કે હું નિર્દોષ જ હોવાનું વારંવાર કહેતો આવ્યો છું, પરંતુ પોલીસને આ સમજવામાં આટલો સમય શાથી ગયો તે સમજાતું નથી.

• બ્રિટિશ મહિલાનું સરકાર ઉથલાવવાનું કાવતરું

બ્રિટિશ-ઈરાનિયન નાગરિકત્વ ધરાવતી નાઝનીન ઝાઘારી-રેટક્લીફ વિદેશી જાસૂસી નેટવર્ક ચલાવવા સાથે ઈરાન સરકારને ઉથલાવવાની કાવતરાંખોર હોવાનો આક્ષેપ ઈરાન દ્વારા લગાવાયો છે. લંડનની નાનઝીન બે વર્ષની પુત્રી ગેબ્રિએલા સાથે પેરન્ટ્સને મળવા ગઈ હતી. તે બ્રિટન પાછી આવતી હતી ત્યારે ત્રીજી એપ્રિલે તહેરાન એરપોર્ટ પર તેની ધરપકડ કરાઈ હતી. પતિ રિચાર્ડ રેટક્લિફને પત્ની અને પુત્રીને મળવા જાય તો તેની પણ ધરપકડ થવાનો ડર છે. પુત્રીથી દૂર કરાયેલી નાઝનીનને ઈરાની રાજધાનીથી ૬૦૦ માઈલ દૂર કેરમાન પ્રાંતમાં એકાંતવાસમાં રખાઈ છે.

• બ્રેક્ઝિટ છાવણીને કાનૂની દાવાનો ડર

બ્રિટનના જનરલ ઈલેક્ટ્રિક, યુનિલિવર અને એરબસ સહિતના મોટા એમ્પ્લોયર્સે બ્રેક્ઝિટની સત્તાવાર પ્રચાર પુસ્તિકામાં કંપનીના કોર્પોરેટ લોગો સામેલ કરાયાથી નારાજગી દર્શાવી કાનૂની કાર્યવાહીની ધમકી આપી છે. તેઓ રીમેઈન છાવણીને સમર્થન આપી રહ્યા છે ત્યારે આ પુસ્તિકા ખોટો દાવો કરતી હોવાનું જણાય છે. પ્રચાર પુસ્તિકામાં જણાવાયું હતું કે જો દેશ બ્રેક્ઝિટની તરફેણમાં મત આપશે તો નોકરીઓ જોખમમાં આવી પડશે તેવા રીમેઈન કેમ્પેઈનના નિવેદનો ખોટા છે. તેમાં ટોયોટા, નિસાન અને વોક્સોલ, જીઈ, એરબસ સહિતના લોગો સાથે જણાવાયું હતું કે આ બધી કંપનીઓ યુકેમાં જ રહેવાની છે.

• ઈયુ નીતિઓથી પિતાના ધંધાને નુકસાનનો ગોવનો દાવો

યુરોપિયન યુનિયનની નીતિઓથી પિતા અર્નેસ્ટ ગોવના માછીમારી બિઝનેસને સમેટવો પડ્યો હોવાના દાવાને જસ્ટિસ સેક્રેટરી માઈકલ ગોવ વળગી રહ્યા હતા. જોકે, ખુદ અર્નેસ્ટ ગોવે અલગ કારણ આપ્યું છે. જસ્ટિસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન અને કોમન ફિશરીઝ નીતિથી એબરડીનમાં પરિવારના ફીશ પ્રોસેસિંગ બિઝનેસનો નાશ થયો હતો. ગોવના પિતાએ કહ્યું હતું કે ધંધામાં ભવિષ્ય ન જણાતા તેને વેચી દીધો હતો. જોકે, બ્રેક્ઝિટના અગ્રણી ગોવે કહ્યું હતું કે ગાર્ડિયન અખબારના રિપોર્ટરે તેમના પિતાના મોંમાં આ શબ્દો મૂક્યા હતા.

• ઈયુના ફ્રી મૂવમેન્ટ નિયમોમાં સુધારાની થેરેસાની તાકીદ

હોમ સેક્રેટરી થેરેસા મેએ ઇયુના મુક્ત અવરજવરના નિયમોમાં વધુ સુધારાઓની તરફેણ કરવા સાથે વડા પ્રધાન ડેવિડ કેમરન પર દબાણ વધારી દીધું છે. જોકે, તેમણે ઈમિગ્રેશન મુદ્દે ચર્ચામાં નવો મોરચો ખોલ્યો હોવાનું સહાયકોએ નકાર્યું છે. નવા ઈમિગ્રન્ટ્સની સંખ્યા મર્યાદિત બનાવવા કેમરન બ્રસેલ્સ સાથેની લડત જારી રાખે તેવી ખાતરી લેબર નેતાઓ દ્વારા મગાઈ છે. જોકે, ચાન્સેલર ઓસ્બોર્ને મુક્ત અવરજવરના નિયમોમાં કોઈ સુધારા નહિ થાય તેમ સ્પષ્ટ કર્યું હતું. સરકારી સૂત્રોએ મુક્ત અવરજવરના સુધારાની ખાતરી નકારી છે.

• ઈયુના આઠ દેશોમાં પણ રેફરન્ડમની માગણી

ઈયુના આઠ મુખ્ય સભ્ય દેશો બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઈટાલી, પોલેન્ડ, સ્પેન અને સ્વીડનના ૪૫ ટકા મતદારોની ઈયુમાં રહેવું કે નહીં તે અંગે બ્રિટનની માફક રેફરન્ડમની માગ હોવાનું એક સર્વેમાં જણાયું છે. જે ૬,૦૦૦ લોકોનો સર્વે કરાયો તેમાંથી ત્રીજા ભાગના લોકોએ તક મળે તો યુરોપિયન યુનિયન છોડી દેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. રેફરન્ડમમાં બ્રિટન ઈયુ છોડવા માટે મતદાન કરશે તો અન્ય દેશો પણ તેમ જ કરશે તેમ સર્વેના ૪૮ ટકા લોકોનું માનવું છે. સર્વે પૈકી અડધા ભાગના લોકો માને છે કે રેફરન્ડમમાં બ્રિટન ઈયુ છોડવાની તરફેણમાં મત આપશે.

• ભારતીય વ્યક્તિને ભૂલથી મૃત ઘોષિત કરાઈ

માન્ચેસ્ટરમાં ભારતીય મૂળના મદન લાલ ખોસલાને સ્થાનિક કાઉન્સિલ તરફથી પત્ર મોકલાયો હતો, જેમાં તેમના નિધન અંગે શોક વ્યક્ત કરાયો હતો. આ પત્રથી સ્તબ્ધ અને નારાજ થઈ ગયેલા ૮૩ વર્ષીય ખોસલાએ તેઓ હજુ જીવિત હોવાનું પુરવાર કરવા માટે એમ્પ્લોયમેન્ટ સેન્ટરમાં પોતાના પાસપોર્ટ સાથે સંપર્ક કરવા પડ્યો હતો. ખોસલાએ કહ્યું હતું, ‘હું બહાર હોત અને અન્ય કોઈએ પત્ર ખોલ્યો હોત તો શું થયું હોત? તેઓને એવું જ થયું હોત કે મારું મૃત્યુ થઈ ચૂક્યું છે. મેં પત્ર ખોલ્યો ત્યારે મારે ખુદને ચૂંટલી ખણવી પડી હતી.’ કાઉન્સિલે જણાવ્યું હતું કે આ ઘટનામાં વર્ક એન્ડ પેન્શન્સ ડિપાર્ટમેન્ટે મોટી ભૂલ કરી હતી.

• યુરોપ પર પરમાણુ હુમલાનું ISનું કાવતરું

આંતરરાષ્ટ્રીય થિન્ક ટેન્ક લકઝ્મબર્ગ ફોરમના રિપોર્ટમાં યુરોપમાં ત્રાસવાદી સંગઠન IS દ્વારા રાસાયણિક હુમલાની દહેશત વ્યક્ત કરાઈ છે. આતંકી સંગઠને પરમાણુ હથિયારો એકત્ર કરીને યુરોપમાં ત્રાટકવાનો મનસૂબો બનાવ્યો હોવાથી સમગ્ર યુરોપની સુરક્ષા એજન્સીઓને સાવધ રહેવાની સલાહ થિન્ક ટેન્કે આપી છે. આઈએસ દ્વારા સીરિયામાં અસંખ્ય કેમિકલ હુમલા કરાયા છે. આ જ પ્રકારે પરમાણુ હથિયારો દ્વારા યુરોપમાં હુમલાનું ષડયંત્ર રચાયું છે. આઈએસને જથ્થાબંધ રાસાયણિક શસ્ત્રો એકઠાં કરવામાં સફળતા મળી હોવાનું થિન્ક ટેન્કે જણાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter