શાહી પરિવારના ડ્યૂક ઓફ એડિનબરા, ડ્યૂક એન્ડ ડચેસ ઓફ કેમ્બ્રિજ તેમજ પ્રિન્સ હેરીના સંયુક્ત ડોમેસ્ટિક એન્ગેજમેન્ટ્સની સરખામણીએ પણ પ્રિન્સેસ એન સૌથી વધુ વ્યસ્ત શાહી સભ્ય રહ્યાં હતાં. તેમણે ચેરિટી ઈવેન્ટ્સ, ડિનર્સ, રિસેપ્શન્સ તથા દેશભરના અન્ય સમારંભ સહિત ૪૫૫ એન્ગેજમેન્ટ્સમાં હાજરી આપી હતી. આ ઉપરાંત, વિદેશમાં પણ ૮૫ ઈવેન્ટ્સમાં તેઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
• વેતનદારો નિવૃત્તિ માટે પૂરતી બચત કરતા નથી
છ લાખથી વધુ મધ્યમ વેતનદારો નિવૃત્તિનો સમય આરામદાયક રહે તે માટે પૂરતી બચત કરતા ન હોવાનું સરકારે કબૂલ્યું હતું. ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સના તારણમાં જણાયું હતું કે તેની ફ્લેગશીપ સેવિંગ સ્કીમમાં ઓટો એનરોલમેન્ટ માટે લાયક ઠરતા કર્મચારીઓમાં દસમાંથી ચાર ઓછી બચત કરતા હોય છે. ૧૨ મિલિયન લોકો રિટાયરમેન્ટ માટે પૂરતી બચત કરતા નથી તેમાં અડધાથી વધુ મધ્યમ અથવા ઉચ્ચ વેતનદારોની આવક વાર્ષિક ૩૪,૫૦૦ પાઉન્ડથી વધુ હોય છે.
• હુમલો કરવો ભારે પડ્યો
લેસ્ટરની શોપમાં પિસ્તોલ દેખાડી લૂંટ કરવા આવેલા હુમલાખોરને શોપકીપર સિબુ કુરુવિલાની હિંમત અને કરાટે બ્લેક-બેલ્ટની માસ્ટરી ભારે પડી ગઈ હતી. કુરુવિલા અને તેમનો આસિસ્ટન્ટ ક્રિસમસની પૂર્વસંધ્યાએ દુકાન બંધ કરી રહ્યા હતા ત્યારે ૧૭ વર્ષના સશસ્ત્ર હુમલાખોરે ગન દેખાડી બધા નાણા આપી દેવા ફરમાવ્યું હતું. જોકે, તેને એ ખબર ન હતી કે ૪૩ વર્ષના કુરુવિલા સેઈબુકાન કરાટેમાં બ્લેક-બેલ્ટ ધરાવે છે અને બાળકોને માર્શલ આર્ટ શીખવે છે. હુમલાખોરને નજીક આવવા દઈ કુરુવિલાએ તેની પિસ્તોલ આંચકી લીધી અને તેને ખોખરો કરી નાખ્યો. હુમલાખોરે તેની જવા દેવાની વિનંતીઓ કરવી પડી હતી. આ પછી તેને પોલીસને સોંપી દેવાયો હતો.
• સૌથી ધનવાન ટોરી સાંસદ પર પ્રતિબંધ
બ્રિટનના સૌથી ધનવાન સાંસદ અને પ્રોપર્ટી ડેવલપર રિચાર્ડ બેન્યોનને છ મહિના માટે રોડ પર વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેમને કુલ ૪૨૧ પાઉન્ડનો દંડ પણ કરાયો હતો. ન્યૂબરી, બર્ક્સ.ના સાંસદ પોતાની બીએમડબલ્યુ કાર હંકારતી વખતે ટેક્સ્ટિંગ કરતા પકડાયા હતા. ઈઝલિંગ્ટનમાં સ્થિર ટ્રાફિકમાં કારમાં બેઠા બેઠા તેઓ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે પોલીસ ઓફિસરે તેમને ઝડપી લીધા હતા. ટ્રાફિક લાઈટ લીલી થઈ ત્યારે પણ તેમણે ફોનનો ઉપયોગ ચાલુ રાખ્યો હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરાઈ હતી. ૧૦૦ મિલિયન પાઉન્ડથી વધુ સંપત્તિ ધરાવતા હોવાનું કહેવાતા ૫૭ વર્ષીય સાંસદે જણાવ્યું હતું કે તેઓ માસિક ૩,૯૮૭ પાઉન્ડ કમાય છે.
• સોશિયલ મીડિયાએ ખોવાયેલું બોનસ પાછું અપાવ્યું
સોશિયલ મીડિયાની સક્રિયતાએ લંડનની પબમાં ૬૦૦ પાઉન્ડનું ક્રિસમસ બોનસ પેકેટ ભૂલી જનારા પોલીશ બિલ્ડરને શોધી તે પાછું અપાવવામાં મદદ કરી હતી. વિમ્બલડનના ધ એલેક્ઝાન્ડ્રા પબના બારમેનને ક્રિસમસના ચાર દિવસ અગાઉ ખુરશી નીચે પેકેટ મળ્યું હતું, જેના પર ખાલી ‘Marisuz’ લખ્યું હતું. પબના મેનેજરોએ ઓનલાઈન અપીલ પોસ્ટ કરી હતી, જેને ફેસબુક ઉપર ૧.૫ મિલિયન વખત જોવાઈ હતી. લોકોએ અપીલને ૨૨,૦૦૦થી વધુ વખત રીટ્વીટ કરી હતી. મારિસુઝ ક્રિસમસ ઉજવવા પોલેન્ડ ચાલ્યો ગયો હતો, જ્યાં તેને ખોવાયેલાં નાણા મળ્યાની જાણ તેના પુત્રે જોયેલી અપીલ દ્વારા થઈ હતી.
• પાક.માં સુસાઈડ બોમ્બ વિસ્ફોટમાં ૮ના મોત
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ક્વેટા શહેરના મેથોડિસ્ટ ચર્ચમાં પ્રાર્થના સભા દરમિયાન કરાયેલા એક બોમ્બ વિસ્ફોટમાં બે મહિલા સહિત ૮ લોકો માર્યા ગયા હતા અને ૩૦ ઘાયલ થયા હતા. આતંકવાદી સંગઠન આઈએસઆઈએલએ આ હુમલાની જવાબદારી લીધી હતી. બીજો હુમલાખોર બીજો વિસ્ફોટ કરે તે પહેલા પોલીસે તેને આંતરીને ઠાર માર્યો હતો.

