પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયેનાએ તેમના હનીમૂનનો સમયગાળો ઊંઘ પૂરી કરવામાં જ ગાળ્યો હોવાનું નવા જોહેર કરાયેલાં પત્રોમાં બહાર આવ્યું છે. પ્રિન્સ ઓફ વેલ્સ અને ડાયેનાના લગ્નજીવનના આરંભથી જ ઉષ્માનો અભાવ હોવાનું આ પત્રથી જાણી શકાય છે. રોયલ યોટ બ્રિટાનિયાના પેપર પર લેડી ડાયેનાએ ૧૫ ઓગસ્ટ ૧૯૮૧માં તેમની લેડી-ઈન-વેઈટિંગને પત્રમાં લખ્યું હતું કે,‘ગુમાવેલી ઊંઘ પૂરી કરવામાં હનીમૂન સંપૂર્ણ તક આપે છે. આ દંપતી જુલાઈ ૧૯૮૧માં લગ્નથી જોડાયું હતું.
• કોર્નવોલ પર દમન અટકાવવા ચેતવણી
કોર્નવોલના લોકો પર વંશીય દમન ગુજારાતું હોય તેવી શક્યતા નહિવત્ છે પરંતુ, કોર્નિશ લઘુમતી તરફ બેદરકારી દાખવવાનો કાઉન્સિલ ઓફ યુરોપ દ્વારા સરકાર પર કરવામાં આવ્યો છે. ‘પ્રોટેક્શન ઓફ નેશનલ માઈનોરિટીઝ’ અંગે રિપોર્ટમાં જણાવાયું છે કે યુકેએ તેની દક્ષિણ છેવાડાની કાઉન્ટી માટે કોર્નિશ ભાષાને પુનર્જીવિત કરવા તેમજ ટિન્ટાગેલ કેસલ સહિતના લેન્ડમાર્ક્સનું ‘ડિઝનીફિકેશન’ અટકાવવા પગલાં લેવાની જરૂર છે. યુકે સરકાર દ્વારા ૨૦૧૪માં કોર્નિશ પ્રજાને લઘુમતી તરીકે માન્યતા આપી હતી.
• મોબાઈલચોરો અને પોલીસની પકડરમત
મોબાઈલચોર જોડી ઝુરિયેલ હટ્સન અને શારુક શેરાજી અને પોલીસ વચ્ચે મોટરવે પર ઉલટી દિશામાં પકડદાવ રમાયો હતો. હટ્સન અને શેરાજીએ ચોરી કરેલા મોપેડ સાથે ગણતરીના કલાકોમાં ૧૮ મોબાઈલ ફોનની ચોરી કરી પ્રતિ કલાક ૯૦ માઈલની ગતિએ લંડનના માર્ગો પર પોલીસને દોડાવી હતી. તેમણે બે કાર વચ્ચેથી મોપેડ દોડાવવાની તેમજ સામેથી આવતાં ટ્રાફિક વચ્ચે પસાર થવાના પ્રયાસ કર્યા હતા. પોલીસે અનેક કાર અને આકાશમાં હેલિકોપ્ટર સાથે તેમનો પીછો કર્યો હતો. હટ્સન અને શેરાજીને અગાઉ પણ અનેક ગુનાઓમાં સજા કરાયેલી છે.
• લગ્ન કરતા ડાઈવોર્સ યુદ્ધનો વધુ સમય
પોતાના લગ્નમાં ૨૦૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કરનારાં દંપતીએ પાંચ મહિના પછી જ ડાઈવોર્સનું યુદ્ધ છેડ્યું હતું. કોર્ટના જજે પણ કંટાળીને મેરિલીન લેવેસ્ક્યુ અને ડેમિયન હેનકોક્સને નાણા મુદ્દે કકળાટ ન કરવા સલાહ આપી હતી કારણકે મેરેજના બજેટ કરતા પણ તેમનું ડાઈવોર્સ બિલ વધી ગયું છે. મોડેલ મિસ લેવેસ્ક્યુએ તેમના વકીલો પાછળ ૨૩૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ ખર્ચી નાખી છે. હેનકોક્સે સાચી સંપત્તિ જાહેર નહિ કરી ૨૦૦૭માં પોતાને નાદાર જાહેર કર્યો હતો. તેની પાસે ત્યારે ૨૦ મિલિયન પાઉન્ડથી વધુ એસેટ્સ હતી તેવો લેવેસ્ક્યુનો દાવો છે.

