બિઝનેસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી સેક્રેટરી ગ્રેગ ક્લાર્કે જણાવ્યું હતું કે વર્કરો તેમનું કૌશલ્ય વિક્સાવશે અને ઉત્પાદકતા વધારશે તો તેમનું વેતન વધારવામાં આવશે. વર્કરોનું વેતન સ્થિર હોવા માટે તેમણે ઓછી ઉત્પાદકતાને જવાબદાર ગણાવી હતી.
• પાર્કિંગ દંડ દ્વારા ૩૫૩ કાઉન્સિલને £૮૨૦ મિલિયનની આવક
નાણાકિય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન કારચાલકો પાસેથી પાર્કિંગ દંડ અને ટિકિટની રકમની વસૂલાત દ્વારા ૩૫૩ લોકલ કાઉન્સિલની કુલ આવક ગયા વર્ષની સરખામણીમાં ૧૦ ટકા વધીને ૮૨૦ મિલિયન પાઉન્ડ થઈ હોવાનું સંશોધનમાં જણાયું હતું. ગયા વર્ષે આ રકમ ૭૪૪ મિલિયન પાઉન્ડ હતી. વેસ્ટમિન્સ્ટર કાઉન્સિલને સૌથી વધુ ૭૩.૨ મિલિયન પાઉન્ડ મળ્યા હતા.
• વહેલા ચૂંટણીને ટાળવા આઈરિશ વડાપ્રધાનનો સંઘર્ષ
નોર્ધર્ન આયર્લેન્ડ સાથેની સરહદના મુદ્દે બ્રેક્ઝિટની મહત્ત્વની વાટાઘાટો વચ્ચે આયર્લેન્ડના વડાપ્રધાન લીઓ વરદકર નિષ્ફળ મંત્રણાના પગલે તેમની લઘુમતિ સરકારને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે. વરદકરે તેમના ડેપ્યુટી ફ્રાન્સીસ ફિટઝીરાલ્ડની પોલીસ કૌભાંડને લીધે વિદાયના મામલે આયર્લેન્ડના સૌથી મોટા વિપક્ષ ફિયાના ફેલની રજૂઆતોને નકારી કાઢી હતી.
• લેબરના વેલ્શ એસેમ્બલી મેમ્બર કાર્લ સાર્જન્ટનો આપઘાત
લેબર રાજકારણી અને વેલ્શ એસેમ્બલીના ૪૯ વર્ષીય મેમ્બર કાર્લ સાર્જન્ટે પોતાના ઘરના એક રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેમણે એક ચિઠ્ઠી લખી હતી તેમાં તેમણે પત્ની બર્નાડેટને તે રૂમમાં ન જવા જણાવ્યું હતું. તેમની સામે જાતીય સતામણીના આક્ષેપો થયા પછી તેમને કેબિનેટ હોદ્દા પરથી દૂર કરાયા હતા. તેના ચાર દિવસ પછી આ ઘટના ધ્યાનમાં આવી હતી.
• સ્તનપાન કરનારા બાળકોને ખરજવુ થવાની ઓછી શક્યતા
સ્તનપાન કરનારા બાળકો તરૂણવયના થાય ત્યારે બોટલથી દૂધ પીનારા બાળકોની સરખામણીમાં તેમને ખરજવુ થવાની ઓછી શક્યતા રહેતી હોવાનું બેલારુસમાં ૧૭,૦૦૦ માતા અને બાળકોના અભ્યાસમાં જણાયું હતું.
• કેદ મહિલા વિશે ટીપ્પણી બદલ જહોન્સને માફી માગી
ઈરાનની જેલમાં કેદ બ્રિટિશ મહિલા યુવાનોને પત્રકારત્વ શીખવી રહી હતી તેવા પોતાના દાવા વિશે ફોરેન સેક્રેટરી બોરિસ જહોન્સને માફી માગી હતી. તેમને યુકે પાછા લાવવા માટે પોતે શક્ય તમામ કાર્યવાહી કરશે તેમ તેમણે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું.

