પ્રોસ્ટેટ કેન્સરથી પીડાતા પુરુષોને ટુંક સમયમાં લેવેટરીની લાઈનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળશે. મેકમિલન કેન્સર સપોર્ટ સંસ્થા દ્વારા અપાનારા પ્લાસ્ટિક કાર્ડમાં કાર્ડધારકને પ્રોસ્ટેટ કેન્સર છે અને તેમને લેવેટરીના અર્જન્ટ ઉપયોગની જરૂર હોવાનું જણાવાયું હશે. દરરોજ ૧૦૦થી વધુ પુરુષને પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન કરાય છે અને ગત પાંચ વર્ષમાં નિદાનના દરમાં ૧૦ ટકાનો ઉછાળો આવ્યો છે. આ કાર્ડને વ્યાપક માન્યતા મળશે તેમ મેકમિલન સંસ્થા માને છે.
• પૂર્વ મહિલા મેયરની ધરપકડ
બ્રિટનની પ્રથમ મહિલા મુસ્લિમ લોર્ડ મેયરની નાણાકીય ગેરરીતિઓની તપાસના મુદ્દે ધરપકડ કરવામાં આવી છે. વેસ્ટ યોર્કશાયર પોલીસના જણાવ્યા અનુસાર બ્રેડફર્ડની ૪૨ વર્ષીય નાવિદા ઈકરામની જાહેર હોદ્દા પર ગેરવર્તનના આક્ષેપો, સ્થાનિક અપરાધો અને ન્યાયનો માર્ગ અવરોધવાના કારણોસર અટકાયત કરવામાં આવી હતી. તેમને પાછળથી જામીન પર મુક્ત કરાયાં હતાં. ૨૦૧૧માં મેયર બનેલાં નાવિદાએ તેઓ નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. ઓક્ટોબર મહિનામાં લેબર પાર્ટીએ તેમને આ મુદ્દા પર સસ્પેન્ડ પણ કર્યાં હતાં.
• કિશોરી સાથે અભદ્ર કૃત્ય બદલ લેસ્બિયનને સજા
ચેસ્ટર રેસકોર્સના ટેન્ટમાં ૧૫ વર્ષીય કિશોરી સાથે અભદ્ર વર્તનના કેસમાં પ્રેસ્ટન ક્રાઉન કોર્ટે લેન્કેશાયરની મધ્યમ વયની લેસ્બિયન મહિલા એમ્મા વિલિયમ્સને ૩૨ મહિના જેલવાસની સજા ફટકારી હતી. તેણે કિશોરી સાથે જાતીય કૃત્ય આચર્યાની કબૂલાત કરી હતી. કિશોરીની માતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે મહિલાએ તદ્દન અંગત સંદેશાઓ પણ મોકલ્યાં હતાં.
• ચાઈલ્ડ સેક્સ અપરાધો વધ્યા
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં બાળ સેક્સ અપરાધોની સંખ્યામાં ૩૩ ટકા જેટલો વધારો થઈ દૈનિક સરેરાશ ૧૧૩ સુધી પહોંચ્યો છે. પોલીસે ગયા વર્ષે બાળકો સામેના ૪૧,૪૫૭ જાતીય અપરાધ રેકોર્ડ કર્યા હતા, જે સંખ્યા તેના અગાઉના વર્ષે ૩૧,૨૩૮ હતી. NSPCCના ચીફ એક્ઝીક્યુટિવ પીટર વેન્લેસે આ નાટ્યાત્મક ઊછાળાને ભારે ચિંતાજનક ગણાવી અસરગ્રસ્તોને સપોર્ટ કરવા સરકાર સમક્ષ ભંડોળમાં વધારાની માગણી કરી હતી.
• આરટુ-ડીટુ ડ્રોઈડના શોધકનું મૃત્યુ
ઓરિજિનલ સ્ટાર વોર્સ આરટુ-ડીટુ ડ્રોઈડના ૬૮ વર્ષીય નિર્માતા પ્રોફેસર ટોની ડાયસનનું માલ્ટા ખાતે અવસાન થયું છે. બ્રિટિશ અન્વેષક ટોની ડાયસને સુપરમેન-ટુ અને મૂનરેકરમાં પણ કામ કર્યું હતું. ગોઝો આઈલેન્ડ પર તેમના નિવાસનું દ્વાર ખુલ્લું જણાતાં પડોશીએ પોલીસને જાણ કરી હતી. પ્રોલીસ પ્રવક્તાએ કોઈ દુષ્કૃત્યની શક્યતા નકારી કાઢી હતી.

