NHSપર કાર્યભારણ ઘટાડવાના ભાગરુપે ફાઈરફાઈટર્સને કામે લગાડાશે. સ્મોક એલાર્મ્સ તપાસ કરતી વેળાએ ફાયરફાઈટર કર્મચારીઓ પાયારુપ આરોગ્ય ચકાસણી પણ કરી લેશે. તેઓ વૃદ્ધ લોકોને ફ્લુના ઈન્જેક્શન્સ લેવાની પણ સલાહ આપશે. લોકો દૃષ્ટિ તેમ જ અન્ય આરોગ્ય સમસ્યાઓ વિશે ને તબીબી સલાહ મેળવવા પ્રોત્સાહિત થાય તે માટે તેઓને ખાસ તાલીમ અપાશે. ફાયર સર્વિસ દર વર્ષે ઘરોમાં ૬૭૦,૦૦૦ ફાયર સેફ્ટી ચકાસણી કરે છે.
• સરકારને ઉથલાવવા ટ્રેડ યુનિયનોની ધમકી
લેબર પાર્ટીના નેતાપદે ડાબેરી જેરેમી કોર્બીનની પસંદગીથી ડાબેરી ટ્રેડ યુનિયનો ઉત્સાહમાં આવી ગયા છે. બ્રાઈટનમાં TUCની વાર્ષિક કોન્ફરન્સમાં સૌથી મોટા યુનિયનોના નેતાઓએ નવા ટોરી કાયદાઓનો વિરોધ કરી સુગઠિત હડતાળો અને વિરોધ પ્રદર્શનો દ્વારા સરકારને ઉથલાવી દેવાની ધમકી પણ આપી છે. સામૂહિક આંદોલનો મારફત સરકારના યુનિયનવિરોધી કાયદાઓ અને કરકસરના પગલાંનો ભારે વિરોધ કરવામાં આવશે.
• મોદીના સ્વાગતથી મુખ્ય ગુરુદ્વારા અને શીખ સંગઠનો અળગા
યુકેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં વેલકમ પાર્ટનર્સ તરીકે સંસ્થાઓની જાહેર યાદીમાં મહત્ત્વના શીખ સંગઠનો અને ગુરુદ્વારાઓ સામેલ થયા નથી. યુકેમાં આશરે ૨૫૦-૩૦૦ ગુરુદ્વારા છે. શીખ ફેડરેશન (યુકે)ના નેશનલ પ્રેસ સેક્રેટરી ગુરજિતસિંહે જણાવ્યા અનુસાર વેલકમ પાર્ટનર્સ તરીકે ૪૦૦ સંસ્થાની યાદીમાં માત્ર સાત ગુરુદ્વારા અને છ નાની શીખ સંસ્થાઓ સામેલ છે અને તેમાંથી કેટલાક પોતાનું નામ પાછું ખેચી શકે છે.
• ધાર્મિક વક્તાઓએ કટ્ટરતાવિરોધી રજિસ્ટરમાં સહી કરવી પડશે
જાહેર સંસ્થાઓ માટે કામ કરતા કે જાહેર ભંડોળ મેળવતી સંસ્થાઓના કાર્યક્રમોમાં સંબોધન કરનારા ઈમામ, રબીઝ, પાદરીઓ સહિત અન્ય ધાર્મિક નેતાઓએ નેશનલ રજિસ્ટરમાં સહી કરવાની રહેશે અને સરકારમાન્ય તાલીમ પણ લેવાની રહેશે. જોકે, સરકારની આ દરખાસ્તનો ભારે વિરોધ થઈ રહ્યો છે. સરકારે ધાર્મિક બાબતોમાં દખલ કરવાથી દૂર રહેવું જોઈએ તેવો સૂર ધાર્મિક નેતાઓ દ્વારા વ્યક્ત કરાયો છે. કેટલાંક અગ્રણીઓએ તેની તરફેણ પણ કરી હતી.
• હત્યારાની પૂર્વ પત્નીના અભિયાનમાં બ્રિટિશ મદદ
ચેમ્બર ઓફ હોરર્સમાં મીણપ્રતિમા તરીકે અમરત્વ મેળવનાર નિઝામોદ્દીન હોસેનની પૂર્વ પત્ની લીલા રામદીનને બ્રિટિશ સરકારે દેહાંતદંડની સજા વિરુદ્ધ અભિયાનમાં આશરે £૫૦,૦૦૦ની મદદ કરી છે. ઓલ્ડ બેઈલી કોર્ટના જજે બ્રિટનમાં એક બંધકની હત્યા કરનારા હોસેનને શેતાન ગણાવી કેદની સજા ફટકારી હતી. સજા પછી તેને ટ્રિનિદાદ મોકલી દેવાયો હતો. લીલા રામદીન કેરેબિયન્સમાં ડેથ પેનલ્ટી રદ કરાવવા અભિયાન ચલાવે છે.
• પ્રેમમાં નિષ્ફળ રુહુલ અમીન Isisમાં જોડાયો
સીરિયામાં બ્રિટન ડ્રોન હુમલામાં માર્યો ગયેલો બ્રિટિશ જેહાદી રુહુલ અમીન પ્રેમભંગ થવાથી ત્રાસવાદી સંગઠન Isisમાં જોડાયો હતો. બાંગલાદેશી મુસ્લિમ અમીનનો સ્કોટિશ યુવતી સાથેનો રોમાન્સ એબરડીન કોલેજમાં શરૂ થયો હતો. રુહુલ આ યુવતી સાથે લગ્ન કરવા માગતો હતો પરંતુ પરિવારે તેને અટકાવ્યો હતો. માતાપિતાના ઈનકાર પછી રુહુલ અચાનક સીરિયા ચાલ્યો ગયો હતો. નવાઈની વાત એ છે કે અમીનના પિતાની પ્રથમ પત્ની સ્કોટિશ હતી.
• બે બ્રિટિશ પ્રવાસીના રેલ અકસ્માતમાં મોત
ભારતમાં ૧૨ સપ્ટેમ્બર, શનિવારે કાલકા-સિમલા યુનેસ્કો હેરિટેજ ટ્રેક પર ચાર્ટર્ડ ટ્રેનના ત્રણ ડબા ઉથલી પડતાં બે બ્રિટિશ મહિલા પ્રવાસીના મોત નીપજ્યાં હતાં અને એક બ્રિટિશર સહિત સાતને ઈજા પહોંચી હતી. આ ટ્રેનમાં ભારતના ૧૩ દિવસના પ્રવાસે નીકળેલું ૩૭ બ્રિટિશ પર્યટકનું જૂથ અને ભારતીય ક્રુ મેમ્બર મુસાફરી કરી રહ્યા હતા. પ્રવાસનું આયોજન યોર્કસ્થિત ટુર ઓપરેટર ગ્રેટ રેલ જર્નીઝ દ્વારા કરાયું હતું.
• અનીશ કપૂરના ફ્રાન્સસ્થિત શિલ્પ અંગે વિવાદ
બ્રિટિશ કળાકાર અનીશ કપૂરના ફ્રાન્સના ગાર્ડન્સ ઓફ વર્સેલીસ્થિત વિવાદાસ્પદ શિલ્પ ‘ડર્ટી કોર્નર’ પર કરાયેલા એન્ટિ-સેમેટિક ચિતરામણને દૂર કરાવવા જમણેરી કાઉન્સિલરે કાનૂની ફરિયાદ કરી છે. આ શિલ્પ પર ત્રીજી વખત હુમલો કરાયો છે. અનીશ કપૂરે શિલ્પ પરના ચિતરામણને અસહિષ્ણુતાની યાદ સ્વરૂપે યથાવત રાખવા નિર્ણય લીધો છે.