વિશાળ પ્રમાણમાં સસ્તી મજૂરીના વર્કર્સથી દરિયાપારના દેશોને રોકાણો માટે આકર્ષતા ત્રીજા વિશ્વના દેશોને ફેક્ટરી રોબોટ્સની સ્પર્ધા ભારે પડશે તેવી ચેતવણી વિશ્વબેન્કે આપી છે. ઉભરતા બજારો માટે ગરીબી દૂર કરવાનો સસ્તી મજૂરીનો માર્ગ પણ છીનવાઈ જશે. ચિંતા એ છે કે રોકાણકારો રોબોટ્સના ઉપયોગ સાથેની ઓટોમેટેડ ફેક્ટરીઓનો ઉપયોગ કરશે, જે સમૃદ્ધ દેશોમાં જ સ્થપાય છે. આ ફેક્ટરીઓમાં માનવ વર્કરની ઓછી જરૂરિયાત રહે છે. આગામી વર્ષે ચાઈનીઝ ઉત્પાદનમાં ૪૦૦,૦૦૦ ઈન્ડસ્ટ્રીયલ રોબોટ્સ કામ કરતા હશે, જે ૨૦૧૫ની સરખામણીએ બમણા હશે.
• ટાટા સ્ટીલ અને થીસેનકૃપ મર્જર માટે સંમત
ટાટા સ્ટીલ અને થીસેનકૃપ તેમના યુરોપીય ઓપરેશન્સના મર્જર માટે સંમત થયાં હોવાથી ૧૮ મહિનાની અચોક્કસતા પછી સાઉથ વેલ્સના પોર્ટ ટાલ્બોટ સ્ટીલ પ્લાન્ટનું ભાવિ ઉજ્જ્વળ જણાય છે. આ મર્જરથી ભારતીય અને જર્મન કંપનીઓ યુરોપ ખંડનું બીજા ક્રમનું સૌથી મોટું સ્ટીલ ગ્રૂપ બની જશે. એક કરતા વધુ વર્ષની વાતચીતો તેમજ પોતાના બ્રિટિશ બિઝનેસ માટે પેન્શન યોજના અલગ રાખવા માટે સંમત થતાં બંને કંપનીઓ દ્વારા મેમોરન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ પર સહીઓ કરાઈ છે.
• અનિલ અગ્રવાલ એંગ્લો અમેરિકનમાં હિસ્સો વધારશે
વેદાંતા કંપનીના સ્થાપક અને ભારતીય બિલિયોનેર અનિલ અગ્રવાલે માઈનિંગ જાયન્ટ એંગ્લો અમેરિકનના ૧.૫ બિલિયન પાઉન્ડના શેર્સ ખરીદવાની જાહેરાત સાથે કંપનીમાં હિસ્સો વધાર્યો છે. અગ્રવાલ આ કંપનીમાં ૧૨.૪ ટકા હિસ્સો ધરાવે છે. તેમણે માર્ચ મહિનામાં ૧.૫ બિલિયન પાઉન્ડના શેર્સ ખરીદ્યા હતા. પરિવાર દ્વારા અંગત રોકાણ સાથે નવા શેરની ખરીદી સાથે તેમનો હિસ્સો આશરે ૨૦ ટકા થવાની ધારણા છે. જોકે, અગ્રવાલે ભૂતકાળમાં વેદાંતા અને એંગ્લો અમેરિકનના મર્જરનો સ્પષ્ટ ઈનકાર જ કર્યો છે.
• એન્ટિ-મુસ્લિમ ટેરર કાયદા રદ કરવા માગણી
ત્રાસવાદ સંબંધિત કાયદાઓ મુસ્લિમોને કલંકિત કરતા જણાય છે અને તેથી તેને રદ કરવા જોઈએ તેમ લીગલ વોચડોગની માગણી છે. ટેરરિઝમ કાયદાના સ્વતંત્ર સમીક્ષક મેક્સ હિલ QCનો મત છે કે ટેરરિઝમ અપરાધ છે અને તેથી તેઓ અપરાધી હોવાથી તેમની સામે વર્તમાન ક્રિમિનલ કાયદાઓ હેઠળ જ ત્રાસવાદીઓ સામે કામ ચલાવવું જોઈએ. તેમણે કહ્યું હતું કે ફ્યુઝિલિયર લી રિગ્બી અને લેબર સાંસદ જો કોક્સની હત્યા સંદર્ભે ટેરરિઝમ કાયદાના ઉપયોગની જરૂર જ ન હતી.
• જીપી પ્રેક્ટિસીસ પણ પેશન્ટ્સ માટે જોખમી
ત્રણમાંથી એક જીપી સર્જરીઝ પેશન્ટ્સને જોખમમાં મૂકી રહી છે અને પરંપરાગત નાની પ્રેક્ટિસીસ સૌથી ખરાબ અપરાધી હોવાનું NHS ઈન્સ્પેક્શન્સમાં જણાયું છે. દેશની તમામ ૭,૩૬૫ પ્રેક્ટિસીસમાં આઉટ-ઓફ ડેટ અને દુષિત દવાઓ અને કેન્સર રેફરલ્સ સહિત ટેસ્ટ રીઝલ્ટ્સના બેકલોગ સપ્તાહો સુધી વધતાં જ જાય છે. કેટલીક જીપી પ્રેક્ટિસીસમાં કાયમી સ્ટાફ હોતો જ નતી અને એક કિસ્સામાં જીપીનું કામ કરતી વ્યક્તિ પાસે મેડિકલ ક્વોલિફિકેશન્સ જ ન હતાં.
• સાયકલિસ્ટ્સને પણ લાંબી જેલ થશે
રાહદારીઓનું મોત થાય તેવા અકસ્માતમાં સંકળાયેલા સાયકલિસ્ટો સામે પણ તેઓ કાર ચલાવતા હોય તેવી કાર્યવાહી થશે. આનો અર્થ એ છે કે અથડામણ કરનારા સાયકલિસ્ટને ૧૪ વર્ષ સુધીની લાંબી જેલની સજા થઈ શકશે. સાયકલિસ્ટને સાંકળતા અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું હોઈ સલામતી કાયદાની તાકીદની સમીક્ષા કરવા મિનિસ્ટર્સ વિચારણા કરી રહ્યા છે.

