• ફેસબૂકના કારણે રોયલ નેવીમાં ભરતીમાં મુશ્કેલી

Tuesday 26th July 2016 05:02 EDT
 

ટ્રાઈડન્ટ અણુ સબમરીન માટે ભરતીની કટોકટી સર્જાઈ છે કારણકે નવા ભરતી કરાતા કર્મચારીઓને ફેસબૂક વિના ચાલતું નથી. સ્માર્ટફોન વિના ૯૦ દિવસ સમુદ્રની અંદર વીતાવવા પડતા હોવાથી યુવાન અરજદારો ભરતીથી અળગા રહે છે. ફેસબૂક જનરેશન આટલો લાંબો સમય તેમના મિત્રોથી દૂર રહેવા ઈચ્છતી નથી. અણુ સબમરીનો કાર્યરત બનાવવા પાર્લામેન્ટની બહાલી પછી યુવા લોહીની ભરતીની રોયલ નેવીની યોજના હાલ ઘોંચમાં પડી છે. ડિફેન્સ મિનિસ્ટ્રીના વોચડોગના રિપોર્ટમાં ક્વોલિફાઈડ ઈજનેરોની અછત સર્જાવાની ચેતવણી અપાઈ છે. સબમરીન કાફલાને દરિયામાં કાર્યરત રાખવા ૨,૦૦૦થી વધુ કર્મચારીની જરૂર રહે છે.

• માતા ડાયના વિશે વાત ન કરવાનો પ્રિન્સ હેરીને અફસોસ

પ્રિન્સેસ ડાયનાના અકાળ મૃત્યુ પછી તેમના વિશે વાત નહિ કરવાનો અફસોસ ૩૧ વર્ષીય પુત્ર પ્રિન્સ હેરીને થઈ રહ્યો છે. જોકે, તેઓ દરરોજ માતાને અવશ્ય યાદ કરે છે. કેન્સિંગ્ટન પેલેસમાં ‘હેડ્સ ટુગેધર’ ચેરિટી સંસ્થાના મેન્ટલ હેલ્થ ઈવેન્ટમાં બોલતા પ્રિન્સ હેરીએ કહ્યું હતું કે તેમણે જીવનના પ્રથમ ૨૮ વર્ષ દરમિયાન માતા પ્રિન્સેસ ડાયનાના અચાનક મોત વિશે કશું જ કહ્યું નથી. આમ કરવા બદલ તેમને અફસોસ છે. આ સંસ્થા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીએ સાથે મળીને સ્થાપી છે. ઈંગ્લેન્ડ અને માન્ચેસ્ટર યુનાઈટેડના પૂર્વ ડિફેન્ડર રિયો ફર્ડિનાન્ડે માતાના અચાનક અવસાનથી તેમના જીવન પર પડેલી અસર વિશે પ્રશ્ન કર્યો હતો. પ્રિન્સ હેરીએ કહ્યું હતું કે જ્યાં સુધી તમે બોલશો ત્યાં સુધી પીડા સાથે રહી શકાશે.

• બાળકો માટે ભોજન ત્યાગતા પેરન્ટ્સ

ઉનાળુ રજાઓ દરમિયાન પોતાના બાળકો બરાબર જમી શકે તે માટે ૨૦ ટકા પેરન્ટ્સ ભોજન ઓછું લે છે. રજાઓમાં બાળસંભાળના વધારાના ખર્ચને પહોંચી વળવા ૨૫થી ૩૪ વયજૂથના પેરન્ટ્સ વધુ ચિંતાતુર રહે છે. પાંચમાંથી એક પેરન્ટ સમર હોલિડેઝમાં ભોજનનો ત્યાગ કરતા હોવાનું ટ્રુસેલ ટ્રસ્ટના અભ્યાસમાં બહાર આવ્યું છે. આ સર્વેમાં આશરે ૧૦૦૦ પેરન્ટ્સને આવરી લેવાયાં હતાં. દેશમાં સેંકડો ફૂડબેન્ક ચલાવતા ટ્રસ્ટનો અંદાજ છે કે આગામી સપ્તાહોમાં અંદાજે ૧.૫ મિલિયન લોકો એક વખતના ભોજનનો ત્યાગ કરી શકે છે.

• તમામ BHS સ્ટોર્સ ૨૦ ઓગસ્ટ સુધીમાં બંધ

BHS રીટેઈલ ચેઈનના કટોકટીગ્રસ્ત તમામ સ્ટોર્સ ૨૦ ઓગસ્ટ સુધીમાં વેપાર કરવાનું બંધ કરશે તેમ એડમિનિસ્ટ્રેટરોએ કહ્યું છે. આ નિર્ણયના પરિણામે વધુ ૫,૦૦૦ વર્કર તેમની નોકરી ગુમાવશે. અગાઉ ૧,૩૦૦ વર્કરે તેમની નોકરી ગુમાવી છે. હાલ ૧૧૪ સ્ટોર્સ કાર્યરત છે. જોકે, ૫૦ સ્ટોર્સની કામગીરી બંધ જ કરી દેવાઈ છે. રિટેઈલ ચેઈનની કટોકટી બદલ તેના પૂર્વ માલિક સર ફિલિપ ગ્રીન પર ભારે પસ્તાળ પડી રહી છે. હાઉસ ઓફ કોમન્સમાં સાંસદોએ સર ગ્રીનની કામગીરીની સખત ટીકા કરી હતી. કંપની પેન્શન ફંડમાં ૫૭૧ મિલિયન પાઉન્ડની જંગી ખાધ ધરાવે છે. સર ગ્રીને માત્ર એક પાઉન્ડમાં તેમની કંપની ત્રણ વખત નાદાર બનેલા ડોમિનિક ચેપલને વેચ્યા પહેલા તેમાંતી મોટા ભાગના નાણા બહાર ખેંચી લીધા હતા.

• સોલર સબસિડીમાં કાપથી નોકરીઓને નુકસાન

સોલર સબસિડીમાં મૂકાયેલા કાપથી ગત વર્ષમાં ૧૨,૦૦૦થી વધુ સોલર પાવર નોકરીઓને નુકસાન પહોંચ્યું છે. અને ૧૦માંથી ચાર કંપનીઓ માર્કેટ છોડી જવાનું વિચારતી હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. દસમાંથી ત્રણ કંપની ઓછાં લોકોને નોકરીએ રાખવા વિચારે છે. લંડનમાં ક્વિન એલિઝાબેથ દ્વિતીય રીઝર્વોઈરમાં સોલર પેનલ્સ લગાવાતી હતી તેમાં પણ સબસિડીમાં કાપ પછી કામગીરી મંદ પડી છે. સોલર ટ્રેડ એસોસિયેશન માટે PwC દ્વારા ઈન્ડસ્ટ્રીના ૧૦ ટકા જેટલી ૨૩૮ કંપનીનો અભ્યાસ કરાયો હતો. આ ઉપરાંત, ગત વર્ષે કેટલીક કંપનીઓ વહીવટ હેઠળ મૂકાતાં આશરે ૧,૦૦૦થી વધુ નોકરી ગુમાવાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter