• ફ્રી ઓનલાઈન ઓક્સફર્ડ કોર્સ માટે દોડધામ

Wednesday 08th February 2017 05:31 EST
 

યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ દ્વારા ઓફર કરાયેલા સૌપ્રથમ ફ્રી ઓનલાઈન કોર્સમાં ભાગ લેવા ૧૯૨ દેશમાંથી ૩૩,૦૦૦થી વધુ લોકોએ નોંધણી કરાવી છે. ઓક્સફર્ડની બ્લાવ્ટનિક સ્કૂલ ઓફ ગવર્મેન્ટના એકેડેમિક દ્વારા સંચાલિત છ સપ્તાહનો કોર્સ આ મહિનાથી શરુ કરાશે, જેમાં ગરીબ સમાજોમાં આર્થિક વિકાસ અને વૃદ્ધિ સામેના અવરોધો મુદ્દે સરકારોની ભૂમિકા પર નજર કરવામાં આવશે.

• વંશીય હુમલામાં નિકાબ ખેંચ્યો

સંડરલેન્ડના ૫૫ વર્ષીય પીટર સ્કોટરે જુલાઈ ૨૦૧૬ની ઘટનામાં શોપિંગ સેન્ટરમાં મુસ્લિમ મહિલાનો નિકાબ ખેંચી તેને અપશબ્દોથી નવાજી હોવા સાથે હેરાનગતિ કર્યાની કબૂલાત ન્યુકેસલ ક્રાઉન કોર્ટ સમક્ષ કરી હતી. જજ સ્ટીફન અર્લે ત્રણ સપ્તાહ પછી તેને સજા સંભળાવવાની જાહેરાત કરી છે. જીભ નીચે કેન્સરજન્ય ટ્યુમર ધરાવતા સ્કોટરનું ઓપરેશન કરાવાનું હોવાથી તેને શરતી જામીન પર મુક્ત કરાયો હતો.

• ચીનના વૃદ્ધો માટે બ્રિટિશ સહાય

ચીનની વૃદ્ધ વસ્તીની સામાજિક સંભાળ લેવા માટે બ્રિટિશ સરકાર કરદાતાઓના નાણા ખર્ચવાનું આયોજન કરી રહી છે. સરકારે ચીન, ભારત અને મેક્સિકો જેવા મધ્યમ આવક ધરાવતા દેશોમાં વિકાસને સુધારવા ૧.૩ બિલિયન પાઉન્ડ ખર્ચવાની યોજના જાહેર કરી છે. ફોરેન ઓફિસે જાહેર કર્યા મુજબ ચીનને ભંડોળ આપવા શ્રેણીબદ્ધ હેતુઓની રુપરેખા આપી છે, જેમાં વૃદ્ધ કોમ્યુનિટીની સંભાળ સુધારવી તેમજ ફેશન અને ફિલ્મોને સપોર્ટનો સમાવેશ થાય છે.

• હવે વાઝેક્ટોમીનો અંત આવશે

વાઝેક્ટોમી અથવા પુરુષ નસબંધીનો અંત આવે તેવા અણસાર જણાય છે. વૈજ્ઞાનિકોએ પુરુષો માટેના નવા ગર્ભનિરોધક ઈન્જેક્શનના માનવીય પરીક્ષણોની જાહેરાત કરી છે. થોડી જ સેકન્ડોની આ સરળ પ્રક્રિયામાં પુરુષના શુક્રાણુઓની વહન કરતી નલિકામાં નકસાનરહિત જેલ ઈન્જેક્ટ કરવાનો સમાવેશ થાય છે, જેના પરિણામે બ્લોકેજ સર્જાશે. નસબંધીથી વિપરીત બીજા ઈન્જેક્શનથી આ પ્રક્રિયા ઝડપથી ઉલટાવી શકાશે. બીજું ઈન્જેક્શન અલરોધક જેલને ઓગાળી નાખશે અને પુરુષની ફળદ્રુપતા પુનઃ સ્થાપિત થઈ શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter