નોર્થ ઈસ્ટ સમરસેટના કન્ઝર્વેટિવ સાંસદ જેકોબ રીસ-મોગે જણાવ્યુ હતું કે તેઓ બળાત્કાર અથવા કૌટુંબિક વ્યભિચાર સહિત તમામ સંજોગોમાં ગર્ભપાતનો વિરોધ કરે છે. આ ઉપરાંત તેમણે સજાતીય લગ્ન સામે વાંધાનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે ગર્ભપાતને નૈતિક રીતે જીવનનો અંત લાવવા સમાન ગણાવ્યો હતો. જેકોબ રીસ-મોગ કન્ઝર્વેટિવ હોમ સર્વેમાં થેરેસા મેના અનુગામી બનવા માટે સૌથી લોકપ્રિય પસંદગી મનાતા હતા.
• ઓછી ઉંઘ હાર્ટ એટેક લાવી શકે
જે લોકો રાત્રે વધુ જાગતા હોય કે પથારીમાં આળોટ્યા કરીને ઓછી ઉંઘ લેતાં હોય તેમને હાર્ટ એટેક આવવાની શક્યતા બમણી રહે છે. ખરાબ ઉંઘ ગંભીર બીમારીની ખતરાની ઘંટડી સમાન ગણવી જોઈએ. ઓછી ઉંઘને કેન્સર અને ચિત્તભ્રમ કે સ્મૃતિભ્રંશ સહિતની બીમારીઓ સાથે સાંકળવામાં આવે છે. આરામના અભાવથી ઈન્સ્યુલિનનો પ્રતિકાર તેમજ જોખમરુપ સોજા વધવાથી હૃદયને નુકસાન થઈ શકે તેમ મનાય છે. જોકે, ઓછી ઉંઘ બીમારીનું કારણ હોવાં સાથે સમસ્યારુપ પરિણામ પણ હોઈ શકે છે.
• ઈ-સિગારેટથી સ્મોકિંગની આદત પડતી નથી
ઈ-સિગારેટ સાથેના પ્રયોગો યુવા વર્ગને સ્મોકિંગની આદત તરફ ઘકેલતા હોવાનો ભય સાચો નથી તેમ નવા અભ્યાસમાં બહાર આવ્યું છે. વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭ના ગાળાના અભ્યાસમાં ૧૧-૧૬ વયજૂથના ૬૦,૦૦૦ બાળકોને આવરી લેવાયાં હતા, જેમાંથી ત્રણ ટકા જ દર સપ્તાહે અથવા વધુ સમય ઈ-સિગારેટ્સનો ઉપયોગ કરતાં હતાં. મોટા ભાગના નિયમિત સિગારેટ્સનો ઉપયોગ કરતા હતા.
• નોટિંગ હિલ કાર્નિવલ બંધ કરવા માગણી
વેસ્ટ લંડનમાં બેન્ક હોલિડે વીકએન્ડ દરમિયાન ૨૮ પોલીસ અધિકારીઓ પર હુમલાની ઘટનાના પગલે મેટ્રોપોલીટન પોલીસ ફેડરેશનેબે દિવસીય નોટિંગ હિલ કાર્નિવલ બંધ કરવા માગણી ઉઠાવી છે. ફેડ઼રેશનના ચેરમેન કેન માર્શે જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં પોલીસ સાથીઓ પર હુમલો થયા પછી અન્ય કયા ઈવેન્ટને ચાલુ રાખી શકાય. પોલીસ અધિકારીઓ પર બોટલ્સ સહિતના પદાર્થો ફેંકવામાં આવ્યા હતા.

