ઈંગ્લેન્ડ અને વેલ્સમાં બળાત્કાર અને જાતીય હુમલાના કેસોમાં પૂરાવા રજૂ કરવામાં નિષ્ફળતાને લીધે અદાલતી કાર્યવાહી ખોરંભે ચઢી જતાં ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે તેને લગતા તમામ કેસોની સમીક્ષા હાથ ધરી છે. ડિેરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશન્સ એલિસન સોન્ડર્સે જણાવ્યું હતું કે તપાસને લીધે કથિત જાતીય ગુનો સંકળાયો હોય તેવા કેટલાંક કેસો બંધ થવાની શક્યતા છે.
• મેગન વેડિંગ સ્પીચ આપી પરંપરા તોડવા તૈયાર
મેગન મર્કેલ અને પ્રિન્સ હેરી તેમનું લગ્નજીવન શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે લગ્ન દરમિયાન તેમણે વર અને વધૂના પાત્રમાં આમંત્રિતોને ખૂબ આનંદ પૂરો પાડવાનું વચન આપ્યું છે. રિસેપ્શનમાં મેગન મર્કેલ પોતાની નારીવાદી ઓળખ સાથે ભાષણ આપવાનું પસંદ કરશે તો તે યોગ્ય લાગશે. આગામી ૧૯ મેએ વિન્ડસર કાસલમાં પ્રિન્સ હેરી સાથે લગ્નગ્રંથિથી જોડાનાર મર્કેલ પોતાના નવા પતિ અને ક્વિન એલિઝાબેથ દ્વિતીયની પ્રશંસા કરવા અને પ્રસંગને અનુરૂપ કેટલાંક જોક્સ સાથેના ભાષણની તૈયારી માટે વિચારી રહી હોવાનું મનાય છે.
• અકસ્માતમાં પુત્રીનું મૃત્યુ નીપજાવનાર પિતાને જેલ
જોખમી ડ્રાઈવિંગથી અકસ્માત સર્જી નવ વર્ષની પુત્રી ઓલિવિયાનું મોત નીપજાવવા બદલ દોષિત ઠરેલા ગ્રેટર માન્ચેસ્ટરના અલ્ટ્રીન્ચમ ખાતે રહેતા ૪૭ વર્ષીય ચીઝોરો એડોહાસિમને મિન્શુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટે ચાર વર્ષની જેલની સજા કરી હતી. અકસ્માતમાં તેની સાથે રહેલી બીજી પુત્રી ૧૧ વર્ષીય ઈવાને પણ ગંભીર ઈજા પહોંચી હતી. મેથ્સના લેસન માટે તે બન્નેને પોતાની ગાડીમાં પૂરઝડપે લઈ જતો હતો ત્યારે અકસ્માત થયો હતો. સજાના આદેશનો વિરોધ કરતા તેણે કહ્યું હતું કે આ કેવા પ્રકારનો દેશ છે?
• ઈંગ્લેન્ડમાં વેચાતું ૫૦ ટકા કાચું દૂધ જોખમી
ઈંગ્લેન્ડમાં વેચાતા કાચા દૂધમાંથી લગભગ ૫૦ ટકા દૂધમાં જોખમી બેક્ટેરિયા હોવાની પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના વિજ્ઞાનીઓએ ‘જર્નલ ઓફ એપ્લાઈડ માઈક્રોબાયોલોજી’માં ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું હતું કે ૯૦૦ માંથી ૧૫ ટકા સેમ્પલોમાં લોહીમાં ચેપ કરે તેવા સ્ટેફી લોકોસ્સી અને ૭ ટકામાં ઘાતક લીસ્ટેરિયા બેક્ટેરિયા જણાયા હતા. પોષક તત્વો માટે કાચા દૂધનું સેવન કરતી પ્રસૂતાઓને તે નહીં પીવાની વિજ્ઞાનીઓએ સલાહ આપી હતી. હંમેશા દુધને બે ઉભરા આવે તેટલું ઉકાળીને વપરાશમાં લેવાની સલાહ અપાય છે.

