બાથ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરના વેતનનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે તેની ૨૦૧૮ની પ્રથમ તબક્કાની એડમિશન પ્રોસેસમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. સૌથી વધુ ઘટાડો ભારત, ચીન અને ઈયુ બહારના અન્ય દેશોના વિદ્યાર્થીઓનો છે. આ દેશોના અરજદાર વિદ્યાર્થીઓની અરજીમાં ૧૮.૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ જ સમયગાળા માટે આની સામે બાથ યુનિવર્સિટીની નજીકની છ પ્રતિસ્પર્ધી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની અરજીમાં ૧૧.૫ ટકાનો ઉછાળો જોવાયો છે. દરિયાપારના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમ માટે સંપૂર્ણ ફી એકસાથે ચુકવતા હોવાથી તેઓ યુનિવર્સિટીઓ માટે આવકનું મહત્ત્વનું સાધન છે.
• ઓન ડ્યૂટી સેક્સ માણતા પોલીસ અધિકારીને જેલ
ડોમેસ્ટિક વાયોલન્સની પીડિતા સાથે સેક્સ માણવામાં પોલીસ સપોર્ટ ઓફિસરે જેલની હવા ખાવી પડી છે. મિલ્ટન કીનેસમાં થેમ્સ વેલી પોલીસમાં કોમ્યુનિટી સપોર્ટ ઓફિસર માઈકલ બિલિંગહામે પીડિતાનો સંપર્ક કરવા પોલીસ ડેટાબેઝનો ઉપયોગ કર્યો હતો. સેક્સ માણવા દરમિયાન તાકીદની મદદ માટે ૯૯૯નો રેડિયો કોલ આવતા બિલિંગહામે તેનો જવાબ વાળ્યો ન હતો. વિન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે તેને જાહેર સેવામાં ગેરવર્તન અને કોમ્પ્યુટરના દુરુપયોગના આરોપસર એક વર્ષની જેલની સજા ફરમાવી હતી.
• ફેસબૂકના ૨૭૦ મિલિયન ભૂતિયાં એકાઉન્ટ
સોશિયલ નેટવર્ક ફેસબૂકે કબૂલ કર્યું છે કે તેની નેટવર્ક પર આશરે ૨૭૦ મિલિયન એકાઉન્ટ ગેરકાયદે છે. લાખો એકાઉન્ટ બનાવટી અથવા ડુપ્લિકેટ છે. વિશ્વભરની ચૂંટણીઓમાં રશિયન હસ્તક્ષેપ મુદ્દે ફેસબૂક ભારે દબાણ હેઠળ છે ત્યારે કંપનીની પ્રામાણિકતા સામે પ્રશ્નો કરાઈ રહ્યા છે. ફેસબૂકના માસિક ૨.૧ બિલિયન ઉપયોગકર્તા છે.
• તમાકુ પ્રતિબંધથી કેદીઓમાં હિંસા અંશતઃ વધી
ઈંગ્લેન્ડ અને વેલ્સની ૬૬ જેલમાં હિંસા અને પોતાને જ નુકસાન પહોંચાડવાનું પ્રમાણ વિક્રમી રીતે વધવાને અંશતઃ તમાકુ પર લદાયેલો પ્રતિબંધ જવાબદાર ગણાયો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સની અડધાથી વધુ જેલમાં તમાકુ એક ઔંસના ૧૫૦ પાઉન્ડ જેટલા ઊંચા ભાવે બ્લેક માર્કેટમાં વેચાતી હોવાથી કેદીઓને ધૂમ્રપાન પર પ્રતિબંધ લગાવાયો છે. પ્રિઝન સિસ્ટમમાં સ્પાઈસ નામે ઓળખાતો નવા સાયકોએક્ટિવ પદાર્થનો વપરાશ વધી ગયો છે, જે નોન-સેમોકિંગ જેલોમાં કેદીઓને તમાકુ કરતાં ઘણો સસ્તો પડે છે. તમાકુ અથવા ચાની પત્તી સહિતના અન્ય પદાર્થોથી બનેલી સિગારેટ વાળવા માટે બાઈબલના પાના એકદમ પરફેક્ટ લાગવાથી કેદીઓ ક્રિશ્ચિયાનિટી તરફ વળી રહ્યા છે.
• પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની ડીગ્રીથી કમાણી વધે
દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ્સ તેમના કારકીર્દિના જીવનકાળની કમાણીમાં અભ્યાસનો ખર્ચ બાદ કરીને પણ વધારાના ૧૭૭,૦૦૦ પાઉન્ડની આવક મેળવી શકે છે. જે લોકોએ માસ્ટર્સ ડીગ્રી મેળવી હોય તેમની સંભવિત કમાણી આનાથી પણ વધારે રહે છે. તેઓ ડીગ્રી નહિ મેળવારાની સરખાણીએ સરેરાશ 3૧૭,૦૦૦ પાઉન્ડની આવક વધુ મેળવે છે, જ્યારે ડોક્ટરેટ કરનારાઓ કારકીર્દિમાં પ્રીમિયમ સમાન વધુ ૪૦૯,૦૦૦ પાઉન્ડની આવક સાથે સંપત્તિશાળી બને છે.

