આધુનિક જીવન બાળકોને મોત તરફ દોરી જાય તેવું જોખમી છે. ગત ૧૬ વર્ષમાં વાયુ પ્રદુષણ, જંતુનાશકો, નબળો ખોરાક, અને રેડીએશનના કારણે કેન્સરનું નિદાન કરાનારા બાળકોની સંખ્યામાં ૪૦ ટકાનો વધારો થયાની ચેતવણી વિજ્ઞાનીઓએ આપી છે. ચેરિટી ચિલ્ડ્રન વિથ કેન્સર યુકેના સંશોધકો દ્વારા સરકારી આંકડાઓનું વિશ્લેષણમાં જણાયું હતું કે ૧૯૯૮ની સરખામણીએ હવે દર વર્ષે કેન્સરના ૧,૩૦૦ કેસ વધુ જોવા મળે છે.
• કટ્ટરવાદના સામના માટે નવું ભંડોળ
સ્થાનિક કક્ષાએ આતંકવાદ સામે લડવા હોમ ઓફિસ દ્વારા ૧.૫ મિલિયન પાઉન્ડના ભંડોળનો આરંભ કરાયો છે. પોતાની કોમ્યુનિટીઓમાં કટ્ટરવાદને અટકાવવાના પ્રોજેક્ટ્સ માટે ગ્રૂપ્સ અથવા વ્યક્તિઓને ૧૦૦,૦૦૦ પાઉન્ડ ઓફર કરાશે. ‘નબળાં લોકોને આતંકવાદ તરફ ખેંચાતા અટકાવવા’ સંબંધિત પ્રોજેક્ટ આઈડિયા મોકલવા જાહેર જનતાને જણાવાયું છે. ધ ઓફિસ ફોર સિક્યુરિટી એન્ડ કાઉન્ટર ટેરરિઝમ દ્વારા શ્રેષ્ઠ એન્ટ્રીઝનો નિર્ણય કરવામાં આવશે.
• ચાર વર્ષના બાળકો શાળા માટે સજ્જ નહિ
ચાર વર્ષની વયે શાળામાં જવાની શરુઆત કરતા બાળકોમાંથી ત્રીજા ભાગના બાળકો શારીરિક દૃષ્ટિએ સક્ષમ હોતાં નથી, જેના પરિણામે શીખવાની મુશ્કેલીઓના વધુપડતાં નિદાનની સમસ્યા સર્જાતી હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. લફબરો યુનિવર્સિટીના સંશોધકોને જણાયું હતું કે ૩૦ ટકા બાળકો ડિસ્લેક્સિયા, ડિસ્પ્રેક્સિયા અને ADHD જેવી સમસ્યાના દેખીતા લક્ષણો સાથે શાળાએ જવાનું શરુ કરે છે. આમાંના મોટા બાગના બાળકો બોલ નાખવા અને પકડવા જેવી પ્રવૃત્તિમાં વધુ સમય ગાળે તો આવી શીખવાની મુશ્કેલીઓ રહે નહિ તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
• જોખમી ડ્રાઈવિંગ બદલ છ વર્ષની જેલ
ઈસ્ટ સસેક્સમાં ડ્રગ્સ લઈને વાહન હંકારી બે વ્યક્તિને અથડામણમાં મોતને ઘાટ ઉતારનારા જોડન હન્ટને ગિલ્ડફોર્ડ ક્રાઉન કોર્ટે છ વર્ષની સજા ફરમાવી છે. હન્ટે ડ્રગ-ડ્રાઈવિંગની કાનૂની મર્યાદા ૧૬ ગણી વખત વટાવી છે. તેને આઠ વર્ષ સુધી ડ્રાઈવિંગ કરવા માટે પ્રતિબંધિત કરાયો હતો. ઈસ્ટબોર્નના હન્ટે ૩૦ કલાક પ્રતિ માઈલની ગતિમર્યાદાથી બમણી ગતિથી કાર હંકારી હતી, જેમાં રિચાર્ડ ક્લેમેન્ટ્સ-લુઈસ અને પેસેન્જર મારિયા સ્મિથના અકસ્માતમાં મોત થયાં હતાં.
• બાળકો લેખન, વાચન અને મેથ્સમાં નિષ્ફળ
પ્રાથમિક શાળા છોડતા ઘણા બાળકો લેખન, વાચન અને મેથ્સના પાયારુપ માપદંડ કે ધોરણો શીખવામાં નિષ્ફળ રહેતાં હોવાનું ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના આંકડામાં જણાવાયું છે. સરકારે ધોરણો સુધારવા કરેલા પ્રયાસો પછી ૧૧ વર્ષીય બાળકોને આ વર્ષે કડક SATપરીક્ષાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પડકારના સામનામાં ૪૯.૫૪ ટકા છોકરાઓની સરખામણીએ ૫૭.૧ ટકા છોકરીઓ અપેક્ષિત ધોરણોએ પહોંચી શકી હતી. આમ બન્ને જાતિ વચ્ચે સફળતાનો તફાવત આઠ ટકાથી વધુ હતો, જે ૨૦૧૨ પછી સૌથી વધુ છે.
• ‘વિરામ’ સૌથી શ્રેષ્ઠ ઔષધ
તણાવ અને હતાશાગ્રસ્ત લોકો માટે કામમાંથી થોડો સમય ‘વિરામ’ લેવો તે શ્રેષ્ઠ ઔષધ હોવાનું યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોએ જણાવ્યું છે. દૈનિક તણાવપૂર્ણ જીવનમાંથી આશરે છ દિવસનો વિરામ લેવાથી ઈમ્યુન સિસ્ટમ પર રચનાત્મક અસર પડે છે. જીવનની વ્યસ્તતા અને દોડધામમાંથી દૂર થવાના કારણે તણાવમાં હળવાશ, વિસ્મૃતિ અને હતાશા સામે રક્ષણ સહિતના જે ફેરફારો આવે છે તેની અસર નોંધપાત્ર હોય છે.

