બાળકોને કફ માટેનું સિરપ આપવું ન જોઈએ પરંતુ, તેમને જૂના જમાનાના ઔષધ મધ અને લીંબુ આપીને સારવાર કરવી જોઈએ તેવી સલાહ જાણીતા પીડિઆટ્રિશિયને આપી છે. રોયલ કોલેજ ઓફ પીડિઆટ્રિક્સ એન્ડ ચાઈલ્ડ હેલ્થમાં ટ્રેઈનીઝ કમિટીના ચેરમેન ડો. ઓલિવર બેવિંગ્ટને જણાવ્યું હતું કે નાના બાળકોને ઓવર ધ કાઉન્ટર મળતા સિરપ અને દવાઓ અજાણપણે જોખમ ઉભું કરે છે. કફની દવાઓ કામ કરે છે તેવા કોઈ પૂરાવા નહોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે ખરેખર તો તેઓ લાભ કરતા નુકસાન વધુ કરે છે.
• ડીગ્રી મધ્યે જ સારી યુનિવર્સિટીમાં પ્રવેશ સરળ
વિદ્યાર્થીઓ હવે તેમના ડીગ્રી અભ્યાસક્રમોની મધ્યમાં જ ટ્રાન્સફર સાથે વધુ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકશે. સરકારની દરખાસ્તો અનુસાર યુનિવર્સિટીઓ માટે પણ વિદ્યાર્થીઓને અધવચ્ચે મેળવવાનું સરળ બની રહેશે.
• હાઈ સ્ટ્રીટને બ્લેક ફ્રાઈડેનો આઘાત
ડિજિટલ વેપારની તરફેણ કરતા ગ્રાહકોના વલણથી હાઈ સ્ટ્રીટને ભારે આઘાત લાગ્યો છે. બેન્કિંગ જાયન્ટ રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ, ટોઈઝ આર અસ દ્વારા તેમની ૨૫ ટકા બ્રાન્ચ અને થોમસ કૂક દ્વારા તેના ૫૦ આઉટલેટ્સ બંધ કરવાની જાહેરાત થઈ છે. આના પરિણામે, ૩૦૦થી વધુ સ્ટોર્સ બંધ થશે અને લગભગ ૨૦૦૦ નોકરીને અસર થશે.
• ૩૦૦૦ થેરાપિસ્ટ બાળકોની મદદમાં
બાળકોમાં માનસિક આરોગ્ય કટોકટીનો સામનો કરવામાં મદદ માટે કાઉન્સેલરની ઓફર કરાશે. સરકારની નવી યોજના હેઠળ આશરે ૩૦૦૦ હેલ્થ પ્રોફેશનલ્સને ચિંતાતુર બાળકોને કાઉન્સેલિંગ આપવા માટે તાલીમબદ્ધ કરવામાં આવનાર છે. બાળકોમાં પોતાને નુકસાન કરવાની ભાવના સાથેના માનસિક તણાવનું પ્રમાણ વધી રહ્યું છે.
• બેનિફિટ ફ્રોડ વધીને ૨.૧ બિલિયન પાઉન્ડ
બ્રિટનમાં બેનિફિટ ફ્રોડનું પ્રમાણ એક વર્ષમાં વિક્રમજનક ૨૦૦ મિલિયન પાઉન્ડના વધારા સાથે વધીને ૨.૧ બિલિયન પાઉન્ડના આંકે પહોંચ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર વર્ક્સ એન્ડ પેન્શન્સનું કુલ બજેટ ૧૭૪ બિલિયન પાઉન્ડ છે તેમાંથી આશરે ૨.૧ બિલિયન પાઉન્ડ તો બેનિફિટ છેતરપીંડીમાં ખવાઈ જાય છે.
• સીરિયલ સેક્સ હુમલાખોર ફરી ત્રાટક્યો
લંડનના વ્યસ્ત કલાકોમાં શાળાએથી ચાલીને ઘેર જતી આઠ વર્ષ જેટલી નાની બાળાઓને નિશાન બનાવતો હુમલાખોર ફરી ત્રાટક્યો છે, જેને પોલીસ શોધી રહી છે. સાઉથ લંડનના બ્રોકલીમાં ૨૨ નવેમ્બરની સવારે ૮.૩૦ કલાકે હુમલાખોરે ૧૫ વર્ષીય બાળા પર હુમલો કર્યો છે. ગયા વર્ષે સાઉથ લંડનમાં આઠ વર્ષની બાળાથી ૩૪ વર્ષીય યુવતી સુધી ઓછામાં ઓછી ૨૫ પીડિતા પર હુમલા કરાયા હતા. આ મહિલાઓ ચાલીને ઘર તરફ જતી હતી ત્યારે હુમલાનો શિકાર બની હતી.

