NHSના વડા સિમોન સ્ટીવન્સે પરિવારોને તેમના આહારની આદતો બદલવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે પેરન્ટ્સે તેમના બાળકો માટે ‘કડક પ્રેમ’ દાખવવો જોઈએ અને તેમને ન્યૂ યર ડાયેટ પર મૂકવા જોઈએ. હેલ્થ સર્વિસ દ્વારા ૫૦,૦૦૦ લોકોને ડાયેટ પર મૂકવાની યોજના જાહેર કરી છે. નવી રાષ્ટ્રીય પહેલ અનુસાર વધુ વજનના કારણે ડાયાબિટીસના જોખમમાં આવતાં લોકોને ‘લાઈફસ્ટાઈલ કોચિંગ’, રસોઈકળાના ક્લાસીસ અને ફીટનેસ સેશન્સની ઓફર કરાશે. બે તૃતીઆંશ વયસ્કો અને નાના બાળકોના ત્રીજા ભાગ સહિત બ્રિટનનું મેદસ્વીતા સ્તર સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ છે.
• પેરન્ટ્સના શિરે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની જવાબદારી
બ્રિટનની ટોપ સ્કૂલોમાં એક સેન્ટ પોલ્સ ગર્લ્સ સ્કૂલ, લંડનના હાઈ મિસ્ટ્રેસ ક્લેરિસા પારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે બાળકોને સેક્સ્યુઅલ સંમતિ તેમજ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સંબંધિત મુદ્દાઓ પ્રત્યે જ્ઞાન આપવાની પ્રાથમિક જવાબદારી સ્કૂલોથી વધુ પેરન્ટ્સના શિરે હોવી જોઈએ. છોકરીઓ સાથે સન્માનથી વર્તવાનું છોકરાઓને શીખવવા તરફ કામગીરી થવી જોઈએ અને પેરન્ટ્સે તેમાં અગ્રેસર થવું જોઈએ.
• બોક્સિંગ ડે વેચાણોને બ્લેક ફ્રાઈડેની અસર
બ્લેક ફ્રાઈડેના કારણે બોક્સિંગ ડે અને જાન્યુઆરી મહિનાના વેચાણોને ખરાબ અસર પહોંચી છે. રિટર્ન થયેલાં ઓનલાઈન ઓર્ડર્સના કારણે સ્ટોક ગોડાઉન્સમાં પડી રહેતાં દુકાનોની અભરાઈઓ ખાલી દેખાવાની શક્યતા વધુ છે. ધારણાથી વિપરીત ઈન્ટરનેટ શોપિંગના ઊંચા દર તેમજ પાંચમાંથી એક ઓર્ડર પાછા ફરવાના કારણે સ્ટોર્સના વેચાણોમાં ‘ધીસ સિઝન’ આઈટમ્સ જોવાં મળશે નહિ.
• ટોઈલેટ પેપર્સને વાળવામાં વેડફાતા ૧૦ મિલિયન કલાક
દસ મિલિયન કલાક ખરેખર લાંબો સમય છે. ૧૦ મિલિયન કલાક અગાઉ વાઈકિંગ્સે લિન્ડિસફાર્ન પર આક્રમણ કર્યું હતું. એક રીતે જોઈએ તો દસ મિલિયન કલાક એટલે ૧૦૦ લોકોની વર્કિંગ લાઈફ પણ ગણી શકાય. જરા વિચારો તો, હોટેલ ક્લીનર્સ દ્વારા ટોઈલેટ પેપર્સને ત્રિકોણિયા વાળવામાં દર વર્ષે દસ મિલિયન કલાકના સમય અને શક્તિ વેડફાઈ જાય છે. ટોઈલેટ પેપર્સ ત્રિકોણિયા વાળવામાં આવે કે ન આવે તેની કોઈને દરકાર ન હોવાં છતાં આમ કરવાનો રિવાજ પડી ગયો છે.

