કોર્ટના ચુકાદાનો લાભ લઈ શાળાની ટર્મ દરમિયાન ફેમિલી હોલિડેનું બુકિંગ કરવાનાર પેરન્ટ્સને હવે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા પછી ભારે દંડ અને સંભવિત ક્રિમિનલ સજાનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ભરચક હોલિડે સીઝન સિવાય સસ્તા ભાડાં અને હોટેલોનો ફાયદો મેળવવા માટે થઈને પેરન્ટ્સ બાળકને શાળામાંથી રજા પર લઈ જઈ શકે નહિ. આ સાથે આઈલ ઓફ વાઈટના બિઝનેસમેન જોન પ્લાટની તરફેણમાં અપાયેલો ચુકાદો રદ થયો છે. હજારો પેરન્ટ્સે પ્લાટ ચુકાદાને ધ્યાનમાં રાખી શાળાની ટર્મ દરમિયાન હાળકો સાથે સસ્તી રજાઓ ગાળવાનું બુકિંગ કરાવ્યું હોવાનું મનાય છે.
• વકીલો કોર્ટમાં મોબાઈલનો જવાબ આપી શકે
હાઈ કોર્ટના વરિષ્ઠ જજ જસ્ટિસ હોલમાને કહ્યું છે કે વકીલોએ કેસની સુનાવણી દરમિયાન મોબાઈલ ફોનની રિંગ વાગે ત્યારે તેઓ ઈચ્છે તો જવાબ આપી શકે છે કારણકે તેમનો સંપર્ક કરવો કોઈના માટે તાકીદની બાબત હોઈ શકે છે. ઈંગ્લેન્ડ અને વેલ્સની હાઈ કોર્ટ્સમાં દીર્ઘ સેવા આપનારા જજીસમાં ૬૯ વર્ષીય જસ્ટિસ હોલમાન એક છે. તેમની કોર્ટમાં સુનાવણી સમયે એક વકીલના મોબાઈલની રિંગ વાગતા તેમણે આ સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે આધુનિક યુગમાં મોબાઈલ ફોન અતિ મહત્ત્વપૂર્ણ છે.
• Ipadની જપ્તીથી તરુણનો આપઘાત
હર્ટફોર્ડશાયરના સેન્ટ એલ્બાન્સમાં રહેતા ૧૫ વર્ષીય સેરી શીહાને ગત વર્ષે ૧૧ જૂને આપઘાત કરી લેતા ચકચાર ફેલાઈ હતી. સેરી મોડી રાત સુધી જાગતો રહેવાથી તેના માતાપિતાએ તેનું Ipad જપ્ત કરી લેતા તેને લાગી આવ્યું હતું. તે પરિવારના મકાનના બગીચામાં ફાંસો ખાઈ લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. ઈન્ક્વેસ્ટમાં જણાવાયું હતું કે સેરી હતાશા અને એસ્પર્જર્સ સિન્ડ્રોમથી પીડાતો હતો.
• ડાર્ટમૂરમાં ઓનેસ્ટી બોક્સનો અંત
ડાર્ટમૂર નેશનલ પાર્ક ઓથોરિટી હવે પાર્કિંગ ઓનેસ્ટી બોક્સીસ બંધ કરી તેના સ્થાને ટિકિટ મશીનો મૂકવા માગે છે. ગત છ વર્ષથી અહીંના મુલાકાતીઓને એક પાઉન્ડનો સ્વૈચ્છિક ફાળો આપવા કહેવાતું હતું. આ નાણા કન્ટ્રીસાઈડને સ્વચ્છ રાખવા અને જાણવણી પાછળ વપરાતાં હતાં. જોકે, પ્રતિ વાહન દ્વારા સરેરાશ કરાતું દાન માત્ર ૧૫ પેન્સ જ હતું. જેના કારણે ભંડોળમાં મોટી ખાઈ-અછત સર્જાતી હતી. નાણા ચુકવવાનું ટાળતા વાહનચાલકો માટે ઓથોરિટીએ પ્રાયોગિક ધોરણે પે એન્ડ ડિસ્પ્લે સ્કીમ અમલી બનાવ્યા પછી આવકમાં ચાર ગણો વધારો નોંધાયો હતો.
• નિવૃત્ત થનારા ડોક્ટરોની સંખ્યામાં ઊછાળો
પેન્શન પોટ્સ પર ટેક્સ અંકુશ અમલમાં આવે તે પહેલા નિવૃત્ત થનારા ડોક્ટરોની સંખ્યામાં ભારે ઊછાળો આવ્યો છે. આના પરિણામે વિક્રમી સંખ્યામાં જીપી પ્રેક્ટિસીસ બંધ થઈ રહી છે. ગયા વર્ષે સર્જરીઓ બંધ થવાના કારણે ૨૫૦,૦૦૦થી વધુ પેશન્ટોએ અન્યત્ર જવાની ફરજ પડી હતી અને એપોઈન્ટમેન્ટ રાહ જોવાના સમયમાં ભારે વધારો થયો હતો. વાસ્તવમાં ૨૦૧૩ પછી બંધ થયેલી પ્રેક્ટિસીસની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે.
• જૂના પુસ્તકોની સુગંધ સાચવો
ભાવિ પેઢીઓ સુંગંધનો આનંદ માણી શકે તે માટે જૂના પુસ્તકોની ગંધને સાચવી રાખવા વૈજ્ઞાનિકોએ સલાહ આપી છે. સંશોધકોએ મ્યુઝિયમના મુલાકાતીઓને જૂના પુસ્તકોની ગંધ કેવી લાગે છે તેના વિશે પૂછ્યું હતું. આ પછી, તેમના પ્રતિભાવો અને કેમિકલ એનાલિસીસની મદદથી કોન્ઝર્વેશનાલિસ્ટ્સ ઘ્રાણેન્દ્રિયના અનુભવથી કયા પુસ્તકો ખરાબ થવાનું જોખમ ધરાવે છે તે જાણી શકે તેવી વ્યવસ્થા વિચારી હતી.

