સેંકડો શાળાઓએ પરીક્ષાના સમયે રમઝાન મહિના દરમિયાન ઉપવાસ તોડવા મુસ્લિમ બાળકોને છૂટ આપવા પેરન્ટ્સને અનુરોધ કર્યો છે. રમઝાન ધીમે ધીમે ઉનાળુ પરીક્ષાની સીઝનમાં આવે છે અને આ વર્ષે જૂન ૬થી જુલાઈ ૫ દરમિયાન રમઝાન મહિનો છે. ત્રણ દાયકાથી વધુ સમયમાં સૌપ્રથમ વખત મોટા ભાગની પરીક્ષા આ ગાળામાં હશે. યુકેમાં દિવસના ઉપવાસના કલાકો લાંબા રહેતા હોવાથી વિદ્યાર્થીઓના પરિણામ પર અસર પડે તેવી ચિંતા શાળાઓ દ્વારા વ્યક્ત કરાઈ છે
• બાળકના મોત અંગે ત્રણની ધરપકડ
એક દાયકા કરતા વધુ સમયથી લાપતા બાળકના અવશેષો નોર્થ લંડનની પ્રોપર્ટી ખાતેથી મળી આવ્યા પછી પોલીસે બાવન વર્ષના એક પુરુષ અને ૫૦ અને ૩૧ વર્ષની બે મહિલાની ધરપકડ કરી છે. ગયા વર્ષે બાર્નેટમાં અન્ય બાળકના મૃત્યુની તપાસ કરવા દરમિયાન પોલીસને નવા સગડ મળી આવ્યા હતા. વેસ્ટ હેન્ડોન ખાતે પ્રોપર્ટીની તપાસમાં આ જ સરનામેથી લાપતા બાળક સાથે સંભવિત કડી હોવાનું જણાયું હતું.
• ‘નકામા’ ઇન્સ્યુરન્સથી રજાઓ બગડવાનો ભય
રજાઓ માણવા ગયેલા લોકો નકામા ટ્રાવેલ ઈન્સ્યુરન્સ ખરીદવાના કારણે જંગી બિલો સાથે રસ્તે રઝળી પડે તેવું જોખમ રહેલું છે. પર્યટકો કિંમતોની સરખામણી કરતી વેબસાઈટ્સ પર સસ્તા સોદાઓ કરવા લલચાય છે. આવી ઘણી પોલિસીઓ ચુકાઈ જવાતી ફ્લાઈટ્સ, બેગ્સ ગૂમ થવી અને મેડિકલ બિલ્સ સહિત મોટા ભાગની પાયારુપ દુર્ઘટનાઓ સામે રક્ષણ આપવામાં નિષ્ફળ જતી હોવાનું બહાર આવ્યું છે. કેટલીક પોલિસીઓ તો માત્ર ૧૩ પાઉન્ડની નજીવી કિંમતે વેચાય છે.
• બ્રેસ્ટ કેન્સરના દર્દીએ ૧૦ વર્ષ દવા લેવી જરૂરી
સામાન્ય પ્રકારના બ્રેસ્ટ કેન્સરથી પીડાતી મહિલાઓએ આ રોગ ઉથલો ન મારે તે માટે ૧૦ વર્ષ સુધી તેની દવાઓ લેવાનું ચાલુ રાખવું જોઈએ તેમ અભ્યાસમાં જણાવાયું છે. બ્રિટનમાં હોર્મોન-રીસેપ્ટર-પોઝિટિવ બ્રેસ્ટ કેન્સર સાથેની આશરે ૪૦,૦૦૦ મહિલા તેમનો એરોમેટીઝ ઈન્હિબિટર્સ દવાઓ લેવાનો સમયગાળો પાંચ વર્ષના બદલે ૧૦ વર્ષનો કરવામાં આવે તો કેન્સર ફરી થવાનું અન્ય સ્તનમાં કેન્સર થવાનું જોખમ ૩૩ ટકા જેટલું ઘટાડી શકે છે.
• એક પોલીસ દળ પાસે ચાઈલ્ડ એબ્યુઝના ૨૦૦ કેસ
સાઉથ યોર્કશાયર પોલીસ ફોર્સ પાસે સૌથી મોટો કાર્યબોજ હોવાનું પોલીસ અને ક્રાઈમ કમિશનર ડો. એલન બિલિંગ્સનું કહેવું છે. આ દળ પાસે બાળ યૌનશોષણના ૧૮૩ કેસની તપાસ છે અને દરેક અધિકારી હસ્તક નવથી વધુ કેસ છે. સૌથી વધુ કેસ રોધરહામ વિસ્તારમાં છે અને માર્ચ મહિના સુધીના એક વર્ષમાં ૩૭ ટકા કેસનો ઉકેલ આવ્યો હતો.
• ચાઈલ્ડ સેક્સ એબ્યુઝ ઈન્ક્વાયરીની ટીકા
લેબર પાર્ટીના ઉમરાવ બ્રાઉનસ્ટોનના બેરન જેનરના પરિવારે આક્ષેપ કર્યો છે કે મૃત લોર્ડ જેનરના કથિત યૌનશોષણના અસરગ્રસ્તો વળતર મેળવવા માટે જૂઠાણાનો સહારો લઈ રહ્યા છે. પરિવારે ગોડાર્ડ ચાઈલ્ડ સેક્સ એબ્યુઝ ઈન્ક્વાયરીને અન્યાયના ઉદાહરણ સમાન ગણાવી છે. પરિવારના સોલિસિટર દ્વારા ઈન્ક્વાયરીને ૯,૦૦૦ પાનાનો દસ્તાવેજ અપાયો છે, જેમાં કેટલાક ક્લેઈમ્સ વળતર મેળવવા જ થયાના આક્ષેપ મૂકાયા છે.
• ટીવીથી સેક્સ લાઈફને અસર
ટેલિવિઝન સેટ સામે વળગી રહેવાનું બંધાણ વર્તમાન યુગના દંપતીઓમાં સેક્સ માટે અવરોધક બન્યું છે. ‘ઈડિયટ બોક્સ’ તરીકે જાણીતા ટેલિવિઝન સેટથી સેક્સ લાઈફને ગંભીર અસર થઈ છે. કેમ્બ્રિજના આંકડાશાસ્ત્રી સર ડેવિડ સ્પિગલહોલ્ટરે ચેતવણી સાથે જણાવ્યું છે કે ૧૯૯૦ના દાયકામાં દંપતીઓ મહિનામાં સરેરાશ પાંચ વખત સેક્સ માણતા હતા પરંતુ, ૨૦૧૦માં આ પ્રમાણ ઘટીને મહિનામાં ત્રણ વખતનું થયું છે.
• આસિસ્ટેડ ડાઈંગનો વિરોધ છોડવા દબાણ
આસિસ્ટેડ ડાઈંગ સામે સત્તાવાર વિરોધને પડતો મૂકવા બ્રિટિશ મેડિકલ એસોસિયેશન પર દબાણ વધી રહ્યું છે. એક અભિપ્રાય મતદાનમાં માત્ર સાત ટકા લોકોએ એસોસિયેશનના વલણને ટેકો આપ્યો હતો. બીએમએ કોન્ફરન્સમાં ડોક્ટરો આ મુદ્દે તટસ્થ વલણ અપનાવવા યુનિયનને અનુરોધ કરતા ઠરાવ પર ચર્ચા કરવાના છે.
• રેડ વાઈન તાજો રાખવા ફ્રીજમાં મૂકો
રેડ વાઈનની ખુલ્લી બોટલ્સ ફ્રીજમાં મૂકવાથી લાંબો સમય ફ્રેશ રહેશે તેમ અગ્રણી વાઈન નિષ્ણાતોએ સલાહ આપી છે. વાઈન ઈન્ડસ્ટ્રીના બાઈબલ ‘ધ ઓક્સફર્ડ કમ્પેનિયન ટુ વાઈન’ના એડિટર જાન્સિસ રોબિન્સને જણાવ્યું છે કે મોટા ભાગના લોકો વ્હાઈટ વાઈનની અડધી ખાલી બોટલ્સ ફ્રીજમાં રાખવા ટેવાયેલાં છે. રેડ વાઈનના ઓક્સિડેશનને મર્યાદિત બનાવવા તેની ખુલ્લી અડધી બોટલ્સ પણ ફ્રીજમાં ઠંડી કરવા મૂકવી જોઈએ. નીચા તાપમાને રાસાયણિક પ્રતિક્રિયાઓ મંદ પડે છે.
• કેન્સર સામે લડવા વજન ઘટાડો
કેન્સરના નવા નિદાન કરાયેલા દર્દીઓને ડાયેટ અને કરત કરવાની સલાહ આપવી જોઈએ. કેન્સર નિષ્ણાતોએ જણાવ્યું છે કે કેન્સર સામે લડવાનો શ્રેષ્ઠ માર્ગ વજન ઘટાડવાનો હોવાના પુરાવાઓ મળી રહ્યા છે. દરરોજ માત્ર ૨૫ મિનિટ ઝડપી ચાલવાથી બ્રેસ્ટ કેન્સરના પીડિતોમાં મૃત્યુદર અડધો થઈ જતો હોવાનું જણાયું છે. બીજી તરફ, કમરનો ઘેરાવો ૩૫ ઈંચથી વધુ હોય ત્યારે મૃત્યુદરમાં ૩૩ ટકાનો વધારો થાય છે.
• ક્રિશ્ચિયન પ્રાર્થના બેઠકો અટકાવાઈ
સરકારની ત્રાસવાદવિરોધી ‘પ્રીવેન્ટ’ રણનીતિના પરિણામે ક્રિશ્ચિયન યુનિયનને કોલેજ પ્રીમાઈસીસમાં પ્રાર્થના અને બાઈબલ સ્ટડી બેઠકો યોજતાં અટકાવાયું હતું. યુકેના ફર્ધર એજ્યુકેશન અને સિક્સ્થ ફોર્મ કોલેજીસમાં ક્રિશ્ચિયન્સનું સમર્થન કરતી ચેરિટી ફેસ્ટિવના ડિરેક્ટર ટોની કોલ્ટને જણાવ્યું હતું કે પ્રાર્થના અને ફેલોશિપ્સ માટે ક્રિશ્ચિયન મીટિંગ્સ યોજવા સામે સીનિયર મેનેજમેન્ટે નારાજી દર્શાવી હતી અને તે માટે પ્રીવેન્ટ નીતિનું કારણ દર્શાવ્યું હતું.
• ડોક્ટરની મુલાકાત સવારે જ લેવી
પેશન્ટોએ તબિયત બતાવવા માટે સવારની જ એપોઈન્ટમેન્ટ લેવી જોઈએ તેવું ડોક્ટરોનું માનવું છે. બપોર બાદ મોડા જવાથી થાકી ગયેલા ડોક્ટર અયોગ્ય નિદાન પર પહોંચી શકે તેનું જોખમ રહે છે. થાકેલા ડોક્ટરો ખોટા નિર્ણયો લે અથવા તો ચિંતાજનક લક્ષણો ધરાવતા દર્દી માટે શ્રેષ્ઠ સારવારની પસંદગી કરી ન શકે તેવું બનવાની શક્યતા રહે છે.

